તાલિબાન ઈચ્છે છે કે, ભારત તેમને ન્યુ કાબુલ સિટી બનાવવામાં મદદ કરે

 

તાલિબાન: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ એવું લાગી રહ્યું હતું કે તેની અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો બનશે. જો કે હાલની પરિસ્થિતિ જોતા તાલિબાન પાકિસ્તાન પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું ઉલટુ સરહદ વિવાદને અનુલક્ષીને બંને દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે. ત્યારે ખરાબ અર્થતંત્ર અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પણ યુદ્ધની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો તે પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ભારત તરફ જોઈ રહ્યું છે. હવે અફઘાનિસ્તાને પોતાની અર્થવ્યવસ્થા સુધારવા માટે એક વખત ફરીથી ભારતની મદદ માંગી છે. તેણે ભારતના ખાનગી ક્ષેત્રને રોકાણ કરવાનું કહ્યું છે જેથી કરીને તેમની આર્થિક સ્થિતિ સુધરી શકે. ગત સપ્તાહે તાલિબાનના શહેરી વિકાસ મંત્રીએ ભારતની ટેક્નિકલ ટીમના હેડ ભારત કુમાર સાથે એક મીટીંગ યોજી હતી. તાલિબાન ઈચ્છે છે કે ભારત તેમને ન્યુ કાબુલ સિટી બનાવવામાં મદદ કરે. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાન કબ્જા બાદ પણ ભારતે પોતાના રાજદ્વારી સંબંધો બંધ કરી દીધા હતા. જો કે આ વર્ષે જૂનમાં ભારત દ્વારા એક ટેક્નિકલ ટીમ કાબુલ મોકલવામાં આવી છે. આ ટીમ વિકાસના કામો કરી રહી છે. છેલ્લા બે દાયકામાં ભારત અફઘાનિસ્તાનમાં આશરે ૩ બિલિયનનું રોકાણ કરી ચૂકયું છે. ભારત મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરે છે. ભારતે જ અફઘાનિસ્તાનનું સંસદ ભવન બનાવ્યું છે. હેરાતમાં ફ્રેન્ડશીપ ડેમ બનાવવામાં આવ્યો છે. આ સિવાય હબીબા હાઈ સ્કૂલને બીજી વખત બનાવવામાં આવી છે. ભારતે કાબુલમાં ઈન્દિરા ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલ બનાવી હતી. તાલિબાની કબ્જા બાદ ભારતે અફઘાનિસ્તાનમાં માનવીય સહાય પણ મોકલી હતી. હાલમાં અફઘાનિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે યુએન પ્રમાણે અફઘાનિસ્તાનમાં ખાદ્ય સંકટ વધતુ જાય છે. હજારો બાળકોને ભૂખ્યા સૂવું પડે છે. પાકિસ્તાનની વાત કરીએ તો તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાની આઇએસઆઇ ચીફ ત્યાંની સરકાર સ્થાપવા માટે અફઘાનિસ્તાન ગયા હતા. જો કે તાલિબાન અને પાકિસ્તાનના સંબંધો વધુ સમય સુધી ટકી શકયા નહીં. આ સિવાય તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને યુદ્ધવિરામ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.