ડિપાર્ટમેન્ટ ઑફ લૅબરના નિયમોનો ભંગ ના થાય તે માટે શું કરવું જોઈએ

0
521

 

 

H-1B વીઝા પ્રોગ્રામ હેઠળ નોકરીદાતા ચોક્કસ કામગીરી માટે નોન-ઇમિગ્રન્ટ્સને નોકરીએ રાખી શકે છે, પરંતુ તેના માટે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA) અનુસાર H-1B વર્કરને સ્થાનિક પગારધોરણ કરતાં વધારે વેતન આપવું પડે. અમેરિકાના કામદારોની રોજગારી અને વેતન જાળવવા આ નિયમ છે. H-1B વીઝા પર વિદેશથી વર્કરને નોકરી આપતાં પહેલાં ડિપાર્ટમેન્ટ ઑફ લૅબર (DOL) પાસેથી મંજૂરી લેવી જરૂરી છે. કાયદામાં વિશેષ કામગીરીની વ્યાખ્યા આપતા જણાવાયું છે કે ખૂબ ઊંચા જ્ઞાનની જરૂર પડે તથા બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર પડે તે. કંપનીએ H-1B વર્કરને જોબ પર રાખતા પહેલાં DOLને લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) કરીને તેના માટેની મંજૂરી મેળવવી જરૂરી છે.

LCA અંગેના નિયમોના પાલન માટે અને કર્મચારી માટે LCA તૈયાર કરવામાં કંપનીએ ખૂબ કાળજી રાખવી જોઈએ. જાણ્યે કે અજાણ્યે LCA માટે કોઈ ખોટી વિગતો આપવામાં આવે કે ખોટી સપોર્ટિંગ દસ્તાવેજો રજૂ કરવામાં આવે કે તેવું કરવા માટે અન્યને કોઈ પ્રકારે સહાય કરવામાં આવે કે સલાહ આપવામાં આવે તેને ફેડરલ ગુનો ગણવામાં આવે છે. આવા ગુના બદલ પાંચ વર્ષ સુધી કેદ અને દંડ અથવા બંને થઈ શકે છે. LCA તૈયાર કરવામાં ગેરરીતિ અથવા ખોટી માહિતી અપાય તો તે બદલ ETA 9035 આધારે સજા પણ થઈ શકે છે.

 

LCA દાખલ કર્યા વિશેની નોટિસ ક્યાં પ્રદર્શિત કરવી જોઈએ?

LCA માટે જરૂરી છે કે વર્કર જોબ પર રાખવાના છે તે વિશેની નોટિસ આપવામાં આવે. LCA દાખલ કરવામાં આવી છે તેની નોટિસ જાહેર રીતે દર્શાવવી જરૂરી છે. જે કામગીરી માટે કલેક્ટિવ બાર્ગેનિંગ પ્રતિનિધિ ઉપલબ્ધ હોય ત્યારે તેને જરૂરી બધી વિગતો અને દસ્તાવેજો સાથે LCAની નકલ આપવી જરૂરી છે.

બાર્ગેનિંગ પ્રતિનિધિ ના હોય ત્યારે અન્ય બે રીતે નોટિસ આપવી જરૂરી બને છે. H-1B કર્મચારીની ભરતી કામના જે સ્થળે થવાની હોય તે સ્થળે નજરે ચડે તેવી બે જગ્યાઓ પર LCA ફાઇલ કર્યાની નોટિસ ચીટકાવવી જરૂરી છે. બીજી રીત ઇલેક્ટ્રોનિક પદ્ધતિએ નોટિસ આપવાની છે. કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને તથા કંપની જે સ્થળે કામ કરતી હોય તે જગ્યાના માલિક કે તે જગ્યાએ કામગીરી કરી રહેલા માલિકના કર્મચારીઓને પણ નોટિસ મળે તે રીતે ઇલેક્ટ્રોનિકલી તેને જાહેર કરવી જોઈએ. અન્ય કોઈ ઓફિસે H-1B નોન-ઇમિગ્રન્ટની નિમણૂક થવાની હોય ત્યાં પણ નોટિસ લગાવવી જરૂરી છે. LCA દાખલ કરવાની હોય તેના 30 દિવસ પહેલાં નોટિસ લગાડવી જોઈએ અને નોટિસ 10 દિવસ સુધી લગાડેલી રહેવી જોઈએ.

