ડાંગ હેવન ઓફ ગુજરાત

0
2516

આધુનિકીકરણ તરફ વેગવંતું ગુજરાત   રાજ્ય નૈસર્ગિક વન સંપદાનો અખૂટ ભંડાર છે. સાપુતારા એક હિલ સ્ટેશન છે, જે ગુજરાતની અંદર ડાંગ જિલ્લાની સહ્યાદ્રિ પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. તેનો વિસ્તાર ૧,૭૨૫ ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે, વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખૂબ જ સુંદર રહે છે અને ગરમીમાં પણ ૨૮ ડિગ્રીથી વધુ તાપમાન ત્યાં નથી હોતું. તેથી તો ઉનાળામાં તે રજાઓ ગાળવા માટેનું સુંદર સ્થળ છે. ત્યાં જવા માટેનો ઉત્તમ સમય માર્ચ અને નવેમ્બર વચ્ચેનો છે છતાં પણ તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઈ શકો છો.

સાપુતારાનો નકશો ખૂબ જ સુંદર છે. સાપુતારાના રસ્તાઓ સર્પાકાર છે તેથી તેનું નામ સાપુતારા પડ્યું છે. સાપુતારામાં હોટલો, મ્યુઝિયમ, તળાવો, બગીચાઓની ગોઠવણ જાણે કે ખૂબ જ સુંદર રીતે બનાવ્યાં હોય તેવું લાગે છે. આ ઉપરાંત ત્યાં બધા જ પ્રકારની સવલતો પણ મળી રહે છે.

ડાંગ જિલ્લો ખાસ કરીને વાંસનાં જંગલો માટે વધુ પ્રખ્યાત છે. તેથી ત્યાં વાંસની વસ્તુઓ ખૂબ જ સુંદર મળે છે.

સાપુતારામાં સાપ ખૂબ જ જોવા મળે છે. ત્યાંનાં ગામડાંના રહેવાસીઓ આ સર્પની પ્રસંગોપાત્ત પૂજા કરે છે અને ખાસ કરીને હોળીના સમયે. ત્યાંના લોકોનું નૃત્ય પણ ખૂબ જ સુંદર અને જોવાલાયક હોય છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને આદિવાસીઓની વસતિ વધુ જોવા મળે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

સાપુતારામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત એટલા સુંદર દેખાય છે જાણે કે સૂરજ આપણી એકદમ નજુક હોય તેવું લાગે છે. તે સમયે જાણે કે આપણે કોઈ અલૌકિક નજરાણું જોતા હોઈએ તેવો અદ્ભુત અનુભવ થાય છે. અહીં તળાવો પણ ખૂબ જ સુંદર છે. તળાવોની આજુબાજુ ઊંચા પર્વતો અને હરિયાળી એટલી બધી છે કે ત્યાંની બોટિંગની મજા કંઈક અનોખી જ લાગે છે. ત્યાં શ્વેત રંગનું કલાત્મક અને અતિ ભવ્ય શ્રી ગજાભિષેક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તીર્થ છે. સાપુતારાના હિલ સ્ટેશન પરથી સમગ્ર નજારો નીરખતાં તેની આસપાસનાં ગામડાંઓ એકદમ નાનાં લાગે છે!

ડાંગ એટલે લાકડી – વાંસનો શબ્દાર્થ થાય! હકીકતમાં ડાંગ ડુંગરાળ અને જંગલનો પ્રદેશ છે. અહીં સાગ-સાદડ અને વાંસનાં ગાઢ જંગલો વિસ્તૃત પ્રમાણમાં છે. રાજ્યના દક્ષિણ હિસ્સાના આ જિલ્લામાં  ગિરા, અંબિકા, પૂર્ણા, ખાપરી અને સર્પગંગા જેવી પાંચ નદીઓ વહે છે.

પહેલાં ડાંગ જિલ્લાનો એકમાત્ર આહવા તાલુકો જ હતો, પરંતુ વિભાજન પ્રક્રિયા થયા પછી અન્ય બે તાલુકાઓ વઘઈ તથા સુબિરનો ઉમેરો થયો છે. ડાંગ જિલ્લાની ૭૨ ટકા વસતિ આદિવાસી પ્રજા રહે છે.

