પાબ્લો નેરુદા કહે છે, પલટાયા કરતો પ્રકાશ મધમાખીના ટોળા જેવો હોય છે

0
1081

પ્રિય પ્રાર્થના,
આજે પહેલા વરસાદનું મારું પ્રતિભાવન લખ્યું છે એ જ તને યથાતથ મોકલું છું….
લ્યો, આ પહેલો વરસાદ આવી ગયો. બે-ત્રણ વિષયો પર રિસર્ચ કરીને લખવા બેસવું જ હતું, કોમ્પ્યુટરના વાદળી આકાશના કાનમાં કહી પણ રાખેલું. પણ બપ્પોરે આવેલા વરસાદને જોઈને ગૃહિણી જેમ દોરી પર સૂકવેલાં કપડાં લઈ લે એમ અમે આ વિષયો અને એને લગતાં પુસ્તકોને બાજુએ મૂકી દીધાં. મનમાં ગુંજતા વિચારોને મ્યાનમાં મૂક્યા. અને આ પહેલો વરસાદ, એનું પહેલું બિંદુ ને એનું પહેલું આ પડવાનું હાથમાં, / કેમ મને લાગ્યા કરે આખા એકાંતમાં કે ઊભું છે કોક મારી સાથમાં… (મારા કાવ્યસંગ્રહ; પહાડ ઓગળતા રહ્યા). ગઈ કાલે જ આકાશ જોઈને વાદળને સંદેશ આપવો કે કેમ એની ચિંતા કરતા હતા. પત્નીને આષાઢસ્ય પ્રથમ દિવસે એમ ગાતાં ગાતાં આષાઢની પહેલી તિથિ શોધવાનું કહ્યું હતું, કારણ વિયોગ ન હોય છતાં કવિતા આનંદ આપી શકે એવી તાકાત મેઘદૂતમાં છે, એવું મારે કહેવું હતું. આજે વરસાદ આવ્યો. એનો સાદ એક નિનાદ જેવો મધુરો હતો અને છે. આજે વહેલી સવારે કોઈ અજાણ્યું પંખી જાણીતા ઝાડ પરથી ટહુકો વેરતું હતું. નગર તો હજી નિદ્રામાં હતું, એટલે ટહુકો સાવ અંગત લાગતો હતો. બ્રાહ્મમુહૂર્તના પ્રાણવાયુને ઝંકૃત કરી શકે તેવો ટહુકો મેં ઊલટાવી સૂલટાવી સાંભળ્યો. કેટલા બધા પ્રાચીન રેશમી રેસાઓથી ઘડાયો છે એનો પિણ્ડ! કર્ણવિવરમાં થોડો મમળાવી હાથમાં લીધો તો જાણે એક તાજું જન્મેલું સસલું…! આજના ટહુકાએ કુણ્ડળી ભાખી છે, બે દિવસથી આગાહીઓ થયા કરે છે એના પડઘા લઈને છાપાં આવે એ પહેલાં મારે ટહુકાને વાંચવો હતો.
બસ… પછી તો આકાશે તેવર બદલ્યા, સવારથી જ ગંભીર, પેલી તરફ ડહોળાયેલાં પાણી જેવો રંગ પહેરીને ઊભેલો મોં ધોયા વિનાનો એક ટુકડો, આ તરફ ઝૂકી ગયેલાં કાળાંભમ્મર વાદળ જાણે કોઈ મહારાજાની પ્રાચીન હવેલીનું ઝુમ્મર, ખૂણે વાંદરાના બચ્ચા જેવી ઊછળકૂદ કરતાં બે વાદળબચ્ચાં, અને મારા ઘરની બરાબર ઉપર પેલા ટહુકાનાં વારસદાર હોય તેવાં સાફા પહેરીને ઊભેલાં બે વાદળ…
ટપાલી આવી ગયો, કામવાળાઓ પરવારીને કશાક ગીત ગણગણતા સાઇકલ પર બેસીને જતા હતા તેને ડચકારો દેતાં હોય તેમ વાદળોની ગંભીર ગતિએ સૂરજને ગંભીર બનાવી દીધો હતો. કોઈ યોદ્ધાની ભૂમિકા બજાવી લોહીલુહાણ અભિનેતા થાકીને ગ્રીનરૂમ તરફ જતો હોય તેવા પગલે ઝાંખો થતો જતો જેઠ મહિનાનો અભિમાની સૂરજ. બધું થંભી ગયું, સીઝનની છેલ્લી કેરી ખાતી વખતે બસ.. હવે, વરસાદ આવશે એટલે કેરી બંધ એવા જાહેરનામાનાં નગારાં વાગી ચૂક્યાં હતાં. આવી અજંપાભરી ઠંડકમાં વામકુક્ષિ માટે તત્પર આંખો અચાનક જ વિહ્વળ હરણાની જેમ બહાર જવા આખી જાતને ધકેલે છે.
