અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 321 એસટી બસનું લોકાર્પણ કર્યુ

અમદાવાદ: અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવી ૩૨૧ એસટી બસને લીલી ઝંડી બતાવી તેનું લોકાર્પણ કર્યું હતું. ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જીએસઆરટીસીની ૩૨૧ અદ્યતન નવીન બસોનું લોકાર્પણ કરાયું હતું. ૧૦૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ બસોમાં ૧૬૨ મીડી બસ, ૯૯ સ્લીપર બસ, ૫૮ લક્ઝરી બસોનો સમાવેશ કરાયો છે. અમિત શાહ તથા હર્ષ સંઘવીએ જીએસઆરટીસીની આ બસોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી અને લીલી ઝંડી બતાવીને આ બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું.
જીએસઆરટીસીની આ બસો કુલ ૧૨૫ જેટલા ડેપોમાં કાર્યરત કરાશે અને ૧ લાખ ૨૫ હજાર કિલોમીટરની મુસાફરી કરશે. આ બસોનો સીધો લાભ ગામડાના છેવાડાના લોકોને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થશે અને દરરોજ કુલ ૪૯,૫૦૦થી વધારે મુસાફરો આ બસોનો લાભ મેળવી શકશે, તેમ માહિતી ખાતાએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે છેલ્લા પાંચ મહિનામાં કુલ ૮૧૮ જેટલી બસોનું લોકાર્પણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૨૨માં નવી સરકાર રચાયા પછી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ બસોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં ૮૦૦થી વધારે બસોનો ઉમેરો થયો છે.
વર્ષ ૨૦૨૩ની ૧૩ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર બસ સ્ટેશનમાં ૧૫૧ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ સ્લીપર કોચ બસો તથા ૧૧૧ લકઝરી બસોનો સમાવેશ થયો હતો. ત્યાર બાદ ૧૨મી માર્ચના રોજ જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૫૧ બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં ૩૦ સ્લીપર કોચ બસો, ૭૦ લકઝરી બસો અને ૫૧ રેડી બિલ્ટ મીડી બસોનો સમાવિષ્ટ હતી.
એ પછી ૧૨ એિપ્રલ, ૨૩ના રોજ પાલનપુર બસ પોર્ટમાં ૭૦ બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં ૧૦ સ્લીપર કોચ બસ, ૨૫ લકઝરી બસ અને ૩૫ રેડી બિલ્ટ મીડી બસોનો સમાવેશ થયો.
ત્યાર પછી ૨૯ એપ્રિલ, ૨૩ના રોજ વલસાડ વિભાગના નવસારી બસ પોર્ટમાં ૧૨૫ બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં ૨૦ સ્લીપર કોચ બસ, ૩૫ લકઝરી બસ તથા ૭૦ રેડ બિલ્ટ મીડી બસોનો સમાવેશ કરાયો. આમ, છેલ્લા પાંચ મહિનામાં કુલ ૮૧૮ જેટલી બસોનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.