જેમાં લોકો ભેગા મળીને એકસાથે, એક ગતિએ, એકસમાન ચાલે તે સમાજ

સમાજ શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. જે અને સ્વરૂપે વપરાય છે ઃ જેમ કે ઃ સમૂહ, સભા, સમિતિ, દળ, વૃંદ, સંસ્થા, એ સ્થાનનાં નિવાસી તેમ જ સમાન વિચાર-સરણીવાળાં લોકોનો સમૂહ, કોઈ વિશેષ હેતુથી કે કાર્ય માટે અને વ્યક્તિઓ દ્વારા બનાવવામાં કે સ્થાપવામાં આવેલી સભા વગેરે. પરંતુ સમાજશાસ્ત્રીઓમાં સમાજની વ્યાખ્યાઓમાં તફાવત જોવા મળે છે. સમાજશાસ્ત્રીય દષ્ટિએ વ્યક્તિઓના સંકલન કે એકઠા હોવાને સમાજ શબ્દથી ઓળખાવાય નહિ. સમાજ માટે એવી વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો સામાજિક સંબંધ હોવો જોઈએ. મતલબ કે સમાજ સામાજિક સંબંધોની એ એવી વ્યવસ્થા માનવામાં આવે છે, જેમાં અને જેના દ્વારા આપણે રહીએ છીએ.

