અમે મુંબઈના રહેવાસી

0
1200


એ ચોપાટીની રેતી… એ કારેલાંના ભજિયાં…

સન 1936માં મુંબઈની ખેતવાડીમાં કંચનગૌરી હોસ્પિટલમાં મારો જન્મ થયો, અને સી. પી. ટેન્ક પાસે વી. પી. રોડ પર આર. કે. વાડીમાં મારું બાળપણ અને યૌવન વિતાવ્યું. 1961માં મુંબઈ છોડ્યું.
મુંબઈની યાદ, 1943માં ગોદીમાં બે જહાજમાં વિસ્ફોટ થયા અને મુંબઈ પર જાપાને બોમ્બ ફેંકાયાની બીક લાગી. ગોદીની આગની જ્વાળાઓ અમારી બારીમાંથી જોઈને હજી યાદ આવે છે. આખું મુંબઈ એક વીકમાં ખાલી થઈ ગયું અને અમે પણ ફેમિલી સાથે સૌ ગામ ગયા, અને છ મહિનામાં પાછા મુંબઈ આવી ગયા.
વિશ્વયુદ્ધનો અંત થયો અને ક્વિટ ઇન્ડિયા ચળવળ શરૂ થઈ. સી. પી. ટેન્કથી ચોપાટી સુધી રોજ સવારે પ્રભાતફેરી થતી. પ્રભાતફેરી પ્રાર્થના સમાજ પહોંચે તે પહેલાં જ પીળી પાઘડીવાળા અટકાવતા અને થોડા ઘણાને પકડી જેલમાં લઈ જતા. મારા મોટા ભાઈ અને મિત્રોને મળવા આર્થર રોડ જેલમાં જતા.
આઝાદી મળી ત્યારે હું બાઈ કબીબાઈ સ્કૂલમાં સાતમા ધોરણમાં હતો. સ્કૂલના ચોકમાં શિક્ષક લાભશંકર જોશીએ તળીને સૌને ચૂરમાના લાડુ વહેંચ્યા. પ્રિન્સિપાલ તળપડે અંગ્રેજી વ્યાકરણ અને ભાષા વિશે બહુ જ સ્ટ્રિક હતા, પણ એ જ ફાઉન્ડેશન ભવિષ્યમાં કેટલું ઉપયોગી નીવડ્યું એ માનવામાં નથી આવતું.
સી. પી. ટેન્કથી 12 નંબરની ટ્રામમાં રોજ બે પૈસાની ટિકિટ લઈ બોરીબંદર સ્કૂલ પર જતા અને બપોરના કેપિટલ સિનેમાની પાછળ વિઠ્ઠલ ભેળવાળાને ત્યાં બે આનામાં ભેળ ખાવી અને વળી ઉપરથી મુઠ્ઠી ભરીને સેવમમરા મળતા.
પછી એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયો. પછી જી. એસ. મેડિકલ કોલેજમાં પરેલ જવાનું. રોજ ચર્ની રોડ સ્ટેશનથી ટ્રેન પકડી એલ્ફિન્સ્ટન રોડ જતા. કોલેજમાં નાટકનો રંગ લાગ્યો અને પ્રબોધ જોશી સાથે મૈત્રી થઈ.
કનૈયાલાલ મુનશીએ ચોપાટી પર ભવન્સ કોલેજ શરૂ કરી અને ભારતીય વિદ્યાભવન બાંધ્યું ત્યાં દર વર્ષે કોલેજો માટે એકાંકી ગુજરાતી નાટકની સ્પર્ધા થતી. ત્રણ વર્ષ તેમાં ભાગ લીધો અને ઇનામો જીત્યાં. મુંબઈનું સૌપ્રથમ ઓપન એર થિયેટર ‘રંગભવન‘ ધોબી તળાવ પાસે ખૂલ્યું ત્યાં ઓપનિંગ માટે ત્રિઅંકી નાટકોની સ્પર્ધા હતી. ત્યાં ‘પત્તાંની જોડ’ની પ્રથમ રજૂઆત કરી અને ટ્રોફી મેળવી.
નાટકોમાં કામ કરતાં ગર્લફ્રેન્ડ મળી અને લગ્ન કર્યાં. એ દરમિયાન હાર્ડનેસ રોડના પથ્થરો પર થતી છૂપી મુલાકાતો. આજે તો એ પથ્થરોની જગ્યાએ સ્કાયસ્ક્રેપર્સ બંધાઈ ગયાં છે.
હજીયે યાદ આવે છે કે ચોપાટીની રેતીમાં રાત્રે મિત્રો સાથે ભેગા મળી ચર્ચા કરતા, કારેલાંનાં ભજિયાં ખાતાં અને ચોટલીવાળાનાં પાન ખાઈને મોડી રાતે ઘર ભેગા થતા. મુંબઈ છોડ્યા પછી નાટક પૂરાં થયાં અને વ્યવસાયમાં પડી ગયા. આજે નાટકો પ્રોફેશનલ થઈ ગયાં પણ એ શરૂઆતના એમેચ્યોર સ્ટેજ સ્ટેજ જેવી મજા નથી.
————-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here