ચરોતરનાં લોકગીતો

લોકસાહિત્ય પોતાના પાલવમાં પોતીકો ઇતિહાસ, પોતીકું સૌંદર્ય, પોતીકો પ્રદેશ પરિચય લઈને આવે છે. એ જ છે એની ભૂમિકા. માનવસમાજ, એનો વિશ્વાસ, એનો રિવાજ, પારસ્પરિક સંબંધ, એની માનમર્યાદાઓ, એનાં રહસ્યો, એની ગૂંચો અને એના ઉકેલો આમ સમગ્ર માનવજીવન એમાં ગુંજી ઊઠે છે, આમ એ સમગ્ર સંસ્કૃતિનું પહેરેદાર છે અને માનવજીવન છે એની થાપણ એ તો છે એક શાશ્વત વરદાન.
ચરોતરનાં લોકગીતો શીર્ષકમાં પૂર્વપદ ચરોતર’પ્રદેશ સૂચવે છે મહાકાંઠાથી વાત્રક કાંઠા વચ્ચેનો પ્રદેશ ચરોતર કહેવાય છે. એ પ્રદેશ ફળદ્રુપ અને રળિયામણો હોવાથી એને ચારુતર કહ્યો છે. પેટલાદ પ્રભૃતિ ચતુરુતરં શતમ્ નામના સંસ્કૃત શબ્દપ્રયોગમાં પેટલાદની આસપાસનાં ૧૦૪ ગામનો પ્રદેશ ચરોતર કહેવામાં આવે છે. કવિ ન્હાનાલાલે ગુજરાતનો પંજાબ કહ્યો છે. મહી, શેઢી, લૂણી, વાત્રક, મેશ્વો એમ મુખ્ય પાંચ નદીઓનો પ્રદેશ. નાના ચરુ જેટલા પાણીથી જ જમીન તર થઇ જય એવી જમીનવાળો પ્રદેશ ચૈડવ (ચરુથી) તર. શીર્ષકનું ઉત્તરપદ લોકગીતો છે. કંઠપરંપરાથી ગવાતું સાહિત્ય લોકગીત રાજાથી રંક સુધીનું, બાળકથી વૃદ્ધ સુધીનું, ખાસ વર્ગનું નહિ, આમ જનતાનું એ લોકસાહિત્ય.
લોકગીતો એ લોકવિદ્યાનો એક પ્રકાર છે. એ માનવજીવનની ઉત્પત્તિથી અંતકાળની વિધિ સુધીનાં છે. એમાં જન્મથી માંડી લગ્ન અને મૃત્યુ સુધીના સમયનું ગાન છે. હાલરડાં, મુંડનક્રિયા, વ્રતો, નવરાત્રિ, લગ્નોત્સવ, શ્રીમંત, કુટુંબજીવન, મરશિયા, રાજિયા, પ્રત્યેક ગીતમાં વિવિધ રસ હોય છે. શૃંગાર, વીર, કરુણ, વત્સલ, સમર્પણ, મિલન જેવા અનેક ભાવો હોય છે. (૧) ભાવોની વિવિધતા (૨) સાર્થકતા અને સાર્વજનિકતા (૩) સાદી, સરળ અને તળપદી ભાષા (૪) નિખાલસતા (૫) વાસ્તવિકતા અને સ્વાભાવિક સચ્ચાઈ (૬) નિરાડંબરતા (૭) ભાષાની પરિવર્તનશીલતા (૮) પ્રવાહિતા (૯) કંઠસ્થ. આવી નવ જેટલી વિશેષતાઓ લોકગીત ધરાવે છે.
છેલ્લા સૈકામાં ગામડાં અને રહેણીકરણીમાં અનેક જાતનું પરિવર્તન આવી ગયું છે. ગામડાનું સ્વાવલંબીપણું તૂટવા માંડ્યું. શહેરનો રંગ લાગ્યો. નોકરી-ધંધા શહેરમાં મળવા માંડ્યાં, જૂનાં ગીતો વપરાશને અભાવે ભુલાઈ ગયાં છે, તેમ છતાં જે તે પ્રદેશમાં પોતાની ઓળખ ધરાવતાં લોકગીતો જળવાઈ રહ્યાં છે. આજે આપણે ચરોતર પંથકનાં લોકગીતો વિશે વાત કરીશું. પ્રદેશગત લોકગીત એટલે જાતિ, જ્ઞાતિ, બોલી, માન્યતા, રીતરિવાજ તથા મનોવલણો જેવાં સામાજિક અનુબંધોથી સંયોજાયેલું ગીત.

