ઈમરાન ખાનના સમર્થકોની મદદ કરવાનો આરોપઃ પાકિસ્તાની સેનાના અધિકારીઓને બરતરફ કરાયા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સેનાએ લેફ્ટનન્ટ જનરલ રેન્કના અધિકારી સહિત અનેક અધિકારીઓને બરતરફ કર્યા છે. આ તમામનું કોર્ટ માર્શલ પણ કરવામાં આવશે. સેનાની મીડિયા વિંગના ડાયરેક્ટર જનરલ (ડીજી-આઈએસપીઆર) અહેમદ શરીફ ચૌધરીએ આ માહિતી આપી.
આ તમામ અધિકારીઓ સામે બે પ્રકારના આરોપો છે. જેમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ આ અધિકારીઓએ સેનાના ઠેકાણાઓ પર ખાનના સમર્થકોના હુમલાને રોક્યા ન હતા. બીજો એવી આશંકા છે કે આ અધિકારીઓ હિંસાના ષડયંત્રમાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ઈમરાનની પણ ધરપકડ કરવામાં આવશે અને તેનો કેસ સૈન્ય અદાલતમાં ચલાવવામાં આવશે. હિંસામાં 11 લોકો માર્યા ગયા અનેે 283 ઘાયલ થયા હતા.
9 મેના રોજ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની 60 અબજ રૂપિયાના અલ કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટના સ્કેન રૂમમાંથી એન્ટી કરપ્શન યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તરત જ, ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકોએ દેશના વિવિધ ભાગોમાં મહત્વપૂર્ણ સૈન્ય મથકો, શહીદોના સ્મારકો, યુદ્ધ સ્મારકો, હેડક્વાર્ટર અને પાકિસ્તાન રેડિયોના કાર્યાલયો પર હુમલો કર્યો. આ હિંસાના તમામ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પછી, શાહબાઝ શરીફ સરકાર અને સેનાએ લગભગ 7,000 ખાન સમર્થકોની ધરપકડ કરી.
દરમિયાન, સેનાએ સ્પષ્ટ કર્યું છે કે 9 મેની હિંસાના ષડયંત્ર પાછળના લોકો પર સૈન્ય અદાલતોમાં કેસ ચલાવવામાં આવશે. ઈમરાન અને તેમના સમર્થકો આને લઈને ગભરાયેલા છે. જોકે, સુપ્રીમ કોર્ટ અને અન્ય કોર્ટના ઘણા જજ ઈમરાનના સમર્થક છે અને એ જ કારણ છે કે ખાનની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. DG-ISPRએ કહ્યું જે નુકસાન દુશ્મન પાકિસ્તાનને 76 વર્ષમાં ન કરી શક્યું, તે 9 મેના રોજ ઘરમાં રહેલા લોકોએ કર્યું. હવે તેમને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. 9 મે એ પાકિસ્તાનના ઈતિહાસનો સૌથી કાળો દિવસ હતો. ઈમરાનની ધરપકડ પર કહ્યું પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here