વિરુદ્ધ આહાર લેવાથી થતું નુકસાન

0
2413
Dr. Rajesh Verma

જીવતા રહેવા માટેનાં મુખ્ય ત્રણ કારણો છે તેમાં આહાર બીજા સ્થાન પર છે. પહેલું શ્વસનક્રિયા અને ત્રીજા સ્થાન પર નિદ્રા છે. શરીરમાં લગાતાર નષ્ટ થઈ રહેલા કોશોની પૂર્તિની સાથે શરીરને પોષણ આહારથી જ મળે છે. ખાવામાં આવતો દરેક પર્દાથનો પોતાનો ગુણ-દોષ હોય છે, સેવન કરવાથી શરીર પર પ્રભાવ પાડે છે, પરંતુ તેની સાથે સાથે ભોજનને તૈયાર કરવા માટેની વિધિ, ખાવાનો ઢંગ, સ્થાન, સમય વગેરેનો પ્રભાવ પણ પડે છે. પૌષ્ટિક ભોજન પણ જો વધારે પ્રમાણમાં, ખોટી રીતે તૈયાર કરવામાં આવ્યું હોય કે, ત્રુટિપૂર્ણ રીતે કે અનુચિત જગ્યા પર કે અનુચિત સમયે ખાવાથી તે ભોજનથી લાભ થતો નથી અથવા તો તે ભોજનથી નુકસાન પણ થઈ શકે છે.
શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે ત્રિદોષ સંતુલન સ્થાપિત કરવો જરૂરી છે. અયોગ્ય ભોજનથી સંતુલન બગડી જાય છે. ઉદાહરણ તરીકે ઉતાવળમાં ભોજન કર્યું હોય તો બરાબર ચાવ્યું ન હોય તો વાતદોષ ઉત્પન્ન થાય છે. બિલકુલ એવી જ રીતે જો ભોજન બરાબર રાંધવામાં ન આવ્યું હોય કે બહુ જ વધારે પડતુ રંધાઈ ગયું હોય તો પણ તેના ગુણ બદલાઈ જાય છે. ઘણા ખાદ્ય પર્દાથના ગુણ રાંધ્યા પછી બદલાઈ જાય છે. કેટલાંક ભોજન ખાધા પછી લાભ કરે છે, પરંતુ તે જ ભોજન રાત્રે લેવાથી નુકસાન પણ કરતાં હોય છે. ઘણા આહાર કોઈ ઋતુમાં લાભ આપનાર હોય છે તો કોઈ બીજી ઋતુમાં નુકસાન કરનાર હોય છે.
વિરુદ્ધ આહારનો આમ વિચાર કરવો જોઈએ. ઘણા લોકો એવું જ વિચારે છે કે ભોજન તો ભોજન જ છે ને! વિરુદ્ધ આહારથી અજાણ હોય છે, પરંતુ આયુર્વેદની દષ્ટિએ જોઈએ તો આ વિપરીત પ્રકૃતિના ખાદ્ય પર્દાથો સાથે બનેલું ભોજન નુકસાનકર્તા હોય છે.
દૂધ સાથે શું ન ખવાય – દૂધ એક સંપૂર્ણ આહાર છે, આથી તેની સાથે કશું જ ન ખાવું જોઈએ. અડદ, મઠ, મૂળા, લસણ, તરબૂચ, ખાટા અને નમકીન પદાર્થોનું સેવન લાભ કરવાને બદલે નુકસાન જ કરે છે, વિપરીત અસર કરે છે. આયુર્વેદમાં લખ્યું છે કે માછલી અને માંસ સાથે જો દૂધ લેવામાં આવે તો કુષ્ઠરોગ પણ થઈ જાય છે.
ખરેખર તો દૂધ એક સંપૂર્ણ આહાર છે, તેનું સેવન કરવાથી પાચનતંત્ર દૂધની સાથે પાચનક્રિયા માટે સક્રિય થઈ જાય છે. પછી જો માંસ કે ઈંડાં પણ સાથે ખાવામાં આવે તો પાચનતંત્ર ઉપર વધારે બોજ આવી પડે છે. બીજું કે પેટમાં દૂધ જાય પછી દહીં બની જતું હોય છે. એટલે જ્યાં સુધી દહીં ન પચે ત્યાં સુધી અન્ય પદાર્થ પચતા નથી.
શાકાહારી ભોજન પછી તરત જ દૂધ ન પીવું જોઈએ. આમ કરવાથી પણ પાચનતંત્ર પર ખોટી અસર પડે છે.