પીઠી પાવલાની પાશેર લાકડીને અડધી ચઢે,
અડધી ડાકોરમાં સસ્તી વેચાય લાકડી ને અડધી ચઢે ડાકોર.
મારો માંડવો મોગરે છાયો ને નેતરે ઓછાડીઓ રે,
મારે માંડવો કેળાનાં થંભ આ શો રૂડો માંડવો રે.
અહીં માંડવાની વાત કરતી વખતે કેળાના સ્તંભ બતાવ્યા છે. એટલે આ પ્રદેશમાં કેળાંની ખેતી વધારે થાય છે. એમ

કંકુ છાંટી કંકોતરી મોકલો,
મોકલો મોકલો દ્વારિકા રૂડા ધામ,
દ્વારિકાધીશને નોતરું.

ઘરમાં નથી ઘંટી દળવા નથી બંટી,
ઘરમાં નથી સૂપડું રહેવા નથી ઝૂંપડું.

તેમ છતાં પુરુષ બીજી પત્ની રાખે,
શોક્ય લાવે છે. એ શોક્યને કેવી રીતે રાખવી?
ડંકો વાગ્યો ને લશ્કર ઊપડ્યું ઝરમરિયા ઝાલા,
ઊપડી સામરખાની ફોજ રે ઝરમરિયા ઝાલા,
રસિયા! કાળી તે બકરી
તે વેરણ શોક્ય ને રે લોલ
રસિયા! કચરાનું બેડું
તે વેરણ શોક્યને રે લોલ.

નણંદને બોલાવી જુઆરાં વહેંચણી થાય છે ત્યારે વહુ પોતે સારો છોકરો, ભૂરી ભેંસ, તાંબાના બેડાં રાખે છે ને કૂબડો છોકરો, બકરી, કચરો પેલી શોક્યને વહેચેં છે. બે શોક્યની વાતો એટલે છૂટા ઢેખલાં રૂપકો.
મા દીકરીની વાચો સાકરિયા મેવા
નણંદ ભોજાઈની વાતો વીંછિયાના ચટકા
સાસુવહુની વાતો ધખધખતો લાવા
દેરાણી જેઠાણીની વાતો
પિતરાઈનાં મહેણાં.

બીજી બાજુ બીજવરને પરણનારી મહાસુખ પામશે, એવા ગીતો પણ ગવાતાં હતાં. પરપુરુષની પ્રીતને ‘વાંદરા’ સાથે સરખાવી છે અને એમાં ફસાનાર સ્ત્રીને ગધેડી કહી છે, આ બે પ્રાણીઓ ચરોતરમાં મશ્કરી કરવા માટે વ્યવહારમાં પણ વપરાય છે.
‘બે ગોરીના નાવલિયાનું ધૂળને ધાણી થાય તાણંતાની થાય.’ માતા અને સાસુ વિશેનો ખ્યાલ વહુને મુખે આ પ્રમાણે સાંભળવા મળે.
મારાં માડીએ માથાં ગૂંથિયાં
માંહે કેવડા મેલ્યા ચાર રે
રે માતા કેમ વીસરે રે?
મારી સાસુએ તે માથાં ગૂંથિયાં
માંહે વીંછુડા મેલ્યા ચાર રે
એ સાસુ કેમ સાંભરે?
નણંદ લેરિયું લેવા માટે રિસાય છે પછી એને લેરિયું અપાવાય છે ત્યારે નણંદની જીદ પ્રગટ થઈ છેઃ
‘લીલીપીળી ચણાની દાળ તળાવમાં રમતીતી મારે કોઇ આણે આવ્યું?’
તારો સસરો આણે આવ્યા, એ તો શું જોડીને લાવ્યા?
એ તો વેલને જોડીને આવ્યા,
હું તો વેલીમાં બેસીને નહિ જાઉં
મારો પરણ્યો આણે આવ્યો, એ તો શું શું જોડી લાવ્યો
એ તો પગે ચાલી આવ્યો, હું તો ઝાંખરાં વચ્ચે ચાલી

