દ્વારકામાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

દ્વારિકાઃ ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દ્વારકા હેલીપેડ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ યોજાયો હતો. આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઇસ્ટોનીયા, મલેશિયા, નેધરલેન્ડ, નેપાળ સહિત ૧૪ દેશના અને ૨ રાજ્યના પતંગબાજોની આકાશમાં ઊડતી અવનવી અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, આનંદ અને ઉત્સાહનું આ પર્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત, રણ ઉત્સવ, પતંગ મહોત્સવ જેવા મહોત્સવને આગળ લઈ જવાનું કાર્ય વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કરી રહી છે. મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સુંદર આયોજન દ્વારકાના આંગણે થયું છે.
આ પ્રસંગે અગ્રણી પી. એસ. જાડેજાએ જણાવ્યું હતું કે, ઉતરાયણ પર્વ નિમિતે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમને ઉમંગથી ઉજવીએ અને પતંગબાજોની વિવિધ પ્રકારની પતંગો નિહાળી પતંગ ચગાવવાની કરતબો નિહાળીએ.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો, દ્વારકાવાસીઓ, મહેમાનો તથા અધિકારીઓ, કર્મચારીઓ અને વિધાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ પણ પતંગબાજો સાથે પતંગ ચગાવીને ઉત્સવની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ઝાંઝરી ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. ધાનાણી, પ્રાંત અધિકારી ભગોરા, ઓખા નગરપાલીકા પ્રમુખ ઉષાબહેન ગોહેલ, જિલ્લા પંચાયતના જીતેન્દ્રભાઈ કણઝારીયા, સંજયભાઈ નકુમ, લુણાભા સુમાણીયા, અગ્રણીશ્રી ભરતભાઈ ચાવડા, વિજયભાઈ બુજડ, વરજાંગભા માણેક સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here