શિક્ષક બનવું સહેલું નથી હોં!

0
1323


કાઠિયાવાડના ભાવનગરમાં આવેલા દરબાર-ગઢમાં એક વખત ભીષણ આગ લાગી. લોકોને બચાવવા માટે દરબારગઢની દીવાલો તોડવી જરૂરી હતી. એ માટે તોપનો ઉપયોગ કરવામાં આવ્યો. તોપના વારંવાર ભડાકા કરવા છતાં દીવાલ ન તૂટી, ત્યારે ત્યાં ઊભેલા પીતામ્બર મિસ્ત્રી નામના એક માણસે કહ્યું, ‘આ મજબૂત દીવાલ મારા પિતા પોચા મિસ્ત્રીએ બાંધેલી છે. એ તોપથી એમ તૂટશે નહિ!’

પૂતામ્બર મિસ્ત્રીના અવાજમાં જે ગૌરવ અને ખુમારી હતાં એવાં ગૌરવ અને ખુમારીપૂર્વક આજે કોઈ શિક્ષક એમ કહી શકે ખરો કે, આ મારો વિદ્યાર્થી છે, એટલે એ ખોટું તો નહિ જ બોલે, એ કશો દુરાચાર નહિ જ કરે, એ ક્યાંય ભ્રષ્ટાચાર નહિ જ આચરે, એ હંમેશાં નીતિપૂર્વક જ જીવશે?’

જે શિક્ષક આવી ખાતરી ન ઉચ્ચારી શકે એને શિક્ષણ આપવાનો અધિકાર શા માટે આપવો જોઈએ? આજકાલ તો શિક્ષકો સરકારી લાભ મેળવવાના લાલચુ પગારદારી માણસથી વિશેષ કશું જ રહ્યા નથી, એ બહુ મોટા દુર્ભાગ્યની વાત છે. શિક્ષક સૌથી વધારે સામર્થ્યવાન, નિષ્ઠાવાન અને સંસ્કારી હોવો જરૂરી છે. સમાજનો તેમ જ રાષ્ટ્રનો ઉત્કર્ષ કરવાની નૈતિક જવાબદારી વડા પ્રધાન કરતાં પણ શિક્ષકને માથે વધારે હોય છે.
પપ્પાએ શિક્ષકને ભણાવ્યા!

એક પિતા, પોતાના તોફાની બાળકને દરરોજ રાત્રે સમજાવતા હતા કે, ‘બેટા! લાઇફમાં હંમેશાં સાચું જ બોલવું જોઈએ. સાચું બોલવાથી ઘણા બધા લાભ થાય છે અને ખોટું બોલવાથી ખૂબ નુકસાન થાય છે.’
બાળક પોતાના મનમાં આ વાત રજિસ્ટર કરી લે છે. હંમેશાં સાચું બોલવા માટે મનમાં પ્રતિજ્ઞા પણ લઈ લે છે.
એક વખત આ બાળક, સ્કૂલમાં રિસેસ દરમિયાન મસ્તી કરે છે અને મસ્તી કરતાં-કરતાં કાગળના કેટલાક ડૂચા અને થોડો કચરો શિક્ષકના ટેબલના ખાનામાં ભરી દે છે.

રિસેસ પછી શિક્ષક આવે છે અને ટેબલના ખાનામાં બધો કચરો જોઈને વિદ્યાર્થીઓને પૂછે છે કે, ‘આવું કામ કોણે કર્યું?’ પેલો સત્યવાદી બાળક તરત પોતાનો હાથ ઊંચો કરીને કબૂલ કરતાં કહે છે કે, ‘સર! તમારા ટેબલના ખાનામાં કચરો મેં ભર્યો હતો…!’ શિક્ષકે એ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને ફૂટપટ્ટી વડે ફટકાર્યો.

એ બાળક મનમાં મૂંઝાવા લાગ્યો કે પપ્પા તો કહેતા હતા કે સાચું બોલવાથી લાભ થાય છે; જ્યારે હું મારા શિક્ષક સામે સાચું બોલ્યો તો મને પનિશમેન્ટ થઈ! સાચું બોલવાથી લાભ થતો હોય તો મને પનિશમેન્ટ કેમ થઈ? નક્કી, મારા પપ્પાએ મને સમજાવવામાં કંઈક ભૂલ કરી છે! બાળક ઘરે ગયો. તેના ચહેરા પર ઉદાસીનતા જોઈને પપ્પાએ પૂછ્યું, ‘બેટા! તને શું થયું છે? તું કેમ ઉદાસ છે?’ દીકરાએ તરત કહ્યું, ‘પપ્પા! તમે ખોટા છો. તમે મને કહેતા હતા કે સાચું બોલવાથી ખૂબ લાભ થાય છે, પણ આજે સ્કૂલમાં મને સાચું બોલવાથી પનિશમેન્ટ થઈ. જો હું સાચું ન બોલ્યો હોત તો મને પનિશમેન્ટ ન થઈ હોત…!’
પપ્પાએ હળવે-હળવે દીકરાની સમગ્ર હકીકત જાણી લીધી અને દીકરાની ઉદાસીનતાનું કારણ સમજી પણ લીધું. બીજા દિવસે દીકરાને લઈને તેઓ સ્કૂલમાં ગયા. શિક્ષકને મળીને કહ્યું, ‘તમને અહીં શિક્ષક કોણે બનાવ્યા છે? તમે ચાઇલ્ડ સાઇકોલોજી બિલકુલ જાણતા નથી. તમારા મિસબિહેવિયરને કારણે આજે એણે મારી શીખવાડેલી વાત પર અવિશ્વાસ કર્યો! હું એને ઘેર દરરોજ સદાચાર શીખવાડું છું કે સાચું બોલવાથી લાભ થાય છે. એણે તમારી સામે પોતાનો ગુનો કબૂલ કરીને સાચું બોલવાનો પ્રયત્ન કર્યો તો તમે એને પનિશમેન્ટ કરી! હવે એ મને કહે છે કે, ‘પપ્પા! સાચું બોલવાથી લાભ નથી થતો, પનિશમેન્ટ થાય છે!’

