ચીનમાં નવા વર્ષની ઊજવણી બનશે કોરોનાની એક નવી લહેરનું કારણ

 

સાંધાઈ: ચીનમાં કોરોના વાઈરસનો તાંડવ હજી ચાલી જ રહ્યો છે અને દરરોજ સેંકડો લોકોના આ મહામારીને કારણે મૃત્યુ થઈ રહ્યા છે. પરિસ્થિતિ આટલી ગંભીર હોવા છતાં ચીન સાચા આંકડા દુનિયાથી છુપાવવાની પેરવી કરે છે. આંકડા છુપાવવા મુદ્દે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા અનેક વખત ચીનની ઝાટકણી પણ કાઢવામાં આવી છે. આ બધા વચ્ચે હવે ચીનમાં કોરોનાની સ્થિતિને લઈને મોટો ખુલાસો થયો છે અને ચીનની ૮૦ ટકા વસતી કોરોનાની ચપેટમાં આવી ચૂકી છે, એટલું જ નહીં છેલ્લાં એક અઠવાડિયાની વાત કરીએ તો કોરોનોના કારણે ચીનમાં ૧૩,૦૦૦ લોકોના મૃત્યુ થયા છે અને આ પહેલી વખત નથી કે જ્યારે ચીનમાં કોરોનાની સ્થિતિને લઈને આવા ખુલાસાઓ થયા હોય. ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં ઝીરો પોલીસી ખતમ કરી નાખી હતી. ચીનમાં કોવિડ પોલીસીનો વિરોધ થઈ રહ્યો હતો અને આ વિરોધને પગલે જિનપિંગ સરકારે ઝીરો કોવિડ પોલીસી ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સરકારનો આ નિર્ણય બેકફાયર થયો અને ત્યાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા હતા. ચીનમાં છેલ્લાં એક મહિનામાં કોરોનાને કારણે ૬૦,૦૦૦ લોકોના મૃત્યુ હોસ્પિટલમાં થયા હતા. ચીનના નેશનલ હેલ્થ કમિશન મેડિકલ અફેયર ડિપાર્ટમેન્ટ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો હતો. ચીનમાં છેલ્લાં એક અઠવાડિયાની વાત કરીએ તો એક અઠવાડિયામાં ૧૩૦૦૦ લોકોના મૃત્યુ થયા હતા. ચીનના પ્રમુખ વિજ્ઞાની દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં દર ૧૦માંથી ૮ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે કે જ્યારે ચીન લ્યુનાર ન્યુ યરની ઊજવણી કરી રહ્યું છે. લોકો નવા વર્ષ નિમિત્તે છૂટથી પ્રવાસ કરી રહ્યા છે અને ચીન પર વધુ એક કોરોનાની લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. ચીનમાં કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારમાં પણ ફેલાશે કે શું એવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.