આનું નામ, ધમાકેદાર એન્ટ્રી.. જાણે છાપું વાંચીને પડતો હોય એવો વરસાદ. અનરાધાર, ધોધમાર. મુશળધાર. દિવસે અંધ બનીને ઊભા રહેતા સ્ટ્રીટલાઇટના થાંભલા પહેલી વાર સરકારી નથી લાગતા. જોકે વૃક્ષો ભલે સ્થિર ઊભાં હોય, પણ નહાવા પડેલાં છોકરાંઓની જેમ આખી સોસાયટીમાં ફરતાં હોય તેવાં લાગે છે. દરેક પાંદડું એક લીલીછમ જીભ બની ગયું છે, અને કોઈ મોટા વરુણયજ્ઞની ઋચાઓ ગાવા બેઠેલી સહસ્ર કુંવારિકાઓ ગાઈ ઊઠી હોય એવું લાગે છે. સફેદ રંગની ગાડીઓ જે થોડા સમય પહેલાં શાંત પડેલી કોઈ ચક્રવર્તી રાજાની કામદુધા ગાયો જેવી લાગતી હતી, અત્યારે સાવ જુદી લાગે છે. શતસહસ્ર ટીપાંઓનો તરખાટ પહેલી જ વાર કોક રાગમાં કશુંક ગાવા બેઠા હોય તેવું લાગે છે. ગાડીઓના ઓલવાઈ ગયેલા પડછાયાઓ ગૂગલમેપ ઓઢીને ઊંઘી ગયા છે. મારી લાઇબ્રેરીમાંથી ડોકિયું કાઢી બાણભટ્ટ મને એમની પંક્તિ સંભળાવે છે, વૃદ્ધાવસ્થાને કારણે પડી જવાના ભયથી વૃક્ષે ગગનસ્કંધનો જાણે ટેકો લીધો છે. ગાડી પર ટિપાતાં ટીંપાંઓ રસ્તા પર બિંદુ બની જાય છે. એક નાનકડું વર્તુળ દોરીને સમાઈ જાય છે પોતે માનેલા સિંધુમાં. રસ્તો તો ક્યારનોય દબાઈ ગયો છે, આ બિંદુઓની વાનરસેના એની સાવ કઠોર પાંસળીઓ પર જાણે કે માર્ચપાસ્ટ કરતી ચાલી રહી છે. એમાં કોક ગાડી આવે તો એના અહંના છાંટા ઊડે એ વધારાના. આ સમય છત્રી શોધવાનો નથી હોતો. અહીં તો ચાલી નીકળવાનું હોય છે, પોતાના સરનામા પર એક વરસાદી પોતું મારવા માટે. આમ તો ઇચ્છા થાય છે કે એક કાગળની હોડી બનાવી નીકળી પડીએ બાળપણના કોઈ ભગ્ન નગરમાં… પણ જાગી ગયેલું મન ના પાડે છે, કશી પણ સ્મૃતિ વગર કેવળ ભીંજાવવાનું નામ જ… અરે…! યાર! નામ વગરની, રંગ વગરની આ ગલી જ અદ્ભુત છે… કશા બળ વગર ખેંચાઈ શકો તેવી આ તિથિ વગરની, સૂર્ય અને ચંદ્ર વગરની, તડકા અને છાંયા વિનાની એક નિર્ભેળ ક્ષણ છે, ભળી જાઓ, ઓગળી જાઓ.
પાબ્લો નેરુદા યાદ આવે; એણે કહેલું; આ પલટાયા કરતો પ્રકાશ મધમાખીના ટોળા જેવો છે./ આ દિવસ જોડે મને એકલો પડ્યો રહેવા દો. / હું ફરી જન્મવાની અનુમતિ માગું છું…
આ ભીની થયેલી સાંજે ભાગ્યેશના શુભાશિષ…

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here