WHOના અગ્રણી વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથ કહે છે : ઓમિક્રોન વેરિયેન્ટ વેકસિન અસરકારક છે

 

 તાજેતરમાં દુનિયાભરમાં ઓમિક્રોનના કેસ વધવા માંડ્યા છે. જગતના દેશો આથી ચિંતાની લાગણી અનુભવી રહ્યા છે.ઓમિક્રોનના ચોક્કસ લક્ષણો હજી પ્રગટ થયા નથી. આથી સ્વાસ્થ્યકર્મીઓ પણ અસમંજસ અનુભવી રહ્યા છે. જેમણે કોરોનાની રસી લીધી હોય અને જેમણે રસી ના લીધી હોય – તેવા બન્ને પ્રકારના લોકોને ઓમિક્રોનનું સંક્રમણ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના અગ્રણી વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે, રસી હજી પણ અસરકારક સાબિત થઈ રહી છે. કારણ કે, ઘણા દેશોમાં ઓમિક્રોનના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી હોવા છતાં આ રોગની ગંભીરતા નવા સ્તરે નથી પહોંચી. ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે, મોટાભાગના લોકો હળવી સારવારથી સ્વસ્થ થઈ રહ્યા છે. એવું લાગી રહયું છે કે, વેકસિન સુરક્ષાત્મક સાબિત થઈ રહી છે. ક્રિટિકલ કેરની જરૂરિયાત નથી વધી રહી. આ એક સારો સંકેત છે. ટી સેલ ઈમ્યુનિટી ઓમિક્રોન સામે વધુ સારી પુરવાર થઈ છે. તે વ્યકતિને ગંભીર બિમારીથી બચાવે છે. . તેમણે લોકોને અનુરોધ કરતા કહયું હતું કે, જો તમે વેકસિન ના લીધી હોય તો તમારે ઝડપથી વેકસિન લઈ લેવી જોઈએ.