રશિયાની પ્રાઈવેટ આર્મીના પ્રમુખ પુતિનથી નાખુશ

રશિયાઃ યુક્રેન સામે યુધ્ધ છેડવાના રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના નિર્ણય સામે રશિયામાં પણ અંદરખાને અસંતોષ વધી રહ્યો છે. રશિયાના ટોચના મિલિટરી કમાન્ડર ઈગોર ગિરકિને ચેતવણી આપી છે કે, પુતિન સામે સૈન્ય બળવો થઈ શકે છે. જેના માટે વેગનર ગ્રુપ જવાબદાર હોઈ શકે છે. વેગનર ગ્રુપ રશિયાની પ્રાઈવેટ આર્મી છે અને તેના પ્રમુખ યેવેગની પ્રિગોજિને તાજેતરમાં જ ધમકી આપી હતી કે, યુક્રેનમાં બાખમુત વિસ્તારમાંથી અમારા સૈનિકોને હટાવી લઈશું. કારણકે આ સૈનિકોને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી કોઈ મદદ મળી રહી નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે વેગનર ગ્રુપના પ્રમુખ રશિયન સંરક્ષણ મંત્રાલયની પણ જાહેરમાં ટીકા કરી ચુકયા છે અને જો તે રશિયન સરકાર સાથે વાત કર્યા વગર પોતાના સૈનિકોને યુધ્ધમાંથી પાછા બોલાવી લેશે તો તે સૈન્ય બળવો જ ગણવામાં આવશે. આ પ્રકારનો નિર્ણય રશિયા માટે પણ ઘાતક સાબિત થશે. વેગનર ગ્રુપના પ્રમુખ યેવેગની પ્રિગોજિન એક સમયે પુતિનના ખાસ હતા. રશિયાના કટ્ટરવાદી લોકોમાં યેવેગની પોતાની ઈમેજના કારણે બહુ લોકપ્રિય છે. એક તરફ પુતિનને યુક્રેન સાથેનુ યુધ્ધ લાંબુ ખેંચાયા બાદ ટીકાનો સામનો કરવાનો આવી રહ્યો છે તો બીજી તરફ પ્રિગોજિન હવે રશિયામાં શક્તિશાળી વ્યક્તિ તરીકે ઉભરી રહ્યા છે.