વર્કરની ભરતી બાદ થર્ડ પાર્ટીની અન્ય જગ્યાએ કામ કરવા મોકલવાનો હોય તો તેવી સેકન્ડરી સાઇટ્સ પર પણ નોટિસ લગાવવી જરૂરી છે. થર્ડ પાર્ટીની જગ્યાએ નોટિસ લાગી શકે તેમ ના હોય કે તે સ્થળના માલિક મનાઈ કરે તેવા સંજોગોમાં પણ નોકરીદાતા કંપનીની જ જવાબદારી બને છે. આ ઉપરાંત નોટિસ ક્યારે અને કેવી રીતે લગાવાઈ, કઈ જગ્યાએ લગાવાઈ હતી તેની નકલો અને તે અંગેની નોંધ તથા લગાવ્યાની તારીખો વગેરે વિગતો સાચવી રાખવી જરૂરી છે.

 

H-1B વર્કર્સ અંગે કંપનીઓની અન્ય જવાબદારીઓ અને વિલફુલ વાયોલેટર્સ

H-1B કર્મચારી પર આધારિત કંપની કઈ તેની વ્યાખ્યા જોઈએ તો જે કામગીરી માટે ભરતી કરવાની હોય તે પ્રકારના 25 કે ઓછા કર્મચારીઓ હોય, તેમાંથી ઓછામાં ઓછા 8 H-1B વર્કર્સ હોય; અથવા 26થી 50 એ જ કક્ષાના કર્મચારીઓ હોય અને તેમાં ઓછામાં ઓછા 13 H-1B વર્કર્સ હોય; અથવા તો 51 કે તેથી વધુ સમાન કક્ષાના વર્કર્સ હોય અને તેમાં ઓછામાં ઓછા 15 ટકા કે વધુ H-1B કર્મચારીઓ હોય. આવી કંપનીને H-1B ડિપેન્ડન્ટ એમ્પ્લોયર ગણવામાં આવે છે.

આ દરજ્જો છે કે નહીં તે નક્કી કરવાનું મુશ્કેલ લાગતું હોય ત્યાં ‘સ્નેપ-શોટ ટેસ્ટ’ કરી શકાય છે. કુલ કેટલા કર્મચારીઓ (H-1B સહિત) કામ કરે છે અને તેમાં કુલ H-1B કર્મચારીઓ કેટલા તેની સરખામણી કરી શકાય. આવી સરખામણીથી લાગે કે નાની કંપની H-1B ડિપેન્ડન્ટ એમ્પ્લોયર સાબિત થઈ શકે છે, ત્યારે સ્ટેટસ નક્કી કરવા સંપૂર્ણપણે ગણતરી કરી લેવી જોઈએ. મોટી કંપનીમાં 15 ટકાથી વધુ કર્મચારીઓ H-1B વર્કર્સ હોય ત્યારે સંપૂર્ણપણે ડિપેન્ડન્સી સ્ટેટસ ગણી લેવું જોઈએ.

સ્ટેટસ સાબિત થતું હોય છતાં અરજી ના થઈ હોય ત્યારે વિલફુલ ડિફોલ્ટર ગણી શકાય. LCA ફાઇલ કરવામાં આવે તેના પાંચ વર્ષ અગાઉની (અને 20 ઑક્ટોબર 1998 પછીની) કોઈ પણ વિગતો ખોટી રીતે રજૂ કરવામાં આવી હોય તો પણ વિલફુલ વાયોલેટર ગણી લેવામાં આવશે. H-1B ડિપેન્ડન્ટ હોય તે અથવા વિલફુલ વાયોલેટર કંપનીએ સ્પષ્ટપણે જણાવવું પડે કે H-1B વીઝા ફાઇલ કરતી વખતે અમેરિકાના કોઈ નાગરિકને નોકરીમાંથી દૂર કર્યો નથી. કોઈની નોકરી જતી રહી નથી તે અંગે વિશેષ તપાસ કરાવવાની રહેશે. સાથે જ કંપનીએ ખાતરી આપવી પડશે કે અમેરિકન વર્કર્સને નોકરી રાખવા માટે કંપનીએ પ્રયાસો કર્યા હતા. જે જોબ માટે H-1B વર્કર વીઝા માગવામાં આવ્યા હોય તે જોબ એ જ કક્ષાની કે વધારે સારી લાયકાત ધરાવનારા અમેરિકન વર્કર્સને ઓફર કરવામાં આવી હતી તે પણ દર્શાવવું પડશે.

