અનિલભાઈ પટેલે ગણપત યુનિવર્સિટી સ્થાપી સમાજે ભણવા માટે કરેલી મદદનું ઋણ અદા કર્યું

0
1216

ગણપત યુનિવર્સિટીના સર્જક અને શિલ્પી, ગુજરાત રાજ્યના પૂર્વ ઉદ્યોગમંત્રી, પાટીદાર સમાજના સર્વસ્વીકૃત દષ્ટિવંત આગેવાન અને એક ઉમદા વ્યક્તિ… અનિલ પટેલની વિદાય એટલે એકસાથે કેટલા બધાની વિદાય…
અનિલભાઈ પટેલ (74 વર્ષે)નું તાજેતરમાં નિધન થયું. તેઓ ઘણા સમયથી પ્રોસ્ટેટના કેન્સરથી પીડાતા હતા. હજી હમણાં તો તેમના સાથી ગણપતભાઈ પટેલ અમેરિકા ગયા હતા. અનિલભાઈની તબિયત કથળી એટલે તરત પાછા ભારત આવ્યા. મિત્રની વિદાય વખતે તેઓ અહીં તેમની સાથે જ હતા.
અનિલભાઈની વિદાય સાથે બે ઉત્તમ અને નિકટના મિત્રોની જોડી તૂટી. અનિલભાઈ અને ગણપતભાઈ… આ બે મિત્રોએ મળીને ગુજરાતને ગણપત યુનિવર્સિટીના રૂપમાં એક વિશ્વ દરજ્જાની યુનિવર્સિટીની ભેટ ધરી.
ગણપતભાઈ સ્થિતપ્રજ્ઞ પુરુષ છે, આમ છતાં તેમના માટે પણ મિત્રની વિદાય વસમી જ હશે.

અનિલભાઈનો જન્મ આઠમી માર્ચ, 1944ના રોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે. પિતા ત્રિભુવનદાસ ખેડૂત હતા. આપનારા અને લોકો માટે જીવનારા જણ હતા. વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં તેમણે પોતાની દસ વીઘાં જમીન અર્પણ કરી દીધેલી. તેઓ સામાજિક દૂષણો, ખાસ કરીને ઢોરચોરી સામે લડેલા. નીડર અને નિર્ભીક. કોઈની ધમકીથી ગાંજે નહિ. તેમણે પશુચોરો સામે મોટી સફળ લડત ચલાવેલી. એને કારણે જ તેમની હત્યા થઈ હતી. એ વખતે ત્રિભુવનદાસની ઉંમર માત્ર 38 વર્ષની હતી. આજે પણ લોકો તેમને શહીદ તરીકે વંદે છે. તેમનાં ધર્મપત્ની શાંતાબહેન (અનિલભાઈનાં માતા)એ પેટે પાટા બાંધીને પોતાનાં પાંચેય સંતાનોને ભણાવ્યાં હતાં. એ વખતે સમાજ પણ તેમની સાથે જોડાયો હતો. અનિલભાઈ અને તેમના ભાઈઓના અભ્યાસ માટે સમાજે જે આર્થિક મદદ કરી હતી તેનો પાકો હિસાબ રખાયો હતો. એક ડાયરીમાં એક-એક રૂપિયાની નોંધ રખાઈ હતી. અનિલભાઈ તથા ભાઈઓ બે પાંદડે થયા ત્યારે પાઈએ પાઈ ચૂકવવામાં આવી હતી.
અનિલભાઈએ તો સમાજે પોતાને ભણવા માટે જે મદદ કરી હતી તેનું ઋણ ગણપત યુનિવર્સિટી સ્થાપીને અદા કર્યું હતું.