શિક્ષકે સામે દલીલ કરતાં કહ્યું કે, ‘તો શું મારે તમારા દીકરાને એના તોફાન બદલ પનિશમેન્ટ કરવી ન જોઈએ? એને વધારે તોફાની થવાની દિશામાં જવા દેવો જોઈએ? પપ્પાએ શાંતિથી જવાબ આપ્યો, ‘ના, તમારે ચાઇલ્ડ સાઇકોલોજી સમજીને એની સાથે એક શિક્ષકને શોભે તેવું વર્તન કરવાની જરૂર હતી! તમારે એને એના તોફાન માટે પનિશમેન્ટ કરવી જ જોઈએ, સાથેસાથે એ સાચું બોલ્યો એ માટે એને પુરસ્કાર પણ આપવો જોઈએ. તમે એને માત્ર પનિશમેન્ટ કરી, પણ એ વખતે જો તમે એને કહ્યું હોત કે, તેં જે તોફાન કર્યું છે એની તો તેને પનિશમેન્ટ કરી, પણ સાથે સાથે તું સાચું પણ બોલ્યો છે! એટલે આ ચોકલેટ તને ઇનામ તરીકે આપું છું! તો મારો દીકરો ગેરસમજ તરફ ફંટાયો ન હોત! મેં એને સદાચારનો જે પાઠ શીખવાડ્યો હતો કે સાચું બોલવાથી લાભ થાય છે એ વાત પર તમારા બિહેવિયરથી પર્મેનન્ટ મહોર લાગી જાત!’
હંમેશાં શિક્ષક જ પાઠ ભણાવે એવું તો ન હોય ને! એ દિવસે એક પપ્પાએ એક શિક્ષકને સાચું શિક્ષણ આપ્યું…!
પરંતુ સાચો શિક્ષક વિદ્યાર્થી સાથે કેવી પરિસ્થિતિમાં અને કેવા સંજોગોમાં કેવું બિહેવિયર કરવું એનું મનોવિજ્ઞાન જાણતો હોય છે. હવે એક બીજા શિક્ષકની વાત સાંભળો.
સાચા શિક્ષકની હૈયાસૂઝ!
એક શાળામાં એક્ઝામ ચાલી રહી હતી અને સ્ટાફ-રૂમમાં એક શિક્ષક (શાહસાહેબ) બેઠાં બેઠાં ન્યુઝપેપર વાંચી રહ્યા હતા. તે દરમિયાન સ્ટાફરૂમની બહાર લોબીમાં ઊભેલા કેટલાક વિદ્યાર્થીઓનો સંવાદ એમના કાને પડ્યો. એમાં એક તોફાની અને માથાભારે વિદ્યાર્થી કહેતો હતો કે, ‘આપણી સ્કૂલમાં આ શાહસાહેબ ખૂબ કડક છે, શિસ્તનો ખૂબ આગ્રહ રાખે છે અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી પણ કરવા દેતા નથી! આવું કેમ ચાલે? આપણી સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ શાહસાહેબથી ડરે છે, પણ હું એમનાથી બિલકુલ ડરતો નથી. આજે હું પરીક્ષામાં ચોરી કરવાનો જ છું. અમારા ક્લાસમાં સુપરવિઝન માટે શાહસાહેબ આવશે તો પણ હું ચોરી કરીશ જ. આજે તો મારી સાથે હું ખંજર લઈને આવ્યો છું. જો શાહસાહેબ મને ચોરી કરવાની ના પાડશે તો જોયા જેવી થશે!’
સ્ટાફરૂમમાં બેઠેલા શાહસાહેબે ન્યુઝ-પેપર વાંચતાં વાંચતાં આ આખો સંવાદ સાંભળ્યો. થોડા સમયમાં પરીક્ષાનો બેલ વાગ્યો અને સૌ વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસરૂમમાં જવા લાગ્યા. પેલા શાહસાહેબે જોયું તો એમને સુપરવિઝન માટે બીજા રૂમમાં જવાનું હતું. તેમણે આચાર્યશ્રીને રિક્વેસ્ટ કરીને પોતાનું સુપરવિઝન પેલા તોફાની વિદ્યાર્થીના રૂમમાં જ ગોઠવાય તેવી વ્યવસ્થા કરી.