 

H-1B કર્મચારીને ચૂકવાતા પગારનો રેકર્ડ રાખવો જરૂરી

આ અંગેના કાયદા પ્રમાણે એ પણ જરૂરી છે કે LCA કરવામાં આવે તેમાં H-1B નોન-ઇમિગ્રન્ટ વર્કર્સને કેટલું વેતન ચૂકવાશે તે જણાવવામાં આવ્યું હોય. આ પ્રકારનું પગારધોરણ અથવા વળતર સમાન અનુભવ અને લાયકાત ધરાવનારા અન્ય કર્મચારીઓને ચૂકવાતા વેતન જેટલું જ કે તેનાથી વધારે હોવું જોઈએ. અથવા સમાન પ્રકારની કામગીરી માટે પ્રવર્તમાન પગારધોરણ હોય તેનાથી વધારે પગાર હોવો જોઈએ.

દાયકાઓ અગાઉ આ અંગે એક ચુકાદો અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપ્યો હતો, તેમાં એપ્લોયર પર જ પુરાવો આપવાની જવાબદારી ઠેરવવામાં આવી હતી. ફેર લેબર સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ હેઠળના એક કેસમાં અદાલતે કહ્યું કે કોઈ વર્કર પોતે કામગીરી બજાવી હતી, પણ પૂરતું વળતર કે પગાર મળ્યા નહોતા તેવી ફરિયાદ કરીને સાબિતી આપી તે પછી તેને ખોટી ઠરાવવાની જવાબદારી કંપની પર આવે છે. ચુકાદા પ્રમાણે કર્મચારી પોતે કરેલું કામ અને તેની સામે મળેલું વળતર તે વિશે વાજબી પુરાવા રજૂ કરે અને દાવો કરે કે યોગ્ય વળતર મળ્યું નથી, ત્યાર પછી તેને ખોટું સાબિત કરવાની જવાબદારી કંપની પર આવે છે. કંપનીની જવાબદારી બને કે ખરેખર કેવી કામગીરી બજાવાઈ હતી તેની સાબિતી આપી કર્મચારીની વાતને અયોગ્ય ઠેરવે. કોર્ટે જણાવ્યું હતું કે ચોક્કસ કેવા પ્રકારની કામગીરી કરાવાઈ હતી તેનો રેકર્ડ રાખવાની જવાબદારી કંપનીની હોય છે.

આ રીતે વર્કર પુરાવાઓ રજૂ કરી અને તેના પરથી લાગે કે કંપનીએ પૂરતું વળતર નથી આપ્યું ત્યારે કંપની માથે જવાબદારી આવે છે કે તેણે દાવા પ્રમાણેનું વળતર કેમ નહોતું આપ્યું તે સાબિત કરે. કંપની પોતાની વાત પુરવાર ના કરી શકે તેવા સંજોગોમાં પાછલી અસરથી વળતર ચૂકવવાની જવાબદારી આવી શકે છે.

 

પાછલી અસરથી વેતન અંગે એક વર્ષની મર્યાદા લાગુ પડતી નથી

LCAમાં દર્શાવાયેલી શરતો પ્રમાણે વેતન ના ચૂકવાયું હોય તેવા સંજોગોમાં કર્મચારીની અથવા સંસ્થાઓની ફરિયાદ DOL સ્વીકારે છે. DOL પોતાની રીતે તપાસ કરે તેમાં ખ્યાલ આવે તો પણ ફરિયાદ થઈ શકે છે. નિયમભંગ થયો હોય તે તારીખ પછીના 12 મહિનાના સમયગાળા સુધીમાં કર્મચારી ફરિયાદ કરી શકે છે. જોકે એક વર્ષની આ મર્યાદા પાછલી મુદતથી ચૂકવણીની બાબતમાં લાગુ પડતી નથી.

