PM નરેન્દ્ર મોદીએ નેશનલ લોજિસ્ટિક પોલિસીનું અનાવરણ કર્યું

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે વૈશ્ર્વિક નિષ્ણાતોનું માનવું છે કે ભારત લોકતાંત્રિક સુપરપાવર તરીકે ઊભરી રહ્યું છે અને દેશની અસાધારણ પ્રતિભા ઈકોસિસ્ટમથી તેઓ પ્રભાવિત છે. તેઓ પણ સ્વીકારે છે કે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. નવી પોલિસી લોજિસ્ટિક સેક્ટરના પડકારોનો ઉકેલ લાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે આ નીતિના અમલ મારફત કંપનીઓના લોજિસ્ટિક ખર્ચને ૧૩ ટકાથી ઘટાડીને આઠ ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. દેશના પોર્ટ્સની ક્ષમતામાં વધારો થયો છે. કન્ટેનર વેસેલ્સના ટર્નઅરાઉન્ડો સમય પહેલાના ૪૪ કલાકથી ઘટીને ૨૬ કલાક થઈ ગયો છે. લોજિસ્ટિક કનેક્ટિવિટી સુધરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કેન્દ્ર સરકારે સાગરમાલા અને ભારતમાલા જેવી યોજનાઓ શ‚ કરી છે. પોર્ટ્સ અને ગૂડ્સ કોરિડોરને જોડવા માટે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કામમાં અભૂતપૂર્વ ગતિ આવી છે. નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ બધા જ સેક્ટર્સ માટે નવી ઊર્જા લઈને આવી છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ફેસલેસ ટેક્નોલોજી, ઈ-વે બિલ્સ તથા ફાસ્ટટેગ ટેક્નોલોજીની મદદથી લોજિસ્ટિક સેક્ટરને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિને સૌથી વધુ પ્રોત્સાહન પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી મળવાનું છે. દેશના બધા જ રાજ્ય અને કેન્દ્રશાસિત એકમો તેની સાથે જોડાઈ ગયા છે.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નવી લોજિસ્ટિક નીતિ સાથે જ દેશે વિકસિત ભારતના નિર્માણની દિશામાં આગેકૂંચ કરી છે. દેશમાં લાસ્ટ માઈલ ડિલિવરીમાં ગતિ આવશે, પરિવહન સંબંધિત પડકારો સમાપ્ત થશે, મેન્યુફેક્ચરર્સ અને ઉદ્યોગોનો સમય અને નાણાં બચે તેનું સમાધાન શોધવા માટે રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ લાવવામાં આવી છે.