કોરોના સામે લડવા ટ્રમ્પે બે લાખ કરોડ ડોલરનું પેકેજ જાહેર કર્યું

 

વોશિંગ્ટનઃ સરકારે કોરોના સામે લડવા માટે બે લાખ કરોડ ડોલરનું પેકેજ જાહેર કર્યું છે.  આ રાહત પેકેજના ટ્રમ્પના નિર્ણયને સેનેટનું પણ સમર્થન મળ્યું છે. અમેરિકન સેનેટના બહુમતી નેતા મિટ્ચ મેકોનેલે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે વ્હાઈટ હાઉસ અને સેનેટ વચ્ચે સહમતી થઈ હતી એ પ્રમાણે અમેરિકન સરકારે બે લાખ કરોડ ડોલરનું રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે. આ પેકેજમાં વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરવામાં આવી છે.

દરમિયાન બીજી બાજુ અમેરિકામાં ન્યુ યોર્કની સ્થિતિ ગંભીર થઈ રહી હોવાની ચેતવણી ત્યાં કામ કરતી કોરોના ટાસ્ક ફોર્સની ટીમે આપી હતી. અમેરિકામાં ન્યુ યોર્ક કોરોના ફેલાવાનું કેન્દ્ર બન્યું છે. અહીં કુલ ૨૫ હજારથી વધારે કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક ૨૧૦ થયો છે. પરંતુ અહીં કામ કરતી ટાસ્ક ફોર્સનું કહેવું છે કે જલદી કડક પગલાં લેવામાં નહી આવે તો સ્થિતિ વધારે ગંભીર થઈ શકે એમ છે. દરેક યુવાનને ૧૨૦૦ ડોલર અપાશે. બાળક દીઠ સરકાર તેમના પેરેન્ટ્સના અકાઉન્ટમાં ૫૦૦ ડોલર જમા કરશે. હેલ્થ કેર માટે ૧૩૦ અબજ ડોલરની ફાળવણી થઈ છે. ઉદ્યોગ એકમોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પણ ખાસ જોગવાઈ થઈ છે. એ પ્રમાણે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ટ્રમ્પે ૩૬૭ અબજ ડોલરની ફાળવણી કરી છે.

મોટા ઉદ્યોગો આ કટોકટીમાંથી બહાર આવીને ફરીથી ઉદ્યોગ એકમો ધમધમતા કરી શકે તે માટે તેમને પણ લોન અપાશે. અમેરિકાના ઈતિહાસનું આ સૌથી મોટું રાહત પેકેજ છે. વ્હાઈટ હાઉસમાંથી થયેલી જાહેરાત પ્રમાણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ રાહત પેકેજનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને સેનેટમાં રિપબ્લિક અને ડેમોક્રેટિક સાંસદોનો ટેકો મળી ગયો હતો. સત્તાવાર પ્રક્રિયા થયા પછી અમેરિકાના પ્રમુખની સહી થશે અને તે પછી લાભાર્થીઓને લાભ મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન સેનેટમાં આ બિલ ઝડપથી પસાર થાય એ જરૂરી હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here