ગુજરાતના ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં ૧૮ મે સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત

 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંગળવારે સાંજે મળેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કરફ્યૂ ૧૮ મે સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં રાત્રિ કર્ફ્યૂનો સમય જે રાત્રિના ૮થી સવારના ૬ સુધીનો છે, એને ૧૮ મે સુધી લંબાવવામાં આવ્યું છે. ગુજરાતના આઠ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં આ નિર્ણય લાગુ રહેશે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે. ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા છે. તા. ૧૨ મે-ર૦ર૧થી તા. ૧૮ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, ર૭ એપ્રિલે રાજ્યમાં ૧૪,પ૦૦ જેટલા કોરોનાના કેસ હતા તે હવે ઘટીને મંગળવારે ૧૧,૦૦૦ જેટલા થઇ ગયા છે.

કોર કમિટિની આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી. મુખ્યમંત્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતાને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here