લોકજીવનનું રંગોત્સવ પર્વઃ હોળી-ધુળેટી

આદિકાળથી આજસુધી ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં લોકપર્વોનું ખૂબ જ મહત્ત્વ તેમ જ અનેરું, અનોખું મૂલ્ય રહ્યું છે. જે સમયમાં આનંદ-પ્રમોદ યા મનોરંજનની ખાસ કોઈ સામગ્રી કે સુવિધા નહોતી એવા કાળે પ્રકૃતિ તથા કૃષિજીવન-સમાજજીવન સાથે સંકળાયેલાં આપણાં લોકપર્વો ‘ઘડી જીવનમાં ઘડી એક સુખની’ સાથે જીવનઅમૃત સંજીવની અર્પનારાં, સૂકા વેરાનમાં મીઠી વીરડીસમાં બની રહ્યાં. રોજિંદા કામોની ઘટમાળમાંથી થાક ઉતારનારા જીવનને આનંદ-ઉલ્લાસ તથા શ્રદ્ધા-ભક્તિથી ભરી દેનારા, જીવનને વૈવિધ્યસભર બનાવનારાં આ લોકપર્વો-તહેવારો-મેળાઓ મળ્યાં ન હોત તો માનવજીવન કેવું કૃત્રિમ-નીરસ-એકવિધ બની જાત! એટલે તો માનવજીવનને નૈસર્ગિક આનંદ-ઉલ્લાસ-તાજગીથી ‘રિચાર્જ’ (નવપલ્લવિત) કરનારાં આ લોકપર્વો માનવજીવન માટે અતિ આવશ્યક તેમ ઉપકારક બની રહે છે.

આપણી સમાજવ્યવસ્થામાં રહેણીકરણી, રીતરિવાજો, કૃષિ, ધર્મ, પ્રકૃતિ વગેરેથી સંકળાયેલા લોકજીવનનાં પ્રત્યેક પર્વો પાછળ કોઈક ને કોઈક ઇતિહાસ, દંતકથા, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક દષ્ટિકોણ છુપાયેલા છે, જેમાંથી કોઈક જીવનસંદેશ સાંપડે છે. વર્ષ દરમિયાન આવતાં ત્રણ પર્વો (હોળી-ધુળેટી, નવરાત્રિ અને દિવાળી) આપણા લોકજીવનમાં વિવિધ રીતે-રૂપે વિશેષ મહત્ત્વનાં ધ્યાનપાત્ર બની રહે છે. નવરાત્રિ શક્તિ-ભક્તિની આરાધનાનું, તો દિવાળી સુખ-શાંતિ-સમૃદ્ધિથી જીવનને અજવાળનારું પ્રકાશનું પર્વ છે, જ્યારે દુર્વિકારો-દુરાચારોનું દહન કરી, જીવનને ઉલ્લાસથી સભર બનાવનારું સાતિ્ત્વક આચાર-વિચાર-વ્યવહારથી સંપન્ન કરનારું પાવન પર્વ હોળી-ધુળેટી છે. આ પર્વો માનવજીવનમાં અનેક રીતે પ્રેરક-પૂરક-પોષક બની રહે છે.