સહજીવન, સલામતી, સહકાર, પરસ્પરનાં સુખ-દુઃખો વહેંચવાની ભાવનાએ સામાજિક તફાવતના પાયા નાખ્યા હશે.
પહેલાંના માનવીઓનું જીવન સરળ અને સાદું હતું. ઓછા ખર્ચમાં માણસ જીવી શકતો હતો. લોભ-લાલચ અને વૈભવી જીવનની તૃષા આજની જેમ બળવત્તર નહોતી બની. સંયમ, નીતિ, સહયોગ, માનવતા, ત્યાગ, સમર્પણ જેવાં ઉદાહરણીય જીવનમૂલ્યોને માણસ જીવના જોખમે પણ ખંડિત થવા દેતો નહોતો. સંબંધની આન અને શાનમાં માણસની શ્રદ્ધા હતી એટલે સહન કરીને પણ જતું કરવા એ તૈયાર રહેતો. ક્ષમાભાવના માણસના જીવનમાં એક યા બીજી રીતે આદર્શ ગણાતી. તહેવારો, ઉત્સવો, રીતિ-રિવાજો, લગ્નોત્સવો વગેરેમાં સમાજના લોકો ઊંચ-નીચના ભેદ વગર સહભાગી બનતા. પોતાના ગામમાં આવેલી જાનને પણ વિદાય આપ્યા બાદ આદરપૂર્વક પાછી લઈ ઉમળકાભેર પરોણાગત કરવામાં આવતી. હૃદયની ઉદારતા અને ઉમળકો ઠેર-ઠેર જોવા મળતાં. પરોપકાર, સદાચાર, સદ્વ્યવહાર, સહિષ્ણુતા, સહાનુભૂતિ વગેરે સામાજિક જીવનનાં આભૂષણો ગણાતાં. સ્વામી સંપૂર્ણાનંદજીએ સમાજની વ્યાખ્યા આપતાં સાચું જ કહ્યું છે કે સમાજ એટલે સમમ્ અજન્તિ જનાઃ અસ્મિન ઇતિ – મતલબ કે જેમાં લોકો ભેગા મળીને એકસાથે, એક ગતિએ, એકસમાન ચાલે તે સમાજ. સંઘર્ષ અને વિખવાદને મહત્ત્વ ન આપીને માણસના ઉદાત્ત ગુણોને જાગ્રત કરવા એને સમાજકલ્યાણ કહી શકાય. સામાજિક જીવનમાં જેટલા અંશે અધિકારપ્રિયતા ઓછી અને કર્તવ્યની ભાવના વધુ તેટલા અંશે સમાજહિત વધુ સધાવાની શક્યતા, કારણ કે મનુષ્ય સ્વભાવથી જ સાથ-સહકાર ઝંખતું સામાજિક પ્રાણી છે. એકલતા એને માટે અસહ્ય બની જાય છે.
આવી ઉદાત્ત ભાવનાને કારણે નોખા રહેવામાં નહિ, પણ સૌની સાથે રહેવાની વાતને પહેલાંના જમાનામાં મહત્ત્વ અપાતું. જેમ લોટમાં પાણી ભળે તો કણક બંધાય અને લોટમાંથી રોટલો કે રોટલી બની માણસની ઉદરતૃપ્તિનું નિમિત્ત બને તેમાં પહેલાંના જમાનામાં એકતા અને સહયોગને સામાજિક જીવનમાં અગ્રિમ સ્થાન અપાતું. ક્યારે પોતાને થોડો અન્યાય થતો હોય તો પણ પંચ તે પરમેશ્વર માની માણસ સામાજિક એકતાનું ખંડન ન થાય તેને ઝાઝેરું મહત્ત્વ આપતો. ‘ગૃહદાહ’માં શરદબાબુએ એ સરસ વાત કરી કેઃ જે છેે તેનો હું અસ્વીકાર કરતો નથી. સમાજ પર મને શ્રદ્ધા છે. મનુષ્યની હું પૂજા કરું છું. મને લાગે છે કે માણસની પૂજા કરવી એ જ મનુષ્યજન્મની સાર્થકતા છે. જ્યારે હું હિન્દુ પરિવારમાં જન્મ્યો છું, ત્યારે હિન્દુ સમાજની રક્ષા કરવી એ પણ મારું કર્તવ્ય છે.
સામાજિક જીવનમાં જ્યારે જડતા, એકલપેટાપણું, સ્વાર્થવૃત્તિ, સંકીર્ણતા, લોભ, અહંકાર, અસહિષ્ણુતા, વેરવૃત્તિ વગેરે હીન બાબતોને પ્રાધાન્ય મળે છેે ત્યારે સામાજિક જીવન ભ્રષ્ટ થવા માંડે છે. સામાજિક જીવનમાં કેવળ વૃદ્ધિને નહિ, શુદ્ધિને સૌથી વધુ મહત્ત્વ મળવું જોઈએ. અશુદ્ધિ સામાજિક જીવન માટે બદી પેદા કરે છે. એટલે સમાજે જે નકામું છે, તેનો ત્યાગ કરી ઉન્નતિકાર નૂતન વસ્તુઓ સમજણ અને પરીક્ષણ દ્વારા અપનાવવી જોઈએ. સમાજ જો વ્યર્થ વિતંડાવાદ, તકો, પક્ષાપક્ષી, કટુતા અને સંકીર્ણતામાં અટવાઈ જાય તો સામાજિકતાની ખુશબો નષ્ટ થઈ જાય છે. પં. હજારીપ્રસાદ દ્વિવેદીએ ઉચિત જ કહ્યું છે કે આપણી સામે સમાજનું આજે જે રૂપ છે, તે ન જાણે કેટલા ગ્રહણ (સ્વીકાર) અને ત્યાગનું રૂપ છે.