અનિલભાઈનું પ્રાથમિક શિક્ષણ વતન લણવાની પ્રાથમિક શાળામાં થયું. એ પછી છગનબાપાએ સ્થાપેલા કડીના સર્વવિદ્યાલયમાં તેમણે માધ્યમિક શિક્ષણ મેળવ્યું. વલ્લભ વિદ્યાનગરસ્થિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી તેઓ બીએ મિકેનિકલ એન્જિનિયર થયા હતા. એ જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં ભણતા હશે ત્યારે તેમને કલ્પના પણ નહિ હોય કે એક દિવસ તેઓ ભાઈકાકાની જેમ એક યુનિવર્સિટીના વિશ્વકર્મા એટલે કે શિલ્પી બનવાના છે. એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે તેઓ અમેરિકા ગયા. સરસ ભણ્યા. અમેરિકામાં સ્થાયી થવાની તમામ તકો હોવા છતાં એ પ્રલોભન ટાળીને તેઓ ભારત પરત આવ્યા. વતનના વિકાસ માટે જ કશુંક કરવું એ લાગણી તેમનામાં હતી. તેમણે મહેસાણામાં એક ઉદ્યોગસાહસિક તરીકે પ્રારંભ કર્યો. 1969માં અમેરિકાએ એપોલો સેટેલાઇટ છોડેલો તેના પરથી તેમણે પોતાની કંપનીનું નામ એપોલો રાખ્યું હતું. તેમણે આ કંપનીને પ્રગતિશીલ બનાવી હતી. અર્થ મુવિંગ ઇક્વિપમેન્ટ્સના પ્રોડક્શનમાં આ કંપની ભારતમાં ટોચનું સ્થાન ધરાવે છે. આજે તો તેમની આ કંપની તેમના બે દીકરાઓ આસિતભાઈ અને આનંદભાઈ ચલાવે છે. તેનું વાર્ષિક ટર્નઓવર 300 કરોડ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી અનિલભાઈ આ કંપનીના સલાહકાર માત્ર બની રહ્યા હતા.

અનિલભાઈ રાજકારણમાં પણ આવેલા. ભાજપ તરફથી મહેસાણામાંથી ચૂંટાયેલા અને ઉદ્યોગમંત્રી પણ બન્યા હતા. સરસ કામગીરી કરી હતી. જોકે રાજકારણ કદાચ તેમની પ્રકૃતિને અનુકૂળ નહોતું. તેમણે સામેથી પક્ષને ચૂંટણી લડવાની ના કહી હતી. જો તેમણે ધાર્યું હોત તો તેઓ રાજકારણમાં પણ લાંબી ઇનિંગ્સ રમી શક્યા હોત, પણ તેમના માટે શિક્ષણનું કામ પ્રથમ નંબરે હતું. તેઓ માનતા કે કોઈ પણ પ્રજા કે સમાજે પ્રથમ નંબરે આવવું હોય શિક્ષણના માધ્યમથી જ આવી શકાય. વિદ્યાયાઃ સમાજોત્કર્ષઃ ગણપત યુનિવર્સિટીનું આ સૂત્ર, આ ધ્યાનમંત્ર તેમના જીવનનું પણ સૂત્ર હતું. શિક્ષણ દ્વારા સમાજનો ઉત્કર્ષ એ મંત્ર તેમણે સ્વીકાર્યો હતો. તેમના પ્રેરક હતા પિતા ત્રિભુવનદાસ. પિતાના પગલે અનિલભાઈ પણ સમાજ માટે જીવ્યા. જો અનિલભાઈ માટે પિતા પ્રેરક હતા તો મિત્ર ગણપતભાઈ પટેલ પૂરક હતા. મહેસાણાના સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી બન્યા ત્યારે તેમની વય હતી માત્ર 33 વર્ષ. ખૂબ નાની વયે તેમણે સમાજ માટે કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. એ પછી તો મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશનની રચના થઈ. આ જ ગાળા દરમિયાન ગણપતભાઈ અને અનિલભાઈનું મિલન થયું. શરૂઆતમાં મહેસાણામાં વિવિધ કોલેજો થઈ અને પછી ગુજરાતને પ્રારંભમાં ગણપત વિદ્યાનગર અને હવે ગણપત યુનિવર્સિટી મળી. ગુજરાત વિધાનસભામાં ખરડો પસાર થયો અને ગણપત યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો એ દિવસ અનિલભાઈ માટે જીવનનો યાદગાર દિવસ હતો.

