ખેડા એ.પી.એમ.સીની સરાહનીય કામગીરી

 

ખેડાઃ વિશ્વભરમાં કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક સંક્રમણ વધતું રોકવા બાબતે ભારત સરકાર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોવિડ-૧૯ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે ખેડા જિલ્લાના તમામ તાલુકા મથક તથા તમામ નગરપાલિકા વિસ્તારમા કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. આ સૂચનાઓના અનુસંધાને નડિયાદ સંતરામ રોડ ઉપર આવેલ નાની તથા મોટી શાક માર્કેટ બંધ કરવામાં આવી હતી. શહેરની ગૃહિણીઓને શાકભાજીની તકલીફ ના પડે અને સરળતાથી તેમજ વ્યાજબી ભાવે શાક મળી રહે તે માટે જિલ્લા કલેકટર આઇ.કે. પટેલે નડિયાદ પીપલગ ગામ પાસે આવેલ એ.પી.એમ.સીના હોદેદારો વિપુલભાઇ પટેલ તથા અરવિંદભાઇ પરમારની સાથે બેઠક યોજી શહેરમાં વોર્ડ વાઇસ શાક મળતું રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના અને માર્ગદર્શન આપેલ હતું. એ.પી.એમ.સીના હોદેદારો દ્વારા નડિયાદ શહેરમાં શાકભાજી મળી રહે તે માટે વોર્ડ મુજબ બે-ત્રણ ટેમ્પો રીક્ષામાં શાકભાજીની બેગ તૈયાર કરી આપવાની વ્યવસ્થા અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવ્યું. એ.પી.એમ.સીના સેક્રેટરી અરવિંદભાઇએ જણાવ્યું કે, જિલ્લા કલેકટરની સૂચનાના અનુસંધાને અમોએ એ.પી.એમ.સીમાં શાકભાજી વેચવા આવતા શાકભાજી પકવતા ખેડૂત મિત્રો તેઓનું ઉત્પાદન વેચવા આવે ત્યારે તે ખેડૂત મિત્રો પાસેથી સીધે સીધુ શાક વ્યાજબી ભાવે ખરીદીને ખેડૂતમિત્રને તેના પૈસા ચૂકવી દઇએ છીએ. આમ, શહેરમાં શરૂઆતમાં ૬૦ ટેમ્પો રીક્ષાઓમાં પાંચ કિલો શાકભાજીની બેગ્સ તૈયાર કરી રૂ.૫૦/-માં એક બેગ આપતા હતા. આ બેગમાં ૧.૫ કિલો બટાટા, ૧ કિલો ડુંગળી, મરચા, લીંબુ, કોથમરી તથા સીઝન અને ગૃહિણીઓની માંગણી મુજબનું શાક પણ જો વ્યવસ્થા થાય તો આપતા હતા. અમારી આ યોજનાનો વ્યાપક પ્રમાણમાં પ્રતિસાદ સાંપડયો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here