અમદાવાદઃ ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદમાં કાર્યરત એન.આર.જી. સેન્ટરમાં દિગંત સોમપુરાની માનદ્ ચેરમેન તરીકે ફરી નિયુક્તિ કરવામાં આવી છે.
છેલ્લાં દસ વર્ષથી ગાંધીનગર નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન (ગુજરાત રાજ્ય સરકાર)ના સહયોગથી અમદાવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (આશ્રમ રોડ)માં NRG સેન્ટર ચાલે છે. NRG સેન્ટરની કામગીરીને વેગવાન બનાવવા ગુજરાત ચેમ્બરે સેન્ટરને કમિટી સાથે સાંકળેલ છે. ગુજરાત ચેમ્બરના હાલના પ્રમુખ નટુભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓ પણ સેન્ટરની કામગીરીમાં વિશેષ સહયોગ આપતા રહે છે. જ્યાં શરૂથીજ સેન્ટર સાથે સક્રિય રીતે સંકળાયેલા દિગંત સોમપુરાની માનદ્ ચેરમેન તરીકે ફરીથી નિમણુંક થઈ છે. વર્ષોથી સોમપુરા સેન્ટરના મેમ્બર અને વાઇસ ચેરમેન તથા છેલ્લાં ત્રણ વર્ષથી માનદ્ ચેરમેનની જવાબદારી સંભાળી રહ્યા છે.
ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવાના એક સંનિષ્ઠ પ્રયાસ તરીકે સરકાર દ્વારા ગાંધીનગર ખાતે NRG ફાઉન્ડેશન કાર્યરત છે. ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીઓની વિશેષ ઓળખ એવા ગુજરાત કાર્ડ પણ આપવામાં આવે છે. ફાઉન્ડેશનની કામગીરી વધુ અસરકારક બને એ હેતુથી રાજ્યના વિવિધ શહેરોમાં ફ્ય્ઞ્ સેન્ટર ચલાવવામાં આવે છે.
ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ ગુજરાત સાથે આર્થિક, સામાજિક, વેપાર, વાણિજ્ય સંબંધોથી વધુ જોડાયેલા રહે એ માટેના અનેકવિધ કાર્યક્રમો અમદાવાદ સેન્ટર દ્વારા ચલાવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનમાં રાજકીય સલાહકારની સેવાઓ આપી ચૂકેલા દિગંત સોમપુરા ગુજરાત ટાઈમ્સ (અમેરિકા) સાથે પણ સંકળાયેલા છે. ઉપરાંત તેઓ વિશ્વ ગુજરાતી સમાજના સેક્રેટરી તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે