ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ મુકામે હેમરાજ શાહ પ્રેરિત રાજેન્દ્ર શુકલા અને ચંદ્રકાંત શેઠનું સન્માન

‘હેમરાજ શાહ: અખંડ આનંદ’ પુરસ્કાર 2023 સ્વીકારી રહેલા ડૉ. ચંદ્રકાન્ત શેઠ. (ડાબેથી) પી. કે. લહેરી, હર્ષદભાઈ શાહ, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, ચંદ્રકાંત શેઠ અને હેમરાજ શાહ.

શ્રી ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ સંચાલિત ‘અખંડ આનંદ’ માસિકમાં સાતત્યપૂર્ણ અને નોંધપાત્ર પ્રદાન કરનાર સાહિત્યકારનું સન્માન કરવા માટે ‘કચ્છશક્તિ’ના પ્રમુખ અને વિશ્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ ઉપપ્રમુખ હેમરાજભાઈ શાહે જાહેર કરેલ ઈનામ આ વર્ષે જાણીતા કવિ, સાહિત્યકાર અને વર્ષો સુધી ‘ધરતીના ધરૂ, આકાશના ચરુ’ કૉલમ દ્વારા અનેક વાચકોને અભિભૂત કરનાર ડૉ. ચંદ્રકાંત શેઠને ‘શ્રી હેમરાજ શાહ : અખંડ આનંદ પુરસ્કાર 2023’ એનાયત કરવામાં આવ્યો.ગુજરાતના જાણીતા કવિ, વિવેચક નિબંધકાર, સાહિત્યકાર ડૉ. ચંદ્રકાંત શેઠને આજે ગુજરાત વિશ્વકોશ ખાતે પ્રસિદ્ધ સાહિત્યકાર, વિશ્વકોષના વડા અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. કુમારપાળ દેસાઈના હસ્તે આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
ભિક્ષુ અખંડાનંદજીએ 1947માં શરૂ કરેલ પ્રતિષ્ઠિત માસિકપત્રમાં લાંબા સમય સુધી સાતત્યપૂર્ણ રીતે પોતાની ચિંતનાત્મક કટાર દ્વારા વાચકોને સંસ્કારવાંચન પીરસનાર સર્જકને સન્માનવા માટે હેમરાજભાઈ શાહે ‘અખંડ આનંદ’ને આપેલ રકમમાંથી વર્ષ 2023 માટે ડૉ. ચંદ્રકાંત શેઠને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સાથે સન્માનપત્ર આપીને તથા સાલ ઓઢાડીને ડો. ચંદ્રકાંત શેઠનું બહુમાન કરાયું હતું.આ પ્રસંગે ‘અખંડ આનંદ’ના મેનેજિંગ તંત્રી હર્ષદભાઈ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઈ લહેરીએ એવોર્ડની ભૂમિકા આપી હતી તથા ‘અખંડ આનંદ’ની સાહિત્ય-યાત્રાની વાત કરી હતી.

અધ્યક્ષીય પ્રવચનમાં ડૉ. કુમારપાળ દેસાઈએ ડૉ. ચંદ્રકાંત શેઠને આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તેમણે કરેલા સફળ ખેડાણને અને સાહિત્ય સર્જનયાત્રાને બિરદાવી હતી. ડો. ચંદ્રકાંત શેઠને આ પુરસ્કાર આપવા બદલ સમગ્ર ટ્રસ્ટીગણની સરાહના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here