નવા સંસદ ભવનનો શિલાન્યાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ભારતનાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વડા પ્રધાને ૧.૨૦ વાગ્યાની આસપાસ નવા સંસદ ભવનની આધારશિલા રાખી છે. આ સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી જેમાં હિન્દુ, સિખ, ઇસાઈ, મુસ્લિમ, બોદ્ધ, જૈન તથા અન્ય ધર્મોનાં ધર્મ ગુરુઓ પણ સામેલ હતા જેમણે નવા સંસદ ભવનના શિલાન્યાસ અને આધારશિલા દરમિયાન પ્રાર્થના કરી, જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે સાથે જ આ નવા સંસદ ભવનમાં ભારતીય સંસ્કૃતિ અને શિલ્પકારોની કલાકૃતિઓની પણ ઝલક જોવા મળશે. આ દેખાવ સાથે મજબૂતાઈમાં પણ એવી હશે કે તે ભૂકંપનાં આંચકાઓ પણ તેને હલાવી નહીં શકે. સંસદ ભવનનાં ડિઝાઈનને એચસીપી ડિઝાઈન અને પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ તૈયાર કરી છે. આ સંસદ ભવન ભારત સ્વતંત્ર થયાનાં ૭૫માં વર્ષગાંઠ સુધી એટલે કે ઓક્ટોબર ૨૦૨૨ સુધી તૈયાર થશે. નવા સંસદ ભવનનું નિર્માણ શાસ્ત્રી ભવન પાસે ખાલી પડેલી જમીન પર તૈયાર કરવામાં આવશે.

 નવું સંસદ ભવન હાલનાં સંસદ ભવન કરતા ૧૭ હજાર વર્ગમીટર મોટું હશે અને અંદાજિત ૯૭૧ કરોડનાં ખર્ચે નિર્મિત થશે. આ સંસદ ભવનને ભવિષ્યની જરૂરિયાતો અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં લોકસભાનાં સભ્યો માટે ૮૮૮ સીટ અને રાજ્યસભાનાં સભ્યો માટે ૩૨૬થી વધુ સીટો હશે. વધુમાં આમાં ૧૨૨૪ સભ્યોને એક સાથે બેસવાની વ્યવસ્થા પણ કરાશે. પ્રત્યેક સભ્ય માટે ૪૦૦ વર્ગફૂટનું એક કાર્યાલય પણ આ ભવનમાં હશે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે નવી સંસદ ભવનની ડિઝાઇન મેસર્સ એચસીપી ડિઝાઇન એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ કરશે.

૬૫ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા આ સંસદ ભવનમાં ૧૨૦ ઓફિસ હશે. નવું સંસદ ભવન તમામ આધુનિક ઓડિઓ-વિઝ્યુઅલ કમ્યુનિકેશન સુવિધાઓ અને ડેટા નેટવર્ક સિસ્ટમ્સથી સજ્જ હશે. નિર્માણ કાર્ય દરમિયાન સંસદ સત્રો યોજવામાં નજીવા વિક્ષેપ થાય છે અને તમામ પર્યાવરણીય સલામતીઓનું પાલન થાય છે તેની ખાતરી કરવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલના સંસદ ભવન નિર્માણની વાત કરીએ તો તે પ્રખ્યાત આર્કિટેક્ટ્સ સર એડવિન લ્યુટિયન્સ અને સર હર્બર્ટ બેકરની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. તેનો શિલાન્યાસ ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૧ના રોજ ડ્યુક ઓફ કનોટ દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા ૧૮ જાન્યુઆરી, ૧૯૨૭ના રોજ આ ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here