UPના CM તરીકે યોગી આદિત્યનાથે ઇતિહાસ રચ્યો

 

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવો ઇતિહાસ રચ્યો છે. યોગી ઉત્તર પ્રદેશના એકમાત્ર એવા મુખ્ય પ્રધાન બન્યા છે, જે સતત ૬ વર્ષ સુધી આ પદ પર રહ્યા. તેમના પહેલા, સંપૂર્ણાનંદ એકમાત્ર એવા નેતા હતા જેમણે ૫ વર્ષ અને ૩૪૫ દિવસ સુધી આ પદ સંભાળ્યું હતું. 

યોગી આદિત્યનાથ ૧૯ માર્ચ ૨૦૧૭ના રોજ પ્રથમ વખત દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા. આ પછી ૨૦૨૨માં ભાજપને ઉત્તર પ્રદેશમાં બહુમતી મળી અને યોગી ફરી એકવાર મુખ્ય પ્રધાન બન્યા. યોગી ઉત્તર પ્રદેશના એવા પહેલા નેતા છે જેઓ પોતાનો પ્રથમ કાર્યકાળ પૂરો કરીને બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા છે. 

જોકે, ગોવિંદ વલ્લભ પંત, ચૌધરી ચરણ સિંહ, હેમવતી નંદન બહુગુણા, નારાયણ દત્ત તિવારી, વિશ્ર્વનાથ પ્રતાપ સિંહ, મુલાયમ સિંહ યાદવ, કલ્યાણ સિંહ, માયાવતી, રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓ યુપીના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ મુખ્યપ્રધાને સળંગ ૫ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી. 

નારાયણ દત્ત તિવારી ત્રણ વખત રાજ્યના મુખ્યપ્રધાન હતા, જ્યારે ભાજપના નેતા કલ્યાણ સિંહ બે વાર મુખ્ય પ્રધાન બન્યા હતા. યોગી પહેલા અખિલેશ યાદવ યુપીના એકમાત્ર એવા મુખ્ય પ્રધાન રહ્યા છે જેમણે પોતાનો એક કાર્યકાળ પૂરો કર્યો હતો. 

જોકે, તેઓ બીજી વખત સત્તામાં પાછા આવી શક્યા નથી. દેશના કોઈપણ રાજ્યને પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આપવાનો શ્રેય પણ ઉત્તર પ્રદેશને જ જાય છે. નામ હતું સુચેતા ક્રિપલાણી. તેમણે ૧૯૫૨માં ગોરખપુર સેન્ટ્રલથી સંસદીય ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. 

૧૯૬૨માં, તેમણે મેહદવલથી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને સંઘના ચંદ્રશેખર સિંહને હરાવ્યા હતા. તેઓ ૨ ઓક્ટોબર ૧૯૬૩થી ૧૩ માર્ચ ૧૯૬૭ સુધી રાજ્યના મુખ્યમંત્રી પણ રહ્યાં હતાં.