હોળી-ધુળેટીનું દ્વિદિવસીય પર્વ સમગ્ર દેશમાં પરંપરાગત રીતે તથા વિવિધ રૂપે આનંદ-ઉલ્લાસપૂર્વક ઊજવાય છે. અલબત્ત, ભારતનાં વિવિધ રાજ્યોમાં ભાગોમાં આ પર્વ વિવિધ નામે-રીતે-રૂપે ઊજવાતું હોવાથી તેમાં પ્રાદેશિક વૈવિધ્ય વરતાય છે. ગુજરાત, રાજસ્થાનમાં હોળી-ધુળેટી, મહારાષ્ટ્રમાં રંગપંચમી, પંજાબમાં હોળીમહોલ્લાં, હરિયાણામાં દુલંદી, બિહારમાં ફગુઆ, તામિલનાડુમાં કાળમંદીગાઈ, ગોકુલ-મથુરામાં લઠામારહોલી, કોંકણમાં શિમગો, દક્ષિણ ભારતમાં કામદહન, ગોવામાં શિળગોણ વગેરે નામે-રૂપે આ પર્વ ઊજવાય છે. આ પર્વ ફાગણ માસમાં આવતું હોવાથી તેને ‘ફાલ્ગુનિક’ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સંસ્કૃતમાં શેકેલા અનાજને ‘હોળક’ તરીકે ઓળખવામાં આવે છે. એ સંદર્ભે ફાગણ માસમાં ખેડૂતના ઘરે આવતા અનાજને ખુશી વ્યક્ત કરવા એ ધાન્ય (ચણા-જુવાર)ને હોળક રૂપે શેકીને અગ્નિમાં આહુતિ રૂપે અર્પવામાં આવે છે, જે પછીથી હોળીના અગ્નિમાં આહુતિ આપી, હોળીના ઉત્સવરૂપે આનંદ વ્યક્ત કરવાની પરંપરા શરૂ થવા પામી. અનેક નામ રૂપે ઓળખાતું આ પર્વ દિલ્હી-ઉત્તર પ્રદેશમાં રંગભરી પિચકારીઓથી અને અબીલ-ગુલાલના રંગો વડે હોળી ખેલાય છે, રમાય છે, મોટા ઢોલના તાલે નાચતાં-કૂદતાં-ગાતાં લોકસમૂહ વચ્ચે આનંદઘેલા બની મસ્તીથી હોળી ખેલે છે. ઓડિશા-મેઘાલયમાં જનસમૂહ મોટું સરઘસ કાઢી, વિવિધ વાદ્યોના સૂરે-તાલે નાચી-કૂદી આ પર્વને ઉલ્લાસપૂર્વક મનાવે છે. ગુજરાતમાં હોળી-ધુળેટીનું પર્વ આબાલવૃદ્ધ સૌ કોઈ, રંગ-પાણી-મેંશ-કાદવના માધ્યમ થકી અનુકૂળતા પ્રમાણે અને અવસ્થા પ્રમાણે ઉમંગ-ઉલ્લાસપૂર્વક સમૂહગત કરી ઊજવે છે. એ રીતે ગુજરાતી પ્રજા આ પર્વની ઉજવણી કરી ગુજરાતની સંસ્કૃતિ, અસ્મિતા પરંપરાને આગવી ઓળખરૂપે ઉજાગર કરે છે.
પરંપરાગત રીતે ઊજવાતા હોળીના પર્વ પડછે પૌરાણિક દંતકથા જાણીતી છે. લોકખ્યાત કથા મુજબ ક્રૂર-ઘાતકી-નાસ્તિક

દાનવરાજ હિરણ્યકશ્યપ સાતિ્ત્વક વૃત્તિ-પ્રવૃત્તિ ધરાવતા ધર્મનિષ્ઠ આસ્તિક બાળપુત્ર પ્રહ્લાદને મારી નાખવાના અનેક પ્રયત્નોમાં નિષ્ફળ જતાં છેવટે ઉપાય તરીકે બહેન હોળિકાની મદદ લે છે. લાકડાંની ચિતા ખડકી તેના પર હોળિકાના ખોળામાં પ્રહ્લાદને સુવાડી, ચિતા જલાવીને મારી નાખવાનું દુષ્કૃત્ય કરે છે, પરંતુ અગ્નિજ્વાળામાં હોળિકા ભસ્મ થાય છે, જ્યારે પ્રહ્લાદને અગ્નિ સ્પર્શી ન શકતા તેનો ચમત્કારિક બચાવ થાય છે. આમ, દાનવરાજની આસુરી પ્રવૃત્તિનો પરાજય અને ધર્મપરાયણ પ્રહ્લાદની સાતિ્ત્વક વૃત્તિનો વિજય થતાં લોકસમૂહ પરંપરાગત રીતે હોળીના આ પર્વ દ્વારા વિજયનો આનંદ-ઉલ્લાસ મનાવે છે.

