ખાલિસ્તાન સમર્થકોની હત્યાના કાવતરાંના આક્ષેપ પર બોલ્યા વિદેશ પ્રધાન એસ જયશંકર

નવી દિલ્હી: સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની હત્યાના કાવતરાંના આક્ષેપ અંગે વાત કરતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે આ બંને મુદ્દા એક જેવા નથી. અમેરિકા અને કેનેડાની વાત અલગ અલગ છે. તેમણે કહ્યું કે અમેરિકનોએ અમને કેટલીક વાતો કહી છે. તમામ આક્ષેપો વચ્ચેનો ફરક બતાવતા તેમણે આ મુદ્દે કહ્યું હતું કે ભારત અન્ય દેશો દ્વારા ઊઠાવવામાં આવેલ સ્પેસિફિક મુદ્દાઓ પર ધ્યાન આપવા હંમેશાં તૈયાર હોય છે. તેમણે કહ્યું હતું કે માત્ર કેનેડા જ નહીં પણ કોઇ પણ દેશને કોઇ પણ ચિંતા છે તો એ દેશ અમને એ બાબતે કોઇ ઇનપુટ આપે તો અમે એના પર વિચાર કરવા માટે કાયમ તૈયાર છીએ. બધા દેશો આવું જ કરે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ વિદેશ પ્રધાને કહ્યું હતું કે અમેરિકાએ કેટલાંક મુદ્દા ઊઠાવ્યા છે. પણ જરુરી નથી કે બંન્ને મુદ્દા એક સમાન જ હોય. જ્યારે અમેરિકાએ મુદ્દો ઊઠાવ્યો ત્યારે તેમણે અમને એક ખાસ વાત કહી. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમયે-સમયે આવા પડકારો આવી શકે છે, તેથી જ અમે કેનેડાને કહ્યું કે હવે એ તમારા પર આધાર રાખે છે કે તમે શું ઇચ્છો છો, અમે આ મુદ્દો આગળ લઇ જઇએ કે નહીં, આના પર વિચાર કરીએ કે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરુઆતમાં જ ભારતે કહ્યું હતું કે તે અમેરિકાએ જાહેર કરેલ પ્રશ્નોની તપાસ કરશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે ઘણી વાર ચર્ચા થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે આ મામલે સમિતીની રચના કરી છે. ખાસ વાત તો એ છે કે હાલમાં જ કેનેડાએ ભારતીય એજન્ટ પર ખાલિસ્તાની આંતકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવાનો આક્ષેપ કર્યો હતો. જેને કારણે બંને દેશોના રાજકીય સંબંધો પર કડવાશ પેદા થઇ છે. જોકે ભારતે આવા તમામ આરોપોને રદિયો આપતાં કહ્યું કે કેનેડાએ આ તમામ આક્ષેપો અંગે કોઇ સાબિતી આપી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here