ડાંગના આહવામાં પ્રતિ વર્ષ હોળી અવસરે ‘ડાંગ દરબાર’ ઉત્સવ ઊજવાય છે. આ આદિવાસી લોકોમાં હોળી-ધુળેટીનો મહિમા અપાર છે. ‘ડાંગ દરબાર’માં આવતા આદિવાસી યુવાનો રંગબેરંગી વસ્ત્રપરિધાન કરીને આવે છે. પગે અને કેડે ઘૂઘરા બાંધી માથે મોરપીંછનો મુગટ પહેરે છે, જ્યારે યુવાન છોકરીઓ લાલચટક સાડી અને ચાંદીનાં ઓર્નામેન્ટ પહેરીને મેળે આવે છે. ‘ડાંગ દરબાર’નો મેળો રંગીન છે. તેમાં થતાં નૃત્ય મનમોહક હોય છે. આ મેળામાં નૃત્ય કરતા લોકો પિરામિડ બનાવે છે. યુવાનો ઉપર યુવતીઓ અને વચ્ચાળે મોરપીંછવાળા મુગટમાં યુવાન હોય અને એ ચક્રને આંગળીથી ગોળ ગોળ ફેરવે તે વેળા શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર ફેરવતો હોય તેવો ભાસ થાય છે.

ગુજરાતના છેવાડાના ભાગ ડાંગનો વિકાસ નહિવત્ થયો છે. તેના લોકોમાં અક્ષરજ્ઞાનનો અભાવ ઊડીને આંખે વળગે છે. અહીંની પ્રજાની આર્થિક પરિસ્થિતિ નબળી છે. યુવાનો બુશર્ટ અને ચડ્ડી કે પેન્ટ પહેરે છે મોટા પુરુષો સફેદ ટોપી પહેરે, બહેનો દેશી સુતરાઉ કપડાં જેવાં કે સાડી, પોલકું અને ચણિયો પહેરે. ડાંગમાં વરસાદ વધારે માત્રામાં પડતો હોવાથી ત્યાંનાં ઘરો મુખ્યત્વે લાકડામાંથી વેરેલા પાટિયામાંથી બનાવેલાં હોય છે. ગારનું લીંપણ કરે, આગળના ભાગે છાપરું રાખે, જેથી માલઢોરને બાંધી શકાય. તમામ મકાનો પર ફરજિયાત દેશી નળિયાં હોય છે, મકાનને લાકડાની લાકડાની વાડ હોય છે. અહીં લાકડું પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ હોવાથી શક્ય હોય ત્યાં સુધી લોકો લાકડાંનો જ ઉપયોગ કરે છે. નાનાં નાનાં ગામડાંઓમાં ખેતીવાડી કરવા માટે નાનાં નાનાં ખેતરો છે, જેથી તેઓ માલઢોર પણ રાખે છે.

ડાંગના આદિવાસીઓ હજુ ૧૮મી સદીમાં જ રહેતા હોય તેવું તેમનું જુવન છે. તેઓ ખેતીમાંથી પાકને લાવી ખળામાં નાખે અને ત્રણ બળદોને એકસાથે રાખી ગોળાકાર ફેરવે. અહીંની મહિલાઓ સાવરણી લઈ રજકણને દૂર કરે ને અનાજને ઊપણીને ધોકા મારી એમાં ફોતરાં રહી ગયાં હોય તો એ કાઢે. ગારવાળા મકાનની ઓસરીઓમાં મહિલાઓ લાકડાના મોટા દસ્તાથી ખાંડણીમાં લાલ મરચાંને ખાંડે છે. હજુ અહીં અનાજ દળવાની ચક્કી ઓછી હોય તેમ લાગે છે. ઘણી જગ્યાએ ઘંટીથી અનાજ દળી ખાવાનો આગ્રહ રાખે છે. હું ડાંગના પ્રવાસે ગયો તે વેળા મેં પાળિયા જોયા તો ઘણી જગ્યાએ વાઘ, મોર, નાગદાદા, સૂરજદાદા અને બીજની કૃતિઓનાં રંગબેરંગી કલરથી દોરેલાં ચિત્રો  નિહાળેલાં. ગામડાંઓમાં આવેલા સિંગલ પટ્ટી રોડની આજુબાજુ આવેલાં લીલાંછમ વૃક્ષોની શૃંખલા માનવ ચેતનાને અભિભૂત કરે છે. હેરિટેજની સંગાથે આહ્લાદક આનંદપૂર્ણ પ્રવાસ કરવા એક વાર તો હેવન ઓફ ગુજરાત ડાંગ ની મુલાકાત અચૂક લેજો.

SHARE
Next articleઇ-પેપર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here