મેં ભોળીએ એમ જાણ્યું કે…

થોડાં વરસ પહેલાંની વાત છે એક વીરાંગના વહુએ સાસુને તમાચો મારી દીધો! આ સમાચાર છાપામાં વાંચીને, જો કભી બહુ થી એવી એક સાસુએ, સાસ ભી કભી બહુ થી સિરિયલ જોતાં જોતાં એક દીર્ઘ નિઃશ્વાસ નાખીને કહ્યું, કેવો કળિયુગ આવ્યો છે! વહુ ઊઠીને સાસુને તમાચો મારી દે એનાથી તો ધરતીનો છેડો આવી ગયો કહેવાય!
તો મમ્મી, સાસુ વહુને તમાચો મારતી હતી એ સત્યયુગ કહેવાતો હતો?જો કભી સાસ બનેગી એવી વહુએ કહ્યું. આ સંવાદ આગળ વધ્યો કે નહિ, એમાંથી વિસંવાદ થયો કે નહિ અને એ વિસંવાદ વાણીના યુદ્ધ સુધી જ સીમિત રહ્યો કે શારીરિક યુદ્ધ સુધી વિસ્તર્યો તે અંગે કશી માહિતી ઉપલબ્ધ નથી.
કૂતરો માણસને કરડે એ સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર છે એવી સમાચાર વિશેની જાણીતી વ્યાખ્યા છે. સાસુએ વહુને તમાચો માર્યો હોત તો એ સમાચાર ન ગણાત, પણ વહુએ સાસુને તમાચો મારી દીધો એ ઘટનાને સમાચારનું સ્વરૂપ મળ્યું. પતિ પત્નીને મારે એ સમાચાર નથી. જગતના આદિકાળથી એ થતું આવ્યું છે. પણ પત્ની પતિની ધુલાઈ કરે એ અવશ્ય સમાચાર છે. માસ્તર વિદ્યાથીને મારે એ સમાચાર નથી, પણ વિદ્યાર્થી માસ્તર પર પ્રહાર કરે એ સમાચાર છે. જોકે એકવીસમી સદીના અંતમાં અથવા બાવીસમી સદીની શરૂઆતમાં આનાથી ઊલટું બનશે. એકવીસમી સદીના અંતભાગમાં વહુઓ એટલી બળવાન બની ગઈ હશે કે એ સાસુને તમાચો મારશે તો એ સમાચાર નહિ ગણાય. હશે આ તો રોજનું થયું કહી લોકો એની ચર્ચા કરવાનુંય ટાળશે, પણ એ સમયમાં કોઈ સાસુ વહુને તમાચો મારવા શક્તિમાન બનશે તો એ દરેક છાપાના પહેલા પાને છપાશે. બોલ્ડ (હિંમતવાન) સાસુના સમાચાર બોલ્ડ (ઘાટા) અક્ષરોમાં છપાશે. એ જ રીતે વિદ્યાર્થી શિક્ષકને મારશે એ સમાચાર નહિ ગણાય. એ રોજિંદી ઘટના હશે, પણ કોઈ પ્રોફેસર કે શિક્ષક કોઈ વિદ્યાર્થીને મારશે તો એ ટોક ઓફ ધ ટાઉન બનશે ને છાપાંઓમાં એ સમાચાર મોટા મોટા અક્ષરોમાં છપાશે. – પણ આજના સમયમાં તો હજી વહુ સાસુને તમાચો મારે એ રોજિંદી ઘટના નથી બની એટલે એ ઘટનાને સમાચારનું સ્વરૂપ મળ્યું.
સાસુ શબ્દ સાંભળતાં જ એક જમાનાની વહુઓ ફફડી ઊઠતી. સાસુ, નણંદ અને જેઠાણીની યુતિ મિશ્ર સરકારો જેવી હતી. જેમ મિશ્ર સરકારમાં જોડાયેલા પક્ષોને વાતવાતમાં વાંકું પડે છે, પણ વિપક્ષ સામે લડવાની વાત આવે એટલે સંપી જાય છે એમ સાસુ, નણંદ અને જેઠાણીને પરસ્પર પ્રેમ હતો એવું નહોતું. સાસુને મોટી વહુ જોડે ઊભાં રહ્યે બનતું ન હોય, પણ ઘરમાં નાની વહુ આવે એટલે સાસુ જ મોટી વહુ સાથે યુદ્ધવિરામના કરાર કરે ને બન્ને મળીને નાની વહુને સંતાપે. નણંદ અને મોટી ભાભીનુંય એવું જ. નણંદ અને સાસુ આમ મા-દીકરી – એક જ પક્ષના કહેવાય, પણ જેમ એક જ પક્ષવાળા અંદરોઅંદર લડે છે એમ મા-દીકરી અંદરોઅંદર લડતાં, પણ વહુ સામે, મા-દીકરી સંપી જતાં.
