ન્યુ યોર્ક સ્થિત કરિશ્મા દેવ દુબેની શોર્ટ ફિલ્મે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ધ્યાન ખેંચ્યું

ન્યુ યોર્કસ્થિત ફિલ્મમેકર કરિશ્મા દેવ દુબે દ્વારા બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ ‘દેવી-ગોડેસ’એ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે

ન્યુ યોર્કઃ ન્યુ યોર્કસ્થિત ફિલ્મમેકર કરિશ્મા દેવ દુબે દ્વારા બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ ‘દેવી-ગોડેસ’એ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મમાં ભારતીય કિશોરીની પોતાની જાતીયતા સાથેના સંઘર્ષનું બખૂબીથી વર્ણન કરવામાં આવ્યું છે. કરિશ્મા દેવ દુબેની નોંધપાત્ર સિદ્ધિ એ છે કે તેની આ શોર્ટ ફિલ્મ ‘દેવી-ગોડેસ’ને યુકેમાં ‘ફાઇવ ફિલ્મ્સ ફોર ફ્રીડમ 2018’ ઇનિશિયેટિવ માટે પાંચ શોર્ટ ફિલ્મોમાંની એક ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.

‘ફાઇવ ફિલ્મ્સ ફોર ફ્રીડમ 2018’ ઇનિશિયેટિવ વિશ્વનો પ્રથમ ગ્લોબલ-ડિજિટલ એલજીબીટી શોર્ટ-ફિલ્મ પ્રોગ્રામ છે જેની રચના બ્રિટિશ કાઉન્સિલ અને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ-ફલેર વચ્ચેના સહકારથી કરવામાં આવી છે. ‘ફલેર’ લંડનમાં આયોજિત એલજીબીટી પ્લસ ફિલ્મ ફેસ્ટિવલ છે, જેમાં ‘દેવી’ રજૂ થઈ હતી. આ ફિલ્મને ભારત સહિત વિવિધ દેશોમાં પ્રથમ વાર નિહાળવામાં આવી હતી. આ ફિલ્મ પહેલી એપ્રિલ સુધી ઓનલાઇન 21 ભાષામાં ઉપલબ્ધ હતી. 21મી માર્ચથી પહેલી એપ્રિલ દરમિયાન આયોજિત ફલેર ફેસ્ટિવલ સાથે આ ફિલ્મની રિલીઝ સંકળાયેલી હતી.

લંડનથી પાછાં ફર્યા પછી ફોન ઇન્ટરવ્યુ દરમિયાન કરિશ્મા દેવ દુબેએ ‘ગુજરાત ટાઇમ્સ’ને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન સહિત વિવિધ દેશોમાં જે નાગરિકોએ આ ફિલ્મ નિહાળી છે તેમાંના ઘણાબધા પ્રતિભાવો મને મળ્યા છે. આ ફિલ્મને વિવિધ દેશોમાં અને વિવિધ સ્થળોએ વ્યાપક આવકાર મળ્યો છે, જેની તેઓને (આયોજકોને) કલ્પના પણ નહોતી. ધ બ્રિટિશ કાઉન્સિલે જ્યાં આ ફિલ્મની વ્યાપક અસર થવાની સંભાવના છે તેવા દેશોમાં નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સિંગલ-પેરન્ટ (માતા)ની ભૂમિકા તન્વી આઝમીએ અદા કરી છે, જેમણે ‘બાજીરાવ મસ્તાની’, ‘યૈ જવાની હૈ દીવાની’ જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો છે.

ન્યુ યોર્ક યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ટીશ સ્કૂલ ઓફ ધ આર્ટ્સમાં માસ્ટર ઓફ ફાઇન આર્ટ્સ પ્રોગ્રામમાં થિસિસની વિદ્યાર્થિની અને ડીનની ફેલો કરિશ્મા દેવ દુબે દ્વારા 12 મિનિટની ફિલ્મ બનાવવામાં આવી છે, જેમાં કિશોરી તારાની ભૂમિકા અદિતિ વાસુદેવ (‘તલાશ’, ‘સુલેમાન’ ‘કીડા’, ‘દો દૂની ચાર’) દ્વારા ભજવવામાં આવી છે. ફિલ્મમાં પ્રિયંકા બોઝ (‘લાયન’, ‘ગંગોગ’, ‘નિર્ભયા’ સ્ટેજ પ્રોડક્શન)ની ભૂમિકા છે.

કરિશ્મા દેવ દુબેએ જણાવ્યું હતું કે હું વાસ્તવિકતા દર્શાવવા માગતી હતી, હવે પછી શું થવાનું છે તે રસ દર્શકોમાં જળવાઈ રહે તેવું પણ ઇચ્છતી હતી. બાકીનું દર્શકોની કલ્પના પર છોડતી હતી. આ ફિલ્મના ફીચર વર્ઝન પર હું કામ કરી રહી છું.
ગયા વર્ષે પૂરી થયેલી આ ફિલ્મ વિશ્વભરમાં ફેસ્ટિવલ સરકીટમાં દર્શાવાઈ છે. અમે દુનિયાભરના 35 ફેસ્ટિવલોમાં ભાગ લીધો છે.
‘દેવી’ 2017માં લોસ એન્જલસમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ જ્યુરી પ્રાઇઝ જીત્યું હતું. આ ઉપરાંત જુલાઈ, 2017માં આઉટફેસ્ટ લોસ એન્જલસ ફિલ્મ ફેસ્ટિવલમાં કરિશ્મા દેવ દુબેએ બેસ્ટ નેરેટિવ શોર્ટ માટે ગ્રાન્ડ જ્યુરી એવોર્ડ મેળવ્યો હતો. ગયા વર્ષે બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં શોર્ટ ફિલ્મ એવોર્ડ માટે આ ફિલ્મ નોમિની થઈ હતી. આ ફિલ્મ જાપાનમાં શોર્ટ શોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ અને એડિનબર્ગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત થઈ હતી.
કરિશ્મા દેવ દુબેએ જણાવ્યું હતું કે ન્યુયોર્ક યુનિવર્સિટીમાં ધ ગ્રેડ ફિલ્મ પ્રોગ્રામ ફિલ્મમાં મારું ફાઉન્ડેશન રહ્યું છે.
આ ફિલ્મ 2017માં બનાવવામાં આવી હતી, જેણે ઇન્ડિયન અમેરિકન ફિલ્મ ફેસ્ટિવલોમાં ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મને બ્રિટિશ કાઉન્સિલ અને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વવ્યાપી પ્રથમ વાર દર્શકો સમક્ષ લાવવામાં આવી હતી.
કરિશ્મા દેવ દુબે દ્વારા લિખિત-દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ ટીશ વિદ્યાર્થીઓ જોવાન જેમ્સ અને શ્રેયા દેવ દુબે (કરિશ્મા દેવ દુબેની બહેન) દ્વારા થયું છે. ફેલો વિદ્યાર્થી ઝમારીન વાહદાત દ્વારા શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી કરાઈ હતી. બ્રુકલીનસ્થિત પાકિસ્તાની કલાકાર અરૂજ આફતાબ અને ભારતસ્થિત બેન્ડ સલ્ક સ્ટેશન દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here