હીરોશીમા ક્વોડ શિખર પરિષદ યોજાઈઃ કોઈની પણ દાદાગીરીથી મુક્ત રાખવા લેવાયેલો નિર્ણય

હીરોશીમા: ક્વોડ દેશોની શિખર-પરિષદમાં ચીનનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેમ છતાં તેમાં લેવાયેલા નિર્ણયો ઉપરથી તે સ્પષ્ટ બની ગયું હતું કે ચીન ઉપર જ તેમાં સૌથી વધુ લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં સમુદ્રમાં રહેલા ઇન્ટરનેટ કેબલ્સ, સાયબર સિક્યોરિટી અને તે વિસ્તારમાં રહેલી સી-લેઈન્સને સામે ઉભી થયેલી ભીતિથી સુરક્ષિત રાખવા વિચારણા થઈ હતી. ક્વોડ પરિષદમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન ફુમીયો કીશીદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ ઉપસ્થિત હતા. તેમની ચર્ચા સૌથી વધુ તો ઇન્ડો-પેસિફિક વિસ્તારને ભયમુક્ત રાખવા વિષે થઈ હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તાર ઉપર કોઈનું પ્રભુત્વ હતું જ નહીં તેમ થવા દેવાશે પણ નહીં. આ રીતે ક્વોડ નેતાઓએ ચીનનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો. ચીનની તળ ભૂમિ ઉપર રહેલા સામ્યવાદી શાસન સામે શુદ્ધ લોકશાહી ધરાવતા ટાપુ રાષ્ટ્ર તાઇવાન અને તાઈવાન તથા ચીનની તળભૂમિ વચ્ચેની તાઇવાનની સમુદ્ર ધૂનીની સુરક્ષા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેટલું જ નહીં પરંતુ તાઈવાન ઉપર ભવિષ્યમાં સેનાકીય આપત્તિ ઉત્તરે તો તેનું રક્ષણ કરવા આ ક્વોડ નેતાઓએ મક્કમ નિર્ણય તે પરિષદમાં લીધો હતો. આ ઉપરાંત અમેરિકા દ્વારા વિશ્વભરમાં સમુદ્રમાં પાથરવામાં આવનારા ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ માટે અમેરિકા સાથે હાથ મિલાવવા ક્વોડના અન્ય દેશોના નેતાઓએ વચન આપ્યું હતું.