દહીં સાથે શું ન ખાવું?
દહીંનું સેવન સવારે નાસ્તા સાથે ન કરવું જોઈએ, બપોરના ભોજનમાં દહીં લેવું ઠીક છે, પણ સાંજના ભોજનમાં દહીં ન લેવું. જો ખાવું જરૂરી હોય તો તેમાં શેકેલું જીરુ, કાળાં મરી અને ઘી મેળવીને લઈ શકાય. રાત્રે ગળ્યું દહીં ખાવાથી લોહીની ઊણપ, ચક્કર આવવાં, કમળો કે તાવ આવવો જેવી તકલીફ થઈ શકે છે.
દહીં પાચનમાં મદદ જરૂર કરે છે, પરંતુ કેટલીક ચીજો સાથે તાલમેલ ન હોવાથી, જેમ કે માસાંહાર સાથે દહીં ન લેવાય. મટન કે માછલી સાથે દહીં મેળવીને ન ખવાય. આમ કરવાથી એલર્જી કે અન્ય વિકાર ઉત્પન્ન થઈ શકે છે. દહીં સાથે ગરમ ચીજો પણ ન ખવાય.
ખાટાં અને મીઠાં ફળો એકસાથે ન ખવાય – કેળાં, ખજૂર, ચીકુ, પપૈયું વગેરે મીઠાં ફળોમાં ગણાય તેની સાથે દ્રાક્ષ, મોસબી, સંતરા જેવા ખાટા ફળો ના ખવાય. આમ કરવાથી વિકાર તો ઉત્પન્ન નથી થતાં પરંતુ પચવામાં તકલીફ પડે છે. સલાડ કે શાકમાં લીંબુ નીચોવીને ખાવું પણ અયોગ્ય છે.
સ્ટાર્ચ અને પ્રોટીન એકસાથે ન લેવાં – જે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ હોય છે તે ક્ષારથી પચતો નથી, પણ પ્રોટીનને અમ્લ પચાવે છે.
સ્ટાર્ચ અને પ્રોટીન બન્ને સાથે લેવાથી હાઇડ્રોક્લોરિક અમ્લ સ્રાવિત થઈને પહેલાં પ્રોટીન પચવા માંડે છે અને સ્ટાર્ચ પચ્યા વિના આમાશયમાં પડી રહે છે. જ્યારે તે નાના આંતરડામાં પહોંચે છે. ત્યાં સુધીમાં તે ખરાબ થઈ ચૂક્યું હોય છે. અમ્લ અને ક્ષારમાં વિરોધી પ્રક્રિયા થવાથી પ્રોટીનનું પાચન પણ ઠીક રીતે થતું નથી. એટલે પાચનક્રિયા બગડે છે.
ઘઉં, ચોખા, બટાકા વગેરે સ્ટાર્ચયુક્ત ભોજન છે. અને ઈંડાં, માંસ, માછલી પ્રોટીનયુક્ત છે. પ્રોટીન અને અમ્લીય ભોજન એકસાથે ન લેવાય.
ચા – કોફીની સાથે ઠંડાં પીણાં ન લેવાય – ઠંડાં અને ગરમ પીણાં એકસાથે લેવાથી શરીરમાં સામંજસ્ય નથી રહેતું, દાંત અને પાચનક્રિયા બન્ને પર અસર પડે છે. એટલે ઠંડું ગરમ સાથે ન લેવાય.
મીઠાં ફળો સાથે ખાંડ કે મીઠાઈ ન ખાવી જોઈએ.
શાક અને ફળ એકસાથે ન ખાવાં જોઈએ.
પપૈયું, કાકડી, તડબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ.
ચોખા ખાધા પછી તરત પાણી ન પીવુ, થોડી વાર પછી પાણી પીવું.
ઘી અને મધ સરખા પ્રમાણમાં ન ખાવાં જોઈએ.
જ્યાં સુધી ભોજન પચી ન જાય ત્યાં સુધી દૂધ ન પીવું જોઈએ.
ખીર અને ખીચડી સાથે ના ખાવા.
ઘી અને તેલ સરખા પ્રમાણમાં મેળવી સેવન ન કરવું જોઈએ.
મધુર રસયુક્ત પર્દાથોની સાથે કડવા અને નમકીન પદાર્થનું સેવન ન કરવું જોઈએ.
વાસી ખોરાક ન ખાવો. રબડી, આઇસક્રીમ અને દૂધથી બનેલી ચીજો ભોજન સાથે ન લેવી જોઈએ. તેનું અલગથી સેવન કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here