ઓસ્ટ્રેલિયામાં ઈન્દિરા ગાંધીના હત્યારાઓનું સમર્થન: ભારતે આપી ચેતવણી 

 

મેલબોર્ન: અલગાવવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસએ શીખો માટે ખાલિસ્તાનની માંગણી કરવાને લીધે ઓસ્ટ્રેલિયામાં તણાવ ઉભો થયો છે. ખાલિસ્તાનીઓએ મેલબોર્નના રસ્તાઓ પર પોસ્ટર લગાવીને ઈન્દિરા ગાંધીના હત્યારાઓની વાહવાહી કરી છે. જેના કારણે શીખ અને હિન્દુ સમુદાય વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. મેલબોર્નમાં છેલ્લા ઘણા દિવસોથી ઓસ્ટ્રેલિયન શીખ નરસંહાર રેફરન્ડમના નામથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોટી વાત એ છે કે આ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની ભારત સરકારે પણ માંગ કરી હતી. પાકિસ્તાની વેબસાઈટ ધ ન્યુઝ ડોટ કોમ મુજબ મેલબોર્નના પ્લમ્પટન ગુ‚દ્વારાની બહાર ખાલિસ્તાન રેફરન્ડમનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંહ અને કેહર સિંહની તસવીરો પણ હતી. બંનેને વર્ષ ૧૯૮૯માં દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, પંજાબને આઝાદ કરવાની છેલ્લી લડાઈ. આ પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ સમુદાયના લોકો ગુસ્સે થયા હતા. હિંન્દુ સમુદાયે એન્થોની અલ્બેનીઝ સરકાર પાસે ૨૯ જાન્યુઆરીએ યોજાનારા જનમત સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.