
મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના શેર સોમવારે તેના ઓલટાઇમ ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયા છે. તે જ સમયે, કંપનીની માર્કેટ કેપ ૧૨.૩૧ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ પહેલા ૧૦ જુલાઈએ કંપનીની માર્કેટ કેપ ૧૧.૯૦ લાખ કરોડ હતી. શુક્રવાર, ૧૦ જુલાઇની તુલનામાં તેનો શેર ૩૦ રૂપિયા વધ્યો. અત્યાર સુધીના ટ્રેડિંગ દરમિયાન, તે ૩.૨૧ ટકાનીની મજબૂતીથી ૧૯૪૭ની ઊંચી સપાટી પર પહોંચી શક્યો છે. કંપનીની માર્કેટ કેપ ૧૨.૩૧ લાખ કરોડ પર પહોંચી ગઈ છે.
હકીકતમાં, આરઆઈએલએ જિઓ પ્લેટફોર્મ્સમાં વધુ એક મોટું રોકાણ કર્યું છે. તાજેતરમાં જ વાયરલેસ ટેકનોલોજી ક્ષેત્રની વિશાળ કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની ઇન્વેસ્ટમેન્ટ કંપની ક્વાલકોમ વેંચર્સે જિઓમાં ૭૩૦ કરોડના રોકાણની ઘોષણા કરી છે. આ સોદા માટે જિઓની ઇક્વિટી વેલ્યુ અંદાજે ૪.૯૧ લાખ કરોડ છે. ક્યુઅલકોમ વેન્ચર્સ જિઓ પ્લેટફોર્મમાં ૦.૧૫% હિસ્સો લેશે. ૧૨ અઠવાડિયાની અંદર જિઓ પ્લેટફોર્મ પર આ ૧૩મું રોકાણ છે. ૧૯ જૂને સાઉદી અરેબિયાસ્થિત પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ કંપનીએ રિલાયન્સ જિયોમાં ૧૧,૩૬૭ કરોડનું રોકાણ કરીને રિલાયન્સનો ૨.૩૨ ટકા હિસ્સો ખરીદી લીધો હતો. જિઓની આ ૧૧મી ડીલ હતી. આ ડીલ સાથે જ રિલાયન્સે માત્ર ૫૮ દિવસોમાં ૧.૬૮ લાખ કરોડનું કુલ ભંડોળ મેળવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ૧૯ જૂને જાહેરાત કરી હતી કે કંપની હવે દેવામુક્ત થઈ ગઈ છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતુ કે, મેં ૩૧મી માર્ચ ૨૦૨૧ ના અમારા લક્ષ્યાંક પહેલા રિલાયન્સને ધીરાણમુક્ત બનાવીને શેરધારકોને આપેલા વચનને પૂર્ણ કર્યું છે. મુકેશ અંબાણીએ ૧૨મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ૪૨મી એજીએમમાં રોકાણકારોને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં કંપનીને દેવા મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી પાસે ૧૮ મહિનામાં ધીરાણમુક્ત થવા માટેનો સ્પષ્ટ પ્લાન છે. રિલાયન્સે ૫ જૂને જાહેરાત કરી હતી કે તેણે પોતાના ડિજિટલ યુનિટમાંનો ૧.૮૫ ટકા ભાગ આબુ ધાબીસ્થિત સોવેરીન રોકાણકાર મુબાદલાને ૯૦૯૩.૬૦ કરોડમાં વેચ્યો છે. મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની જીઓ પ્લેટફોર્મ્સમાં ૪.૯૧ લાખ કરોડની ઇક્વિટી વેલ્યુ અને ૫.૧૬ લાખ કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ સાથે રોકાણ કરશે એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.