નણંદ એક જમાનામાં સીબીઆઇનો રોલ કરતી. ભાભીની હિલચાલની રજેરજની માહિતી મેળવતી ને માતાને સપ્લાય કરતી. એમાં કલ્પનાના રંગો પણ યથાશક્તિ ઉમેરતી. જેઠાણી નાયબ વડા પ્રધાનની ભૂમિકા અદા કરતી. સાસુની ઉંમર વધે, ઘરમાં એનું જોર ઓછું થાય એટલે સત્તાનાં અસલી સૂત્રો નાયબ વડા પ્રધાન જેવી જેઠાણીના હાથમાં આવી જતાં. જ્યોતીન્દ્ર દવેએ કહ્યું છે કે ચંગીઝ ખાન કે હિટલર જુલમ કરવાના પાઠ, સાસુ-નણંદ-જેઠાણીની ત્રિપુટી પાસે શીખ્યા હોત તો એ લોકો વધુ ક્રૂરતાથી જુલમો કરી શક્યા હોત!
– પણ એ જમાનામાં બધી વહુઓ ઢીલીપોચી નહિ જ હોય. એ જમાનામાં ભલે ઓછી સંખ્યામાં પણ ખૂંખાર વહુઓય હશે.
કેટલાક કર્મચારીઓ જેમ ભલભલા બોસોને ઘોળીને પી જાય છે તેમ ભલભલી સાસુને ઘોળીને પી જનારી વહુઓ પણ એ જમાનામાંય હશે તો ખરી જ. આવી વહુઓની વાત કરતાં કેટલાંક લોકગીતો મળે છે એક લોકગીતની કેટલીક પંક્તિઓ ઃ
મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ્ય,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય; સાસુની સાવરણી…
મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય; સાસુનાં બેડલાં…
મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય; સાસુના ચૂલા…
મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે સોડમાં દીવો મેલ્ય; સાસુની સોડમાં…
કોઈ પણ સાસુની જેમ આ સાસુ પણ આજ્ઞાવાચક વાક્યો બોલે છે ખરી; પણ, વહુ એનાથી ચાર ચાસણી ચડી જાય એવી છે સાસુના દરેક સ્ટેટમેન્ટનું ઇન્ટરપ્રિટેશન એ પોતાની મૌલિક રીતે કરે છે. સાસુજી વાસીદું (ગાય-બળદ બાંધવાના સ્થાને પડેલો કચરો) વાળી નાખવાનો વહુને ઓર્ડર કરે છે, પણ પોતાને ભોળી (!) ગણાવતી વહુ સાવરણી જ બાળી નાખે છે. એ જ રીતે પાણી ભરવાના સાસુના ઓર્ડરના જવાબમાં આ ભોળી વહુ બેડાં જ ફોડી નાખે છે! પણ ક્લાઇમેક્સ (પરાકાષ્ઠા) તો છેલ્લે આવે છે. ગાય-બળદ બાંધવાના સ્થાનમાં – કોડમાં દીવો મૂકવાની સાસુ આજ્ઞા કરે છે તો આ ભોળી વહુ સાસુની સોડમાં જ દીવો મૂકી દે છે – ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી!
કેવી વિચિત્ર વાત છે! પતિ પત્નીને મારઝૂડ કરે તો એ ટ્રેજેડી કહેવાય, પણ પત્ની પતિની ધુલાઈ કરે તો એ કોમેડી કહેવાય. સાસુ વહુને મારે તો એ ટ્રેજેડી કહેવાય, પણ વહુ સાસુને મારે તો એ કોમેડી કહેવાય! એકવીસમી સદીનો સમય બોસ, પતિ ને સાસુ માટે ઘણો ખરાબ સાબિત થશે એવી આગાહી, જ્યોતિષમાં કશું ન જાણતો હોવા છતાં, હું હિંમતપૂવક કરી શકું એમ છું.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક મોજમાં રેવું રે!માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here