કાળિયાર શિકાર કેસમાં સલમાનને પાંચ વર્ષની જેલઃ અન્ય કલાકારો નિર્દોષ

કાળિયાર કેસમાં ચુકાદો આવે તે અગાઉ જોધપુર કોેર્ટમાં હાજર થવા માટે અભિનેતા સલમાન ખાન ચોથી એપ્રિલે બુધવારે જ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. (ફોટોસૌજન્યઃ એએફપી)

જોધપુરઃ બહુચર્ચિત 20 વર્ષ જૂના કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટે પાંચમી એપ્રિલ, ગુરુવારે બોલીવુડના અભિનેતા સલમાન ખાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાનને રૂ. દસ હજારનો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જોધપુર સેન્ટ્રલ જેલ લઈ જવામાં આવ્યો હતો. કોર્ટે બાકીના અન્ય કલાકારો સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યાં છે. કોર્ટમાં હાજર થવા માટે દરેક કલાકારો બુધવારે જ જોધપુર પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર, 1998ની છે, જ્યારે આ બધા કલાકારો ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ માટે રાજસ્થાન ગયા હતા. ગયા અઠવાડિયે બુધવારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીની કોર્ટમાં અંતિમ સુનાવણી થઈ હતી. ત્યાર પછી ન્યાયાધીશે તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. જોધપુરની સ્થાનિક કોર્ટે પાંચમી એપ્રિલે આ ચુકાદો આપ્યો હતો.


સરકારી વકીલ ભવાની સિંહે કહ્યું હતું કે તે સમયે રાતે અન્ય કલાકારો પણ તેની સાથે જિપ્સી કારમાં હતા. કાળિયારના ટોળાને જોઈને સલમાને તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે કાળિયારનાં મોત થયાં હતાં.

સલમાન ખાને કોર્ટમાં પોતાના પર લાગેલા દરેક આરોપ નકાર્યા હતા. સલમાન ખાનના વકીલે કહ્યું હતું કે અમે આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારીશું. સલમાન ખાનના વકીલે ઓછામાં ઓછી સજા કરવાની માગણી કરી હતી, જ્યારે સરકારી વકીલે સલમાનને છ વર્ષની સજા કરવાની માગણી કરી હતી.

બિશ્નોઈ સભાએ કહ્યું છે કે તેઓ નિર્દોષ સાબિત થયેલા આરોપી સામે ફરી કેસ દાખલ કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જોધપુર કોર્ટમાં જ્યારે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો ત્યારે તેની બે બહેનો અર્પિતા અને અલવીરા રડી પડી હતી. નોંધનીય છે કે અલવીરા હંમેશાં કોર્ટની સુનાવણી વખતે સલમાન ખાનની સાથે જ હોય છે.
સલમાન ખાન અને તેમના સાથી મિત્રો પર બે ચિંકારા અને ત્રણ કાળિયારના શિકારનો આરોપ હતો. સલમાન ખાન પર આર્મ્સ એક્ટ અંતર્ગત પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે સલમાન પર ચાર કેસ છે. ત્રણ હરણનો શિકાર અને ચોથો આર્મ્સ એક્ટનો. તે સમયે સલમાનના રૂમમાંથી તેની ખાનગી પિસ્તોલ અને રાઇફલ પણ મળી આવી હતી, પરંતુ આ હથિયારોના લાઇસન્સની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી.
કાંકણી ગામમાં બે કાળિયારનો શિકાર કરવાનો આરોપ છે. દરેક કેસમાં સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે આરોપી છે. કાંકણી ગામ કેસમાં આ મામલે સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. કાંકણી ગામ શિકાર મામલે સાક્ષીઓએ કોર્ટેને જણાવ્યું કે, ગોળીનો અવાજ સાંભળીને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શિકાર સલમાને ખાને કર્યો હતો, પરંતુ જિપ્સી કારમાં તેની સાથે સૈફ અલી, નીલમ, સોનાલી અને તબ્બુ પણ હતા. તેમના પર સલમાનને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. ગામના લોકોને જોઈને સલમાન શિકાર કરેલા હરણને ત્યાં જ છોડીને જતો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here