ગુજરાતમાં શ્રાવણની આખરો જામ્યો મેઘમાહોલ : ઉમરગામમાં ૧૨ ઇંચ વરસાદ

 

સુરત/વડોદરાઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે, ઘણા દિવસોના વિરામ બાદ જન્માષ્ટમીથી જ ફરી એકવાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની જમાવટ થતાં ખેડૂતો અને નાગરિકોનો ઉચાટ શમ્યો છે. વલસાડ જિલ્લામાં સોમવારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ મંગળવારે પણ ભારે વરસાદ પડયો હતો. ઉમરગામમાં ૧૨ ઇંચ વરસાદ ખાબકી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાપીમાં છ ઇંચ વરસાદ પડયો છે, તો વડોદરામાં મધરાત દરમ્યાન સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યું હતું. તો સુરત જિલ્લા અને શહેરમાં સોમવારે ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો, તો ઉકાઈ ડેમમાં ૧૬ હજાર કયુસેક પાણીની આવક સાથે સોમવારે ઉકાઈ ડેમની સપાટી મોડી સાંજે ૩૨૯.૨૫ ફૂટે પહોંચી છે. ઉમરગામમાં સોમવાર રાતથી જ એટલે કે કૃષ્ણ જન્મોત્સવ બાદ મંગળવારે ૩૦૭ મિ.મિ. ૧૨ ઈંચ વરસાદ તુટી પડયો હતો અને ચોમેર પાણી પાણી થયું હતું.  

મંગળવારે સવારે ૧૦થી ૧૨ ૯૭ મિ.મિ. જયારે વાપીમાં મંગળવારે સવારે ૮થી ૧૦માં ૮૨ મિ. મિ વરસાદ પડયો હતો. સોમવાર મોડી રાત્રીથી મંગળવાર સાંજે ૫ વાગ્યા સુધીમાં કપરાડામાં ૭૯, ધરમપુરમાં ૨૩, પારડીમાં ૬૦ વલસાડમાં ૪૭, વાપીમાં ૧૫૭ મિ.મિ વરસાદ પડ્યો હતો. ઘણા દિવસથી વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. તો નવસારી જિલ્લાના નવસારીમાં ૮, જલાલપોરમાં ૧૫, ચીખલી ૨૨, ગણદેવીમાં ૧૩, ખેરગામમાં ૫૨, વાંસદામાં ૪૮ મિ.મી વરસાદ પડયો હતો. 

ઉમરગામ તાલુકામાં  પડેલા ભારે વરસાદને પગલે ૧૯ રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો ડાંગ જિલ્લામાં ૨ ઈંચ વરસાદ પડ્યો હોવાના હેવાલ સાંપડી રહ્યા છે. સુરત જિલ્લામાં પણ સોમવાર સવારથી જ ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વડોદરામાં અસહ્ય ઉકળાટ બાદ વરસેલા વરસાદથી વડોદરા શહેર જિલ્લાના લોકોએ ગરમીથી રાહતની લાગણી અનુભવી હતી. મેઘરાજાએ ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ ખાબક્યો હતો. કૃષ્ણ જન્મોત્સવની પૂર્વ રાત્રે પ્રચંડ ગાજવીજ સાથે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો. અમીનનગર શિવાશિષ સોસાયટીના એક મકાન ઉપર લગાવેલા સોલાર  રૂફટોપના મિટરમાં વીજળી પડતાં બળીને ખાક થઇ ગયું હતું. જોકે, કોઇ જાનહાનિ થઇ નથી. આ ઉપરાંત એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષમાંથી મળ્યા હતા.

અમદાવાદ/રાજકોટઃ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાંની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાંય સાર્વત્રિક માહોલ વચ્ચે અડધાથી અઢી ઈંચ પાણી વરસ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. 

નોંધનીય છે કે, જુલાઈ અને ઓગસ્ટમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે. સપ્ટેમ્બરની શરૂઆતથી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે અને કૃષિ પાકને જીવનદાન મળ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, સાયક્લોનિક સકર્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. આગામી ૪૮ કલાક કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે. ૪૮ કલાક બાદ સિસ્ટમ નબળી પડશે. બીજી સપ્ટેમ્બરે  વલસાડ,  દમણ, દાદરા, નગર હવેલી, પોરબંદર, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે ૩૦ થી ૪૦ કિલોમીટરના પવનની સાથે વરસાદની આગાહી છે. જ્યારે ૩ સપ્ટેમ્બરના  જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રિજિયનમાં ૩૨.૯૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૬.૧૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૨.૪૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૦.૬૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૫.૪૭ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. રાજકોટના અહેવાલ મુજબ સાયકલોનિક સકર્યુલેશનની અસર તળે લાંબા સમય બાદ રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થતાં સર્વત્ર મેઘમહેર જોવા મળી છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં શ્રાવણ માસમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. માંગરોળમાં આભ ફાટયું હોય એમ ૧૨ ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર વિસ્તાર પાણી-પાણી થઇ ગયો હતો. ચોરવાડમાં ૯, ગડુ શેખબાગમાં ૭થી ૮ ઈંચ વરસાદ પડયો છે. 

માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને રસ્તાઓ જાણે નદી બની ગયા હોય એમ પાણી વહેવાં લાગ્યાં હતાં. આ ઉપરાંત માળિયા હાટીના, તાલાલા, ચોરવાડ, ઉના, કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે આ બંને જિલ્લાના નદી-નાળામાં નવાં નીરની આવક થઇ છે. તેમજ મોટા ભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. આ બંને જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં મેઘમહેર થઈ છે. ખેતીના પાક માટે ખરા સમયે વરસાદ વરસતાં જાણે કે કાચું સોનું વરસ્યું હોય એવો ખેડૂતવર્ગને અહેસાસ થયો છે. પાક મૂરઝાવા લાગ્યો હતો એવા સમયે મેઘરાજાની પધરામણીથી પાકને જીવનદાન મળ્યું છે. હજુ સૌરાષ્ટ્રમાં કાળાં ડિબાંગ વાદળો છવાયેલાં છે અને સારા વરસાદના સંજોગો વર્તાઇ રહ્યા છે. સર્વત્ર વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તેમજ સારા વરસાદના કારણે ડેમમાં નવાં નીરની આવક પણ થઇ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here