હોળીના બીજા દિવસે હોળીના આનંદની પ્રતિક્રિયા રૂપે ધુળેટીનો રંગોત્સવ મનાવવામાં આવે છે. ધરતી અને કૃષિ સાથે સંકળાયેલો લોકસમૂહ પ્રાચીનકાળમાં ધૂળ-પાણી-મેશ-કાદવ વડે આ દિવસે પરસ્પરને રંગી ધરતીપ્રેમ પ્રગટ કરતો હશે તેવી કદાચ આ પર્વ ‘ધુળેટી’ (ધૂળ સાથે જોડાયેલી કાયા)ના નામે ઓળખાયું હશે. મહાભારતકાળથી પ્રચલિત આ ઉત્સવ દેશકાળ અનુસાર ફેરફાર પામીને ઊજવાતો રહ્યો છે. પુરાણકાળમાં શ્રીકૃષ્ણે વૃંદાવનમાં પલાશનાં ફૂલોના રંગથી હોળી-ધુળેટી રમવાની શરૂઆત કરી હતી એવા ઉલ્લેખો મળે છે. સમય જતાં એમાં વિવિધ સામગ્રી ઉમેરાતી ગઈ. કેસૂડાનાં સૂકાં ફૂલોમાંથી તૈયાર કરેલા કેસરિયા કુદરતી રંગથી પરસ્પરને રંગી લોકસમૂહ ઉલ્લાસ વ્યક્ત કરવા લાગ્યો. એ પછી અબીલ-ગુલાલ રંગો છાંટી અને હવે તો રાસાયણિક કૃત્રિમ પ્રવાહી રંગો પિચકારીમાં ભરી તેના વડે પરસ્પરને આવકારવા, ઋતુનો આનંદ વ્યક્ત કરવા પણ રંગો છાંટવાની ક્રિયા થવા લાગી, આમ બાળકો, યુવાનો, વિવિધ જ્ઞાતિ જાતિ-ધર્મનો લોકસમૂહ રંગોત્સવ દ્વારા નિર્દોષ આનંદ, પ્રેમભાવ, શ્રદ્ધાભક્તિભાવ પ્રગટ કરે છે.

કૌટુંબિક સામાજિક રીતે જોઈએ તો, ઘરમાં નવી આવેલી વહુ અને દિયરો વચ્ચે આ પર્વરંગોત્સવ ખેલાય, મજાકમસ્તી અને નિર્દોષ આનંદ પણ થાય. દિયરોને ભાભી તરફથી દાયા (બક્ષિસ) રૂપે ખજૂર-ધાણીની રોકડ રકમ અપાય, સાસુની અપેક્ષા મુજબ પરણેતર વહુના પિયર તરફથી હોળી માટલી આવે, જેમાં રિવાજ મુજબ ખજૂર, હોળીહારડાં, સોનાનો દાગીનો, રોકડ રકમ મૂકવામાં આવે. માટલીમાં સાસરિયાની અપેક્ષા મુજબ વસ્તુ મુકાય તો પિયરિયાંનાં વખાણ થાય, પણ સાસરિયાંની અપેક્ષા પ્રમાણે ન હોય તો પરણેતર વહુને મહેણાંનો માર સહન કરવો પડે! આ રીતે સામાજિક રીતરિવાજ સાથે સંકળાયેલું આ પર્વ કૌટુંબિક સંબંધો-રિવાજો-લોકમાનસનું પણ દર્શન કરાવે છે.

હોળી-ધુળેટીના આ પર્વની અસલ ભાવના અને એનો અસલ આનંદ આજે વીસરાતા જાય છે. ભૌતિક અને ધમાલિયા જીવનમાં આ પર્વ આજે કેવળ યાંત્રિક રીતે ઊજવાય છે. આમ છતાં આજના સમય સંદર્ભે નવી પેઢીમાં આ પર્વ ઊજવાય છે, એ આશ્વાસક ઘટના છે, કારણ કે આ પર્વ આપણી સાંસ્કૃતિક-સામાજિક પરંપરાનું પાવન પર્વ છે. રંગોથી સભર વસંતઋતુનું સંદેશવાહક છે. સર્વદેશીય-બિનસાંપ્રદાયિક સમરસતાનું પર્વ છે, એટલે કોઈ પણ દેશ-કાળમાં ભારતીય પ્રજા એની પોતપોતાની રીતે ઉજવણી કરી, વીસરાતી જતી આ વિરાસતને ટકાવી, સાચવી રહી છે.
અંતમાં, હોળી-ધુળેટીનો ઉત્સવ કેવળ હોળીદહનની કે રંગ છાંટવાની સ્થૂળ-બાહ્ય પરંપરિત પ્રક્રિયાનો, બાહ્ય આનંદ માટેનો ઉત્સવ ન બની રહેતાં, દુર્વિકારો-દુરાચારોનું દહન કરી, માનવપ્રેમ અને માનવમૂલ્યોના રંગે રંગાઈ જવાનું જીવનઉત્કર્ષ પર્વ પણ બની રહે એવી અપેક્ષાસહ આજના આ પ્રેરક-પાવન પર્વે, હાર્દિક શુભેચ્છાઓ પરસ્પરને પાઠવીએ.

લેખક કેળવણીકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here