ઝિમ્બાબ્વેમાં ફુગાવાને અંકુશમાં લેવા લિગલ ટેન્ડર તરીકે સોનાના સિક્કા લોન્ચ કર્યા

 

હરારે: ઝિમ્બાબ્વેએ દેશના અસ્થિર ચલણનું મૂલ્ય મોટા પાયે ઘટાડનાર ફુગાવાને અંકુશમાં લેવા માટે સોનાના સિક્કા લોન્ચ કર્યા છે. સ્થાનિક ચલણમાં વિશ્ર્વાસ વધારવા માટે દેશની કેન્દ્રીય  બેંક રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેએ એક અભૂતપૂર્વ નિર્ણયની જાહેરાત કરી છે. આઇએમએફના જણાવ્યા અનુસાર ૨૦૦૮માં હાઇપરઇન્ફલેશનને કારણે લોકોની બચત ધોવાઇને પાંચ અબજ થઇ ગયા પછી હવે લોકોને દેશના ચલણમાં વિશ્ર્વાસ ઘટી ગયો છે. ૨૦૦૮ના આ વિનાશકારી ફુગાવાની યાદો હજી તાજી હોવાથી લોકો દૈનિક બચત અને દૈનિક લેવડદેવડ માટે અમેરિકન ડોલર રાખવાનું પસંદ કરે છે. ઝિમ્બાબ્વેના ચલણમાં વિશ્ર્વાસ એટલો ઘટી ગયો છે કે અનેક રીટેલરો તેનો સ્વીકાર કરી રહ્યાં નથી. દેશની મધ્યસ્થ બેંકે આજે દેશની વાણિજિયક બેંકોને સોનાના ૨૦૦૦ સિક્કા વિતરિત કર્યા હતાં. રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેના ગવર્નર જોહ્ન મંગુડયાના જણાવ્યા અનુસાર શ‚આતમાં વિદેશમાંથી સોનાના સિક્કા મંગાવવામાં આવશે અને ત્યારબાદ દેશમાં તેનું નિર્માણ કરવામાં આવશે. દુકાનોમાં ખરીદી માટે સોનાના આ સિક્કાઓનો ઉપયોગ કરી શકાશે.