અહીં પિયર ગયેલી વહુને તેડવા માટે વારાફરતી વેલ જોડી જોડી સસરાજી, ગાડું જોડી જેઠ, બગી જોડી દિયર આવે છે, પણ વહુ જવાની ના પાડે છે, પતિ સાથે પગે ચાલીને જવાનું પસંદ કરે છે. એમાં નિર્મળ દામ્પત્ય ભાવ છેઃ
કાનમની નાર કપાસ વીણવા જાય, સોજિત્રાની નાર છાણાં વીણવા જાય
નાપાની નાર ખભે વાંસની ટોપલીના જાણ,
રામોલની નાર ખોળે ચોખા લઈને દેરાં પૂજવા જાય.
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, ઝીણા ઝરમર વરસે મેહ
બેની નહિ રે જવા દઉં સાસરે રે લોલ, તમને વ્હાલા તમારા સસરા રે લોલ
બાપુને વ્હાલા તમારા જીવ રે…
આ ગીત સૌરાષ્ટ્રના નહિ રે જાવા દઉં ચાકરી સાથે… મળતું આવે છે, અહીં રજપૂતમાં કન્યાને સાસરે વિદાય કરતી વખતે આ પ્રકારનાં ગીતો ગવાય છેઃ
લાડકડી ચડો રે કમાડ, બાળાવરને નીરખવા રે
દાદા મારાએ વર જોયા, જેણે મારા દલ વસ્યા રે
આ ગીત કુંવરી ચડી રે કમાડસૌરાષ્ટ્રના ગીતને મળતું આવે છે. અહીં બાળાવરની વાત છે. ચરોતરમાં દિલમાં વસેલા વરની વાત છે. સૌરાષ્ટ્રમાં વેવારિયાવરની વાત છે. સુરત ઊગ્યો કેવડિયાની પડખે, એવી પંક્તિ ચરોતરના ગીતમાં છે. સૌરાષ્ટ્રમાં ફણશે. સૌરાષ્ટ્રના ગીતમાં કૃષ્ણ, સુભદ્રાના વીર, રામતુલસી આવે છે, જ્યારે અહીંઃ
સૂરજ ઊગ્યો કેવડિયાની પડખે રે વાણેલા ભલે વાયા રે,
સૂતા જાગો લાડકડાના કાકા, ડુંગર કોરીને ભમરો ઘર ચણે રે
ડુંગરના કોરીના ભમરા ઘરના ચણીશ રે,
તારે તે જવું ભમરા કંઈ બહેન નોંતરે રે.
ગામ ના જાણું ને નામ ન જાણું રે, તે ઘેર જવું ભમરા નોંતરે રે
આવશે ગોરી બહેન ને બેસશે માંડવા માંય રે, માંડવીના પલંગ સંભાળશે રે,
આવશે કાળા કિયાલાલ બે બેસશે માંડવા બહાર,
જાનૈયાનાં ખાસડાં સંભાળશે રે.
જનોઈપ્રસંગે બ્રહ્મચાર કાને કડી હાથે વીંટી હીરે જડી આવું જ ગીત ઉત્તર ગુજરાતમાં છે, જ્યાં બ્રહ્મચારને બદલે બડવા છે.
મરશિયા મારા કિયા ભાઈને આંગણ ખીલી લીમડી
મારા કિયા ભાઈને વળતી આવે છાંય?
વીજમલવાળી જવું, વડોદરાનો હાથી ઝૂલે બાગમાં.
સૌરાષ્ટ્રમાં આંબાની વાત આવે છે. ચરોતરમાં લીમડી, કૂવો, વાડી, વાછડી, વેલ, ઢેલ વગેરેનું આલેખન કરવામાં આવ્યું છે. સાસરે જતી કુંવરીને ગોરી વળાવવા જાય છે. નાણાંવટી રે સાજન બેઠું માંડવે ગીત કાઠિયાવાડ જેવું છે. વરપક્ષની પ્રશંસા અને કન્યાપક્ષની નિંદા કરતાં લોકગીત આ પ્રમાણે ગવાતાંઃ
જેવા વીટીંમાંના હીરા એવા પારુલબેનના વીરા,
જેવા છાણામાંના કીડા એવા પ્રવીણભાઈના વીરા.
સૌરાષ્ટ્રમાં સુખના વારા વહી ગયા દુઃખનાં ઝીણાં ઝાડ ઊગ્યાનું કહેવાયું છે, ચરોતરમાં કપરા સાસરિયામાં સુખના દહાડા વહી ગયા દુઃખનાં ચંદન ઝાડ ઊગ્યાં, બારી બેઠેલી નણંદ સાંભળે, ઘોડે બેસી વર, અમદાવાદ, ભરૂચ, સૂરત, વડોદરા જાય છે. સોમલખાર મળતો નથી. મુંબઈ જાય છે. વાટી ઘુંટી વાટકા ભરે છે વહુ પી જાય છે- સસરો દાક્તર બોલાવે છે, વહુ બચતી નથી, સોરઠીમાં વિસ્તાર છે. ઘરસંસાર અને પરિવારના કેન્દ્રમાં સ્ત્રી છે – તેનું નિરૂપણ લોકગીતોમાં વિવિધ રીતે થયું છે. ગૃહજીવનના વિવિધ ભાવો ઝઘડો, રિસામણાં, મનામણાં, સંઘર્ષો.