પરીક્ષા શરૂ થયા પછી દસ મિનિટ પછી પેલા માથાભારે વિદ્યાર્થીએ ગાઇડ લઈને એમાંથી કોપી કરવાનું શરૂ કર્યું. શાહસાહેબ તેની પાસે આવ્યા અને તેના હાથમાંથી ગાઇડ લઈ લીધી. તોફાની વિદ્યાર્થીએ તરત જ એક પગના મોજામાં છુપાવી રાખેલું ખંજર કાઢીને જોરથી બેન્ચ પર ભોંકી દીધું!
આખો ક્લાસરૂમ ડઘાઈ ગયો. સૌ વિદ્યાર્થીઓ ડરી ગયા. શાહસાહેબે તોફાની વિદ્યાર્થીને ગાઇડ પાછી સોંપતાં કહ્યું, ‘લે આ તારી ગાઇડ. તારે ચોરી કરીને પરીક્ષા આપવી હોય તો તું એ પ્રમાણે કરી શકે છે.’ વિદ્યાર્થી મનોમન મલકાતો અને રોફ મારતો બોલ્યો, ‘ડરી ગયા ને! આખી સ્કૂલ ભલે તમારાથી ડરતી હોય, પણ હું તમારાથી ડરતો નથી. આજે હું નક્કી કરીને જ આવ્યો હતો કે તમે મને ચોરી નહિ કરવા દો તો હું ખંજર કાઢીશ…’
શાહસાહેબ બોલ્યા, ‘તારી આ વાત મેં સ્ટાફરૂમમાં બેઠાં બેઠાં સાંભળી હતી. મને ખબર હતી જ કે હું તને ચોરી નહિ કરવા દઉં તો તું ખંજર કાઢવાનો છે. આજે મારું સુપરવિઝન બીજા કોઈ ક્લાસમાં હતું, પરંતુ તું બોલેલું વચન પાળી શકે છે કે નહિ એ જોવા માટે મેં મારું સુપરવિઝન બદલાવીને આ ક્લાસરૂમમાં ગોઠવવા આચાર્યશ્રીને રિક્વેસ્ટ કરી હતી. મને એ વાતનો આનંદ છે કે તારી પાસે બોલેલું વચન પાળવાની તાકાત છે, હિંમત છે અને સાહસ પણ છે. તારી આ હિંમતને અને તારા આ સાહસને હું હૃદયપૂર્વક બિરદાવું છું. બહુ ઓછા લોકો આવું બોલેલું વચન પાળવાનું સાહસ બતાવી શકતા હોય છે! પણ આજે મારે તને એક ખાસ શિખામણ આપવી છે કે તું તારી લાઇફમાં હવે પછી ક્યારેય કોઈ નેગેટિવ પ્રતિજ્ઞા ન લઈશ. નેગેટિવ પ્રતિજ્ઞા માણસને નિરાશા અને હતાશા આપે છે. જો તું પોઝિટિવ વિચાર કરતો રહીશ અને પોઝિટિવ પ્રતિજ્ઞાઓ લઈને એ પાળતો રહીશ તો સફળતા તારાં ચરણોમાં ઝૂકી જશે! તારા જેવા બહાદુર અને સાહસિક વિદ્યાર્થીને પરીક્ષામાં ચોરી કરતાં રોકવાની જરૂર મને નથી લાગતી. તું નિરાંતે ચોરી કરી શકે છે…!’ આટલું કહીને શાહસાહેબ પોતાની ખુરશી પર જઈને બેસી ગયા.
તોફાની વિદ્યાર્થી લાંબા સમય સુધી કશું જ બોલ્યા વગર અને કશું જ લખ્યા વગર બેસી રહ્યો અને પછી પોતાની ઉત્તરવહી શાહસાહેબને સોંપીને ક્લાસરૂમની બહાર નીકળી ગયો! એના ચહેરા ઉપર શરમિંદગી હતી. એનાં ચરણોમાં પ્રાયશ્ચિત્તનો બોજ હતો.
શાહસાહેબે એ માથાભારે વિદ્યાર્થી સાથે સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટનો જે વ્યવહાર કર્યો એ કારણે એ વિદ્યાર્થી હંમેશ માટે એમનો આજ્ઞાંકિત બની રહ્યો અને લાઇફટાઇમ તેમનો પ્રિય શિષ્ય પણ બની રહ્યો! આજે તો એ વિદ્યાર્થી મોટો બિઝનેસમેન બની ગયો છે!
આમ, શિક્ષકનું કર્તવ્ય અભ્યાસક્રમ પૂરો કરવો કે એક્ઝામ લેવાનું જ નથી હોતું; પરંતુ એણે વિદ્યાર્થીઓનું ચારિત્રઘડતર કરવાનું હોય છે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here