વૈશ્વિક સ્તરે કોરોનાથી દર ૪૪ સેકન્ડમાં એક વ્યક્તિનું મોત: WHO

નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠને (ડબલ્યુએચઓ) ચેતવણી આપી છે કે વૈશ્ર્વિક સ્તરે દર ૪૪ સેકન્ડમાં આજે પણ એક વ્યક્તિનું મોત કોવિડ-૧૯થી થઇ રહ્યું છે. ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસ કહ્યું કે આ વાયરસ આમ જ ખતમ નહીં થાય. તેમણે પોતાની નવીનતમ ટિપ્પણીમાં કહ્યું કે, રિપોર્ટ કરાયેલા કેસો અને મૃત્યુમાં વૈશ્વિક ઘટાડો જારી છે. આ અત્યંત ઉત્સાહજનક છે. પરંતુ તેની કોઇ ગેરંટી નથી કે આ પ્રકારની સ્થિતિ જળવાઇ રહેશે.
ઘેબ્રેયિસસે પોતાની નિયમિત બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ફેબ્રુઆરી બાદથી સાપ્તાહિક રિપોર્ટ કરાયેલ મૃત્યુની સંખ્યામાં ૮૦ ટકાથી વધારેનો ઘટાડો થઇ શકે છે, તેમ છતાંય ગત સપ્તાહે કોવિડ-૧૯થી દર ૪૪ સેકન્ડમાંએક વ્યક્તિનું મૃત્યુ થાય છે. તેમણે કહ્યું કે તેમાંથી મોટાભાગના મૃત્યુ ટાળી શકાય છે. તમે મને એમ કહેતા સાંભળીને થાકી ગયા હશો કે મહામારી ખતમ થઇ નથી. પરંતુ હું તેને ત્યાં સુધી કહેતો રહીશ જ્યાં સુધી કે આ વાયરસ ખતમ નહીં થાય.
ડબલ્યુએચઓ આગામી સપ્તાહે ૬ સંક્ષિપ્ત નીતિનો એક સેટ પ્રકાશિત કરશે જેમાં એ જ‚રી કાર્યવાહીને રેખાંકિત કરવામાં આવશે જે તમામ સરકારી સંક્રમણને ઘટાડવા અને જીવન બચાવવા માટે ઉપયોગમાં લઇ શકે છે. ટૂંકમાં પરીક્ષણ, નિદાનની વ્યવસ્થા, રસીકરણ, સંક્રમણની રોક અને નિયંત્રણ, જોખમ સંચાર અને સામૂહિક જોડાણ અને ઇન્ફોડેમિકની વ્યવસ્થાના જ‚રી તત્ત્વોને સામેલ કરવામાં આવશે.
ડબલ્યુએચઓ પ્રમુખે કહ્યું કે અમને આશા છે કે દેશો આ સંક્ષિપ્ત વિવરણોનો ઉપયોગ પોતાની નીતિઓના પુનર્મૂલ્યાંકન માટે સૌથી વધારે જોખમ ધરાવતા લોકોની રક્ષા કરવા, એ લોકો સાથે વ્યવહાર કરવા અને જીવન બચાવવા માટે કરશે જેમને તેની આવશ્યકતા છે. મહામારી હંમેશા વિકસિત થઇ રહી છે અને આ કારણે દરેક દેશમાં પ્રતિક્રિયા થવી જોઇએ. મંકીપોક્સ પર તેમણે કહ્યું કે ડબલ્યુએચઓ યુરોપમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોઇ રહ્યું છે.