અબુધાબીમાં આઈઆઈટી-દિલ્હીનું કેમ્પસ ખોલવામાં આવશે

અબુધાબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દિવસના યુએઈના પ્રવાસ દરમિયાન ભારત અને યુએઈ આંતરરાષ્ટ્રીય વેપારમાં નાણાંકીય વ્યવહારોની સિસ્ટમને સરળ બનાવવા તેમના સ્થાનિક ચલણમાં વેપાર શરૂ કરવા તથા તેમની ઝડપી પેમેન્ટ સિસ્ટમને તેની સાથે સાંકળવા સંમત થયા છે. આ સાથે અખાતના દેશમાં આઈઆઈટી-દિલ્હીનું કેમ્પસ ખોલવા પણ સંમતિ સધાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમિરાતના એક દિવસના પ્રવાસે અબુધાબી પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ સમયે દુનિયાની સૌથી ઊંચી ઈમારતોમાં સામેલ બુર્જ ખલિફા પર તિરંગાના રંગની લાઈટ અને વડાપ્રધાન મોદીની તસવીર દર્શાવાઈ હતી. અહીં તેમણે યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે વ્યાપક ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને દેશો સ્થાનિક ચલણમાં વેપાર સમજૂતીઓ શરૂ કરવા સંમત થયા હતા.
યુએઈના પ્રમુખ સાથે ચર્ચા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગયા વર્ષે વ્યાપક આર્થિક બાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી ભારત-યુએઈ વેપારમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. પહેલી વખત અમે વેપારમાં ૮૫ અબજ યુએસ ડોલરનું લક્ષ્ય હાંસલ કર્યું છે. હવે આ વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં જી-૨૦ની બેઠક પહેલાં બંને દેશોનો વેપાર ૧૦૦ અબજ યુએસ ડોલર સુધી પહોંચવાનો લક્ષ્યાંક પણ હાંસલ કરી લેવામાં આવે તેવી શક્યતા છે.
વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન ભારતીય રિઝર્વ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ યુએઈ વચ્ચે બે કરાર થયા હતા. જેમાં દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય વેપાર માટે સ્થાનિક ચલણનો ઉપયોગ અને તેની પેમેન્ટ તથા મેસેજિંગ સિસ્ટમને પરસ્પર જોડવામાં સહયોગનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ ભારત અને યુએઈ વચ્ચે સ્થાનિક ચલણોમાં લેવડ-દેવડ માટે સ્થાનિક ચલણ સેટલમેન્ટ સિસ્ટમ બનાવવાના આશયથી ફ્રેમવર્ક બનાવાશે, જેથી દ્વિપક્ષીય લેવડ-દેવડમાં ભારતીય રૂપિયા અને યુએઈના દિરહામને પ્રોત્સાહન આપી શકાય.
આ સાથે પેમેન્ટ અને મેસેજિંગ સિસ્ટમ માટે પણ કરાર કરાયો છે. બંને કેન્દ્રીય બેન્ક તેમની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ ભારતની યુપીઆઈ અને યુએઈની આઈપીપીને જોડવામાં સંમત થયા છે. આ સાથે જ રૂપે સ્વિચ અને યુએઈસ્વિચને પણ જોડવામાં આવશે. નાણાંકીય ક્ષેત્રે આ બે કરાર ઉપરાંત અબુ ધાબીમાં આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ સ્થાપવા માટે પણ કરાર કરવામાં આવ્યો છે.
ભારતના શિક્ષણ મંત્રાલય અને અબુધાબીના શિક્ષણ તથા માહિતી વિભાગે અખાત દેશમાં આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ સ્થાપવા માટે સમજૂતી કરાર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here