કંપની જો ‘જરૂરી વેતન’ H-1B વર્કરને ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેને પાછલી અસરથી ચૂકવણી કરવા કે ખૂટતી રકમ ચૂકવવાનો આદેશ થઈ શકે છે. પગાર ધોરણ કેટલું હોવું જોઈએ તે નક્કી કરવા માટે એડમિનિસ્ટ્રેટર લેબર વિભાગના એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ એડમિનિસ્ટ્રેશન (ETA)નો સંપર્ક કરી શકાય છે. કંપની પોતે કઈ રીતે પગાર ધોરણ નક્કી કર્યું તે દર્શાવવામાં નિષ્ફળ જાય ત્યારે એડમિનિસ્ટ્રેટર કંપનીના લેટર ઑફ સપોર્ટ અને I-129 Formsનો આધાર લઈ શકે છે, જે USCISમાં H-1B પિટિશન માટે રજૂ કરવામાં આવ્યા હોય.

 

H-1B નિયમોના ભંગ બદલ દંડ અને ડિબારમેન્ટ

જો નિયમનો ભંગ ઇરાદાપૂર્વક થયો હોય તો WHD એડમિનિસ્ટ્રેટર 5,000 ડૉલરથી વધુ નહીં એટલો દંડ કરી શકે છે. નોટિફિકેશનના નિયમોનો ભંગ હોય અથવા અમેરિકન વર્કર્સની નોકરી ગઈ હોય તેવા કિસ્સાઓમાં નિયમભંગ પ્રમાણે દરેક કિસ્સા પ્રમાણે 1,000 ડૉલરથી વધારે નહીં એટલો દંડ કરી શકે છે.

એડમિનિસ્ટ્રેટર સાત બાબતોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી શકે છે: (1) કંપનીનો ભૂતકાળમાં નિયમભંગ અંગેનો ઇતિહાસ; (2) નિયમભંગને કારણે કેટલા વર્કર્સને અસર થઈ; (3) નિયમભંગની ગંભીરતા; (4) કંપનીએ નિયમો અને કાયદા પાળવા કરેલા પ્રયાસોનું વાજબીપણું; (5) નિયમભંગ બદલ કંપનીએ કેવો બચાવ કર્યો; (6) ભવિષ્યમાં નિયમપાલન વિશે કંપનીની પ્રતિબદ્ધતા; અને (7) નિયમભંગ મારફત કંપનીને કેટલો આર્થિક ફાયદો થયો અને તેનાથી અન્ય લોકોને કેટલું નુકસાન થયું તે.

ઇરાદાપૂર્વક પગારધોરણ કરતાં ઓછું વેતન ચૂકવે તેવી કંપની પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી શકાય છે. નોટિસ આપવામાં નિષ્ફળતા માટે એક વર્ષનો પ્રતિબંધ આવી શકે છે. ડિસ્પ્લેમેન્ટ ઇન્ક્વાયરી કંપનીએ કરી ના હોય ત્યારે એક વર્ષનો પ્રતિબંધ મૂકી શકાય છે. આવા નિયમભંગ અજ્ઞાનને કારણે, એટર્ની અથવા કર્મચારીની ભૂલને કારણે થયા છે એવું બહાનું ચલાવી લેવાતું નથી.

H-1B એપ્લોયર કંપની માટે આ પ્રકારનો પ્રતિબંધ આવે તે સૌથી મોટું જોખમ હોય છે. આવા પ્રતિબંધોથી કંપનીનું કામકાજ ખોરવાઈ શકે છે.

અમેરિકાના સિટીઝનશીપ અને ઇમિગ્રેશન લૉઝ વિશે આ પ્રકારની વધારે માહિતી અને જરૂરી માર્ગદર્શન મેળવવા માગતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here