SGVP સંસ્થાના પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી પંચભૌતિક દેહનો કરાયેલ અગ્નિસંસ્કાર

અમદાવાદ : SGVP સંસ્થાના યજ્ઞપ્રિય, ભજનાનંદી સંતવર્ય પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતાં વૈદિક પરંપરા મુજબ પરમહંસો માટે અંતિમ સંસ્કાર બ્રહ્મમેધ સંસ્કાર સાથે અગ્નિ સંસ્કાર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થધામ ગઢપુર ખાતે ઉન્મત ગંગાકિનારે અગ્નિ સંસ્કાર સંપન્ન થયો. 

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મંત્રીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા SGVP સંસ્થામાં ખાસ પધાર્યા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનામ્ સંસ્થાના પવિત્ર અને ભજનાનંદિ સંત પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તારીખ ૧૨ એપ્રિલ ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે હરિસ્મરણ કરતા કરતા અક્ષરવાસી થયા છે. પુરાણી સ્વામી નામ થી પ્રસિદ્ધ તેમજ યજ્ઞ અનુષ્ઠાનમાં સાથે સેવા અને ભજનના આરાધક સંતવર્ય ભક્તિપ્રકાશ દાસજી સ્વામી એક ઉત્તમ સંતને શોભે એવું જીવન પૂર્ણ કરીને ભગવાન શ્રીહરિના અક્ષરધામમાં બિરાજમાન થઈ ગયા.

અંતિમવિધિમાં હાજર રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓએ પૂજ્ય પુરાણી સ્વામીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કુંડળધામ ના પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એ આ સંતવર્ય ને સંપ્રદાયના સંત જીવનના આધાર સમા ગણાવીને શાસ્ત્રીજી મહારાજનો યજ્ઞ અનુષ્ઠાનમાંનો વારસો જાળવણી કરનાર સંત તરીકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

એસજીવીપી સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પુરાણી સ્વામીની અનુષ્ઠાન પરંપરા અને યજ્ઞ પરંપરાને સદાય જીવંત રાખવા માટે આગામી આયોજન અંગે જાહેરાત કરીને ગદગદ હૃદયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે જે ગામને ગોકળિયું ગામ કહેલ તે સરધારની બાજુનું ભૂપગઢ ગામ,તે ગોપીનાથજી મહારાજનું ગામ કહેવાય છે. આ ગામમાં સત્સંગ માટે માથું આપે તેવા શૂરવીર ભકતો રહેછે.આ જ ગામમાં ભકત પરિવારમાં સ્વામી ભકિતપ્રકાશદાસજી સ્વામીનો જન્મ થયેલો. સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ ભકિતપ્રકાશદાસજી સ્વામીના નાનપણના જીવનનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું હતું કે તેઓ એકવાર નાનપણમાં પુરાણી સ્વામી મૃતપ્રાય થઇ ગયેલ ત્યારે તેના પૂર્વાશ્રમના પિતાએ ગોપીનાથજી મહારાજને પાસે પાર્થના કરી કે જો  પુત્ર જીવતો થાય તો ગોપીનાથજી મહારાજને અર્પણ કરું. ભગવાનની ઇચ્છાથી પુત્ર જીવીત થયો ને તેમના પિતાશ્રીએ ગોપીનાથજી મહારાજને અર્પણ કરેલ. જેણે પ્રાણ આપ્યો તેને પ્રાણ લેવાનો પણ અધિકાર છે. પુરાણી સ્વામી તો સંતો અને શાસ્ત્રીજી મહારાજ કડી રુપ હતા. પુરાણી ભકિત- પ્રકાશદાસજી સ્વામીએ જે યજ્ઞયાગાદિ પરંપરા ચલાવેલ તે તેમજ ચાલુ રહેશે. આ પ્રસંગે હજારો હરિભકતોએ અશ્રુભીની આંખોએ સ્વામીને વિદાય આપી હતી.