મહેસાણાના પાદરમાં ખેરવા ગામે આવેલી 300 એકર જમીનમાં પથરાયેલી ગણપત યુનિવર્સિટી એ અનિલભાઈની ગુજરાતને મળેલી ઉત્તમ ભેટ છે. આ ભેટ અણમોલ છે. હજારો યુવાનોના જીવનમાં પરિવર્તન લાવી રહેલી આ ગણપત યુનિવર્સિટીમાં અત્યારે દસ હજાર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. અનિલભાઈનું સ્વપ્ન હતું 25 હજાર વિદ્યાર્થીઓનું. ગણપતભાઈ અને અનિલભાઈ છેલ્લાં થોડાં વર્ષોથી દિવસ-રાત સતત ગણપત યુનિવર્સિટીના વિકાસની જ મથામણ કરતા હતા. ગણપતભાઈ ભારત આવે એટલે બન્ને મિત્રો પરિવાર સાથે ગણપત યુનિવર્સિટીના પરિસરમાં જ રહે. જુદા જુદા વિભાગોની મુલાકાતો લે અને સંબંધિત હોદેદારો સાથે ચર્ચા પણ કરે. અનિલભાઈના જીવનચરિત્રના સંદર્ભમાં મેં અને ભિખેશ ભટ્ટે ગણપતભાઈનો એક લાંબો ઇન્ટરવ્યુ શૂટ કર્યો હતો. તેમાં અનિલભાઈ વિશે તેમણે ઘણી રસપ્રદ વાતો કરી હતી. તેમાં એક તબક્કે તેઓ એવું પણ બોલ્યા હતા કે… ખરેખર આ યુનિવર્સિટીનું સાચું નામ તો અનિલ યુનિવર્સિટી હોવું જોઈએ.

મિતભાષી અનિલભાઈ વિઝનરી હતા. સતત કામ કરનારા હતા. નિસબતી હતી. સમાજનો ઉત્કર્ષ તેમના હૈયામાં હતો અને તેને અમલમાં લાવવા તેઓ સતત મથતા હતા. તેઓ આયોજન અને અમલ બન્નેના માણસ હતા. તેમના વિશે મને ખૂબ લખવાની તક મળી હતી. ગણપત વિદ્યાનગરની પહેલી ઈંટ મુકાઈ ત્યારથી હું તેમની સાથે અને ગણપત યુનિવર્સિટી સાથે સંકળાયેલો હતો. તેમનું જીવનચરિત્ર લખવાની વાત થયા કરતી હતી. થોડા મહિનાઓ પહેલાં મને કહેલું કે પહેલાં મારા પિતાના જીવનચરિત્રની સંવર્ધિત આવૃત્તિ કરીએ પછી મારા જીવનચરિત્રની વાત. થોડા દિવસ પહેલાં અનિતા ગણપત યુનિવર્સિટીમાં ગઈ. મળ્યા ત્યારે અનિતાને કહ્યું કે મારી મુલાકાત કરીને મારું જેટલું રેકોર્ડિંગ કરી લેવું હોય એટલું કરી લો. હવે મને મારું કંઈ ઠેકાણું લાગતું નથી….
આ શબ્દો તેઓ જે ભૂમિ પર બોલ્યા હતા એ ભૂમિ હતી ગણપત યુનિવર્સિટીની.
અને કદાચ એ જ એમનું સાચું ઠેકાણું હતું.
અનિલભાઈના આત્માને ભગવાન પરમ શાંતિ આપે અને તેમનાં ધર્મપત્ન શારદાબહેન, પુત્રો આસિતભાઈ અને આનંદભાઈ તથા તેમના બૃહદ પરિવારને ભગવાન આ આંચકો સહન કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના.

 

લેખક વરિષ્ઠ પત્રકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here