અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા દ્વારા ચંદ્ર પર કાયમી માનવ વસવાટ બનાવવાની યોજના

 

કેપ કેનાવેરલઃ અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા  નેશનલ ઍરોનોટિસક્સ ઍન્ડ સ્પેસ ઍડિમિનિસ્ટ્રેશને (નાસા) બરાબર ૫૦ વર્ષ બાદ ફરીથી અંતરીક્ષ સંશોધન ક્ષેત્રે નવો ઇતિહાસ લખવા પોતાનું અર્ટેમીસ-૧ રોકેટ  ૨૦૨૨ની ૧૬, નવેમ્બરે બરાબર ૧૨ઃ૧૭ કલાકે ચંદ્ર તરફ રવાના કર્યું  છે. અર્ટેમીસ-૧ અમેરિકાના કેન્નેડી સ્પેસ સેન્ટરના ૩૯-બી લોન્ચ પેડ પરથી રવાના થયું છે. જોકે અર્ટેમીસ-૧ને  અમુક ટેકનિકલ  ખામી સહિત ખરાબ હવામાન અને હરીકેન ઝંઝાવાત જેવા અવરોધ નડ્યા હોવાથી   તેના મૂળ  કાર્યક્રમ મુજબ વિલંબ થયો છે.

અર્ટેમીસ -૧ રોકેટ  નાસાનું અત્યારસુધીનું સૌથી ભારેભરખમ અને સૌથી શક્તિશાળી રોકેટ છે.  આધુનિક સ્પેસ લોન્ચ સિસ્ટમ(ઍસ.ઍલ.ઍસ.)થી બનેલું અર્ટેમીસ-૧ રોકેટ ૯૮ મીટર(૨૯૪ ફૂટ) ઉંચું છે. ૧૯૬૯ના ઍપોલો-૧૧ની પહેલી અને સફળ   સમાનવ ચંદ્રયાત્રાનાં બરાબર ૫૩ વરસ બાદ નાસાઍ ફરીથી તેનું અર્ટેમીસ -૧ રોકેટ ચંદ્ર  ભણી રવાના કર્યું છે. છેલ્લે નાસાનું ઍપોલો-૧૭ અવકાશયાન ૧૯૭૨ની ૭, ડિસેમ્બરે ચંદ્ર યાત્રાઍ ગયું હતું.  આમ નાસાની ચંદ્ર યાત્રા ૫૦ વરસ બાદ ફરીથી શરૂ  થઇ  છે.

અર્ટેમીસ-૧ ને આકાશમાં પ્રવાસ કરતું નિહાળવા માટે લોન્ચિગ સાઇડ પર લગભગ ૧૫,૦૦૦ કરતાં પણ વધુ નાગરિકો ભેગાં થયાં હતાં. આ ઉપરાંત ફ્લોરીડાના સમુદ્ર કિનારા પર પણ જમા થયેલાં હજારો લોકોઍ તાળીઓના ગડગડાટથી અને આનંદની  કિકિયારીથી આ યાદગાર પ્રસંગને વધાવી લીધો હતો. નાસાનાં સૂત્રોઍ ઍવી માહિતી આપી હતી કે અમારા  ત્રણ સપ્તાહના  કાર્યક્રમ મુજબ  બધું સમુંસૂતરૂં પાર પડશે તો અર્ટેમીસ-૧ રોકેટ તેમાં ગોઠવેલી  ઓરાયન  નામની અત્યાધુનિક કેપ્સુલને  ચંદ્રમાની  ભ્રમણકક્ષામાં ગોઠવી દેશે. ઓરાયન કેપ્સુલ ચંદ્રની  ધરતી પર નહીં ઉતરે પણ શશીથી ૭૦,૦૦૦ કિલોમીટર દૂર જઇને નવી અને ઉપયોગી માહિતી મેળવશે. ત્યારબાદ ઓરાયન  બરાબર ૪૨ દિવસ બાદ  ૧૦, ડિસેમ્બરે પૃથ્વી પર  પાછી આવશે. પેસિફિક મહાસાગરમાં ઉતરશે. અર્ટેમીસ-૧ના લોન્ચ ડાયરેક્ટર ચાર્લી બ્લેકવેલ થોમ્પ્સને ઍવી માહિતી આપી હતી કે અર્ટેમીસ-૧ લોન્ચ થયું ત્યારે તેને ૪૦ લાખ કિલોગ્રામ્સનો પ્રચંડ ધક્કો વાગ્યો હતો. આટલા પ્રચંડ  ધક્કાથી રોકેટ ઍક સેકન્ડમાં ૧૬૦ કિલોમીટરની અતિ તીવ્ર ગતિઍ  આકાશમાં ઉડ્યું  હતું. આ રોકેટ ગગનમાં ઉડ્યું તેની બરાબર આઠમી મિનિટે  રોકેટનો  મુખ્ય હિસ્સો  છૂટો પડી ગયો હતો. ત્યારબાદ રોકેટના સૌથી આગળના  હિસ્સામાં  ગોઠવાયેલી  ઓરાયન કેપ્સુલને ઇન્ટરીમ ક્રાયોજેનિક  પ્રપલ્ઝન સ્ટેજનો મોટો ધક્કો વાગ્યો હતો અને તે  પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી જઇને  અફાટ અંતરીક્ષમાં ચંદ્રની ભ્રમણકક્ષા તરફ તીવ્ર ગતિઍ આગળ વધી હતી. ચાર્લી થોમ્પ્સને અર્ટીમીસ-૧ના સફળ અને સલામત  લોન્ચિગ માટે તેની ટીમને અભિનંદન  આપીને કહ્નાં હતું કે હવે  ૨૦૨૫માં ઍક મહિલા અવકાશયાત્રી સાથે ફરીથી ચંદ્ર યાત્રા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here