RSSના મોદી જુઠ્ઠાણું ચલાવે છેઃ રાહુલ ગાંધીનો ભાજપને જવાબ

નવી દિલ્હીઃ નાગરિકતા બિલના મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતાં કહ્યું છે કે RSS ના વડા પ્રધાન ભારત માતા સાથે જુઠ્ઠું બોલે છે. તેમણે પોતાના નિવેદનના સમર્થનમાં આસામમાં ડિટેન્શન સેન્ટર સાથે જોડાયેલો એક વિડિયો રજૂ કર્યો છે, જેમાં સેન્ટરનું બાંધકામ થતું નજરે પડે છે. એની સાથે રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીનું એ ભાષણ ટ્વીટ કર્યું છે, જેમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી.
આ ભાષણ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રામલીલા મેદાન પર યોજાયેલી રેલીમાં આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને અર્બન નક્સલવાદીઓએ ડિટેન્શન સેન્ટર અંગે જે પણ અફવાઓ ફેલાવી છે એ દેશને બરબાદ કરવાના ઇરાદથી ફેલાવાઈ છે. આ જુઠ્ઠાણું છે, જુઠ્ઠાણું છે અને જુઠ્ઠાણું છે. આ દરમિયાન ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધીને જવાબ આપતાં કહ્યું હતું કે તમને ભારત માતાની યાદ આવે એ પણ આશ્ચર્ય છે, કારણ કે તમારા માટે તો એક જ માતા છે. સાપ-સીડીની તમે જે રમત રમી રહ્યા છો એમાં ઊંધા મોઢે પછડાવાના છો. સીએએ, એનઆરસી અને એનપીઆર પર તમે જ ભ્રમ ઊભા કરી રહ્યા છો. તમે અકસ્માતે નેતા થઈ ગયા છો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે દેશને ભ્રમમાં નાખ્યો છે કે આખા દેશમાં ડિટેન્શન સેન્ટર બની રહ્યાં છે. કોઈ બચશે નહિ. આસામ અંગે તો તમામને ખબર છે કે ત્યાં ડિટેન્શન સેન્ટર છે અનેે કોંગ્રેસ કહી રહી છે કે અમે જ બનાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ટ્વિટર પર જે તસવીર મૂકી છે એ આસામના મટિયા નામના ગામની છે, જ્યાં ડિટેન્શન સેન્ટર બની રહ્યું છે, જેનું કામ ડિસેમ્બર ૨૦૧૮થી ચાલી રહ્યું
છે.