ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ઇજિપ્તે યુદ્ઘવિરામ કરાવ્યું

ઈજિપ્તઃ ઇજિપ્તે ઇઝરાયેલ અને ઇસ્લામિક જેહાદ ઓર્ગનાઇઝેશન ઓફ પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ઘવિરામ કરાવ્યું છે. અઠવાડિયા સુધી ચાલેલી હિંસામાં ૧૨ નાગરિકો સહિત ૩૩ પેલેસ્ટિનિયનોના જીવ ગયા હતા. આ યુદ્ઘવિરામ માટે અમેરિકા અને યુએનએ ઇજિપ્તનો આભાર માન્યો હતો. ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઝકી હનેગાબીએ કહયું કે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યાં છે. યુદ્ઘવિરામમાં માત્ર ઇજિપ્ત જ નહીં પરતું અમેરિકી અધિકારીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જયારે યુદ્ઘવિરામ છતાં, ઇઝરાયેલ ગાઝા નજીકના વિસ્તારોમાંથી ઇઝરાયેલીઓને બહાર કાઢી રહયું છે. તેમને હોટલ, હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવી રહ્યાં છે. રક્ષા મંત્રી યોવ ગાલાંટે જણાવ્યું કે આ કામ એક ઓપરેશન હેઠળ કરવામાં આવી રહયું છે જેને ‘ગસ્ટ ઓફ વિન્ડ’ નામ આપવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ઇસ્લામિક જેહાદ સંગઠને ઇઝરાયેલ પર એક હજારથી વધુ રોકેટ છોડ્યા છે. જેના કારણે ઘણા ઇઝરાયેલીઓએ બંકરોમાં આશરો લેવો પડ્યો હતો. ઇજિપ્તની ટીવી ચેનલ અલ-કાહેરાએ કહ્યું કે યુદ્ઘવિરામ રાત્રે ૧૦ વાગ્યાથી અમલમાં આવ્યો. યુદ્ઘવિરામને લઇને પેલેસ્ટાઇનને ઇસ્લામિક જેહાદ સંગઠને કહયું કે, અમે આ યુદ્ઘવિરામનું પાલન કરવાની જાહેરાત કરી છીએ. જયાં સુધી ઇઝરાયેલ હૂમલો ન કરે ત્યાં સુધી તેને સ્વીકારીશું. જો ઇઝરાયેલ હૂમલો કરશે તો અમે પણ શાંત નહીં રહીએ. ઇઝરાયેલની સેનાએ અલજઝીરાને જણાવ્યું કે તેઓ યુદ્ઘવિરામનું મૂલ્યાંકન કરી રહ્યા છે. તેમાં વડાપ્રધાન નેતન્યાહુ અને સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ પણ હાજરી આપશે. આ દરમિયાન સૈન્યના ગુપ્તચર અધિકારીઓ બંનેને પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપશે. ઇઝરાયેલના હવાઇ હૂમલામાં ઇસ્લામિક જેહાદના ૩ ટોચના કમાન્ડર માર્યા ગયા હતા. આ પછી, જવાબી કાર્યવાહીમાં, પેલેસ્ટાઇન તરફથી સતત રોકેટ છોડવામાં આવ્યા હતા.