ટાઇમ્સ સ્કવેરમાં સાઇકલરિક્ષા ‘ચલાવતો’ અભિનેતા સલમાન ખાન

0
994


ગયા જુલાઈ માસમાં સલમાન ખાન આઇફા ન્યુ યોર્કમાં દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ન્યુ જર્સીમાં મેટલાઇફ સ્ટેડિયમમાં શો અગાઉ ચાહકો ટાઇમ્સ સ્ક્વેરમાં મેરિયોટ માર્કવિસમાં તેની એક ઝલક નિહાળવા માટે કલાકો સુધી રાહ જોતા હતા. ત્યાર પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તાજેતરમાં કાળિયાર હરણના શિકાર બદલ સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા થઈ અને તેનો છુટકારો પણ થયો.
ટાઇમ્સ સ્ક્વેરમાં તમે વેક્સ અવતારમાં સલમાન ખાનને સાઇકલરિક્ષા હંકારતા નિહાળી શકો છો. ન્યુ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેરમાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં સલમાન ખાન સહિત વિવિધ કલાકારોની મીણની પ્રતિમા મૂકવામાં આવી છે. દસમી એપ્રિલ, મંગળવારે વેક્સ મ્યુઝિયમ દ્વારા ‘સેલેબ્રેટિંગ ઓલ થિંગ્સ બોલીવુડ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના સૌથી આઇકનિક કલાકારોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. 31મી મે સુધી બોલીવુડના કલાકારોને પ્રદર્શિત કરાશે.
આ લોન્ચિંગ પ્રસંગે ત્રણ સ્થાનિક કલાકારો દ્વારા ડાન્સ પરફોર્મન્સ યોજાયું હતું. ગ્રાઉન્ડ ફલોર પર ડીજે દ્વારા બોલીવુડનાં લોકપ્રિય ગીતોનું રિમિકસ રજૂ કરાયું હતું. પ્રવક્તાએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે સ્પેશિયલ ભાંગડા બીટ ડીજે જાહેર જનતા માટે રજૂ કરવામાં આવ્યું છે જે દર્શકોનું મનોરંજન કરશે.


ટાઇમ્સ સ્ક્વેરની આસપાસ વિખ્યાત સ્થળોએ બિગ બસોની છત પર સ્પેશિયલ પોપ-અપ બોલીવુડ ડાન્સ પરફોર્મન્સ ખરાબ હવામાનના કારણે દસમી એપ્રિલે પાછું ખેંચવામાં આવ્યું હતું.
મ્યુુઝિયમમાં પ્રવેશતાં અંદરની બાજુ સલમાન ખાનનું મીણનું પૂતળું સાઇકલરિક્ષા ચલાવતું નજરે પડે છે. તેમની બાજુમાં અમિતાભ બચ્ચન અને કરીના કપૂરની મીણની પ્રતિમા છે. આ પ્રસંગે હેના કોર્નર પણ ખુલ્લો મુકાયું હતું.
વેક્સ સ્કલ્પચર્સના અન્ય કલાકારોમાં શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય, હૃતિક રોશન, કેટરીના કૈફ અને માધુરી દીક્ષિતનો સમાવેશ થાય છે.

મેડમ તુસાદ ન્યુ યોર્ક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આ પ્રકારનાં સાત વેક્સ મ્યુઝિયમોમાંનું એક વેક્સ મ્યુઝિયમ છે. અન્ય છ મ્યુઝિયમો હોલીવુડ, લાસ વેગાસ, નેશવિલે, ઓરલાન્ડો, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસીમાં આવેલાં છે.
સાઇકલરિક્ષા ચલાવતા સલમાન ખાનની વેક્સની પ્રતિમા મેડમ તુસાદના નવી દિલ્હીના મ્યુઝિયમમાં પણ મૂકવામાં આવી છે, જે ડિસેમ્બરમાં શરૂ થયું હતું. સ્કલ્પચરનું બેકગ્રાઉન્ડ ચાંદની ચોક રાખવામાં આવ્યું હતું.
મેડમ તુસાદના ન્યુ યોર્ક મ્યુઝિયમમાં નવું સેક્શન ‘ઘોસ્ટબસ્ટર્સ’ છે, જે 2016ની ફિલ્મથી પ્રેરિત છે.
આ સિવાય મ્યુઝિયમમાં ચાર્લી ચેપ્લિન અને મેરલીન મનરોની વેક્સની પ્રતિમા છે, જેની સાથે પોઝ લેવામાં દર્શકો લાઇન લગાડે છે. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)

લેખક સુજીત રાજન પરીખ વર્લ્ડવાઇડ મીડીયાના એકઝીકયુટીવ એડીટર છે.