એક નીચો તે વર ના શોધશો,
દાદાજી નીચો તે નિત્ય ઠેબે આવશે.
દાદાજી મોરા હૈયે ના ધરશો, તડકાના તેજે રાયવર શામળા.
કન્યાને સાસરે જવું હોય,
મા-બાપ મોકલતાં ન હોય ત્યારે કન્યાના મનની અવસ્થા.
મારા પરણ્યાને તેડાવો રે કાંટો ઝેરી છે,
મારો પરણ્યો વૈદ તેડાવો કાંટો ઝેરી છે,
વડોદરાના વૈદને તેડાવો, મને કરે કાંટો વાગ્યો,
ઝટ તેલ નાખ્યા મી તો સર માથાં ગૂંથ્યાં
મેં તો પટ બચકાં બાંધ્યાં મારી ખૂટી ઉંમરમાં
ચોણિયા વના ગા દોવા બેઠી સાડી ભીંજાણી નવ જાણી
વાછરડું વાળતાં વહુ એ બાળક બાંધ્યા તાણી જબરી સ્ત્રી
પીટ્યો કૂદે ને કોળિયા ભરે મથુરા મોરલી વાંટા છે
મેં તો વાંકી વળીને પાણો લીધો,
મે તો તાકીને ટાલકીમાં દીધું.
સાસુ વહુ
સાસુએ લીધું સાંબેલું, મેં તો લીધી રૂડી રાશ,
મહિયરનું બાજરિયું.
સાસુનું સાંબેલું ભાંગી ગયું, ભલી રમે મારી રાશ,
મહિયરનું બાજરિયું.
બાઈએ લીધું સાંબેલું રે સીંગલાલા,
મેં લીધી મોટી ઈસ રે સીંગલાલા
મારા ભાંગ્યાં ટાંટિયા રે સીંગલાલા,
બાઈજીની ફૂટી આંખ રે સીંગલાલા
હો રાજ રે નાની નણંદલડી બહુ બોલે,
મને ગણથી તણખલા તોલે.
એના બચકલા, બંધાવો એને સાસરિયે વળાંવો
મારે કરમે કજોડું લાલ કમ કરીએ,
મારે સૈયરોમાં મહેણું લાલ કેમ કરીએ
કાચલીમાં કંકોડી ને વાડકીમાં પાણી,
ન્હાનો વર ન્હવરાવતાં સમડી ગૈ તાણી
લીલી લેંબોળીને તીખાં છે પાન, લીલી લીંબોળી.
મારી સાસુએ એમ કહ્યું ઊનું પાણી મેલજે
મારા મનમાં એ જાણ્યું ઉનમણો ફોડી નાખજે
મારી સાસુએ એમ કહ્યું ડોસાને નવડાવજે
મારા મનમાં એમ જાણ્યું ધોકે ધોકે મારજે
ચાડે દીવો મેલજે, છાશ રોટલો ખાજે
અહીં પાણી ભરવાને બદલે બેડું ફોડવાની વાત નથી. રોટલો ઘડવાને બદલે તાવડી ફોડવાની વાત નથી.
હરિ સમણામાં મેં તો પારસ પીપળો દીઠો જો
આજ કે મેં તો સપનામાં ડોલતો ડુંગર દીઠો જો
ચરોતરમાં સપનામાં વીરા, પડોશણ, શોક્ય, ભાભીના ઉલ્લેખ છે, જે સોરઠીમાં નથી. લોકગીતોમાં પ્રદેશ-પ્રદેશે ભિન્નતા જણાઈ આવે છે. લોકગીતો માનવની જેમ એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરે, તેથી આપણે ચરોતરમાં લોકગીતોમાં અન્ય પ્રદેશનાં લોકગીતોનું પગેરું જોવા મળે છે.
કણજરો કાકો પૈણવ ચાણ્યો ટીમકો ઢોલ વગાડે લાલ કણજરો
વાલોળ વઉં તો વેલ્યમાં બેઠાં હળદર હડિયું કાઢે
રીંગણું તો કંઈ લટપટ કરે તે મરચું મૂછો મરડે
જીરી તો જગલે વ્હાલું ડુંગરી ડોળા કાઢે લાલ કણજરો.
આમ, ચરોતરી લોકગીત ચરોતરી શબ્દ પ્રયોગવાળું કંઠોપકંઠ, પેઢી દરપેઢીથી ઊતરતું આવતું પ્રસંગાનંસારમાં નિયત ઢાળ વહેતું, લય ગૂંથણીવાળું સમાજ સંવેદનાને મુખ્યત્વે પ્રગટ કરે છે. એમાં સ્ત્રી ઝાઝી, પુરુષો ઓછા છે. બાળકો વિશે લોકગીતો પણ ઓછાં છે. (સૌજન્યઃ ભગીરથ બ્રહ્મભટ્ટ)
લેખક સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here