આજના સામાજિક જીવનનો કબજો જ્ઞાતિવાદ લઈ રહ્યો છે. જ્ઞાતિઓ પોતાના સમાજના ઉત્કર્ષ, સામાજિક સુધારા કે સમાજકલ્યાણની વિચારસરણી માટે એ બને એ આવશ્યક છે, પણ એમાં કેવળ મારી જ્ઞાતિ કે મારો સમાજની ભાવના માણસમાં સંકીર્ણતા પેદા કરી બૃહદ સમાજની અવગણના કરવા દે તો તે સામાજિક જીવન માટે હાનિકારક છે. દરેક જ્ઞાતિ સમાજદેવતાની માળાનો એક મણકો છે અને સઘળા મણકા અલગ હોવા છતાં એકતાની દોરીમાં પરોવાય છે ત્યારે તે જપ, નામસ્મરણ કે ઉપાસનાનું હાથવગું સાધન બની જાય છે. તેમ જ્ઞાતિબંધુઓ એક બની પોતાની જ્ઞાતિનું, જ્ઞાતિજનોની કલ્યાણારી યોજનાઓ હાથ ધરે તે રૂડું જ, પણ એમાંથી ન્યાય, નીતિ અને સર્વજનહિતાય કે રાષ્ટ્રકલ્યાણની ભાવના વીસરાય કે કોરાણે મુકાય તો સરવાળે સામાજિક જીવન અને દેશને નુકસાન થાય એ વાત સમજીને જ સામાજિક હિતચિંતક મનીષીઓએ માનવજાતિ સમક્ષ એ આદર્શ મૂક્યો છે. આ મારું અને આ પારકું એવી ગણતરી માનસિક લઘુતા સૂચવે છે. ઉદાહરણ ચારિત્ર્યશીલ લોકો માટે તો સમગ્ર પૃથ્વી કુટુંબ સમાન છે.

સમાજજીવન બંધિયાર બને તો નિષ્પ્રાણ બની જાય. સામાજિક જીવનનો પ્રવાહ શુદ્ધ રહે તે માટે વાસીપણું ત્યજી નવીનતા અને તાજાપણું અપનાવે એ આવકાર્ય છે. આજનો સમાજ રેતી જેવો વિખૂટો પડી ગયેલો છે, એમ તો ન કહી શકાય, પણ સામાજિક જીવનમાં અનેક કારણોસર સંકીર્ણતા, સ્વાર્થવૃત્તિ, અહંકાર વગેરેએ અવશ્ય પોતાનો વિઘાતક અડ્ડો જમાવી દીધો છે. અસહ્ય મોંઘવારી, આર્થિક લાચારી, ગરીબી, અસહિષ્ણુતા વગેરેને કારણે સામાજિક જીવનમાં અનેક વૃતિઓ જોવા મળે છે. આજના સામાજિક જીવનમાં ભૌતિક સુખો પાછળ દોડ અને તેને તૃપ્ત કરવા ધનલાલસા વધી રહી છે, સેવા ગૌણ અને સત્તા તથા સત્તાદત્ત મેવાની ભૂખ વધી છે. ધર્મના નામે ધતિંગો વધ્યાં છે. ધર્મ માનવતાના પ્રચાર-પ્રસારમાં નોંધપાત્ર ભૂમિકા ભજવવામાં ઊણો ઊતર્યો છે, સાચા સમાજસેવકો શોધ્યા જડતા નથી, શિક્ષણ વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં બિનઅસરકારક બની ગયું છે. નેતૃત્વ આત્મકેન્દ્રી છે, માણસ પોતાના જીવનમાં બુદ્ધિને સર્વાધિક અને હૃદયની ભીનાશને તદ્દન ગૌણ સ્થાન આપી રહ્યો હોય ત્યારે પરોપકાર, બંધુત્વ, ત્યાગ, સહયોગ, નિઃસ્વાર્થીપણું, સમાજકલ્યાણની ભાવના વગેરેને વિપરીત અસર પહોંચે તે સ્વાભાવિક છે. એકલો પૈસો જ નહિ, હૃદયની સંકીર્ણતા પણ સમાજના વિખૂટાપણા માટે જવાબદાર છે. સામાજિક સ્વાસ્થ્ય માટે માત્ર સુધારા-ઘેલછા અનિવાર્ય નથી, પ્રાચીન પરંપરાઓમાંથી જે કાંઈ સમયોચિત અને શ્રેષ્ઠ જણાતું હોય તેને પણ હેમખેમ રાખવું જોઈએ.

લેખક સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here