સત્તા વાપસી માટે સૈન્યને મનાવવા ઈમરાનના પ્રયાસ

 

પાકિસ્તાન: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફથી સૈન્ય નારાજ દેખાઈ રહ્યું છે. જોકે ઈમરાન જાણે છે કે સૈન્ય વિના તે સત્તામાં વાપસી નહીં કરી શકે. તેના લીધે તે સતત સૈન્યને મનાવવા પ્રયાસ કરી રહ્યા છે. ઈમરાન સૈન્યના સહારે જ સત્તાના શિખરે પહોંચ્યા હતા એવામાં તે ફરીથી સૈન્યથી સમર્થનની અપેક્ષા રાખી રહ્યા છે પણ પીએમએલ-એનએ શાહબાઝ ગિલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને હથિયાર બનાવતા ઈમરાન સામે નિશાન તાકવા પ્રયાસ કર્યો હતો. સૈન્યને એ જણાવાઈ રહ્યું છે કે પીટીઆઈ તેને ઉશ્કેરી રહી છે. ઈમરાન ખાને પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફ પર આરોપ મૂક્યો હતો કે તે તેમની પાર્ટી પીટીઆઈ અને સૈન્ય વચ્ચે તિરાડ પેદા કરવા માગે છે. ઈમરાને કહ્યું કે પીટીઆઈ વિરૂદ્ધ કાવતરૂ ઘડાઈ રહ્યું છે. આ દેશ માટે ઘાતક છે. સરકાર અમારી પાર્ટીને ખતમ કરવા માગે છે. જોકે અસલ વાત એ છે કે ઈમરાનના સમર્થકો જ તેમના માટે મુશ્કેલી સર્જી રહ્યાં છે. તાજેતરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં સૈન્યના ૬ જવાનો મૃત્યુ પામ્યા હતા. ઈમરાનના સમર્થકોએ સોશિયલ મીડિયા પર સૈન્ય વિરોધી પોસ્ટ કરી હતી. તેના પરિણામે સૈન્ય સહિત અનેક લોકો ઈમરાન અને તેમની પાર્ટી વિરુદ્ધ થઈ ગયા. ઈમરાનના સમર્થકોએ આવું એટલા માટે લખ્યું કેમ કે તે માનતા હતા કે આ લોકોએ જ ઈમરાનને સત્તામાંથી કાઢી મૂક્યા હતા. તેના પછી સમર્થકોએ એવો પણ દાવો કર્યો હતો કે તત્કાલીન કોર્પ કમાન્ડર જનરલ સરફરાજ સત્તા પલટા માટે રાજી ન થયા તો જનરલ બાજવાએ તેમને હટાવી દીધા. પરિણામે સૈન્ય એટલું નારાજ થયું કે ઈમરાનના નજીકના અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને માર્યા ગયેલા જવાનોના અંતિમ સંસ્કારમાં ન જવા દેવાયા. જ્યારે મીડિયાએ સૈન્યના અધિકારી બાબર ઈતિખારને પૂછ્યું કે શું રાષ્ટ્રપતિને સૈન્યએ જતા અટકાવ્યા? તેના પર ઈતિખારે કહ્યું કે હું આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી. સૈન્ય અને ઈમરાનના ખરાબ સંબંધ તે સમયે પણ જાહેરમાં સામે આવ્યા હતા જ્યારે જનરલ બાજવાએ કહ્યું હતું કે ઈમરાન એટલા લોકપ્રિય છે તો તેમને સત્તા સુધી પહોંચવા માટે સૈન્યની શું જરૂરી છે?