ફ્લોરિડાઃ અંતરિક્ષમાં ગયેલા સ્પેસએક્સ અને નાસાના બે અંતરિક્ષયાત્રીઓ ધરતી પર પાછા ફરી રહ્યાં છે. એસ્ટ્રોનટ્સ Robert Behnkenઅને Douglas Hurleyએ સ્પેસ સ્ટેશન છોડી દીધુ છે અને ધરતી તરફ આગળ વધી રહ્યાં છે. સ્પેસએક્સ અને નાસા ૪૫ વર્ષમાં પહેલીવાર કોઈ અંતરિક્ષયાત્રીને સીધા સમુદ્રમાં ઉતારવા જઈ રહ્યાં છે.
અંતરિક્ષ એજન્સી નાસાએ ટ્વિટ કરીને જણાવ્યું કે સ્પેસએક્સ ડ્રેગન એન્ડેવર અંતરિક્ષમાંથી નીકળી ચૂક્યું છે અને ધરતી પર આવી રહ્યું છે. નાસાએ ટ્વિટ કરીને જણાવ્યું કે ડ્રેગન એન્ડેવર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ચારેબાજુ હાજર અપ્રોચ એલિપસોઈડથી બહાર નીકળી ગયું છે અને સુરક્ષિત સ્થળે છે.
નાસાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરતા લખ્યું કે સ્પેસએક્સ ડ્રેગન એન્ડેવર સતત નીચેની તરફ આગળ વધી રહ્યું છે અને સ્પેસ સેન્ટરના ઓર્બિટની સામે છે. અમારા ક્રુની ધરતી માટે મુસાફરી ચાલુ છે.
આ બાજુ ચક્રવાત ઈસાયસે શનિવારે સવારે બહામાસમાં તબાહી મચાવી અને હવે ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતના કારણે અંતરિક્ષયાત્રીઓના લેન્ડિંગમાં થોડી મુશ્કેલી આવી શકે છે. જેને ધ્યાનમાં રાખતા આ તોફાન પર ખુબ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. તોફાન ફ્લોરિડાના પૂર્વ કાંઠે ટકરાય તેવી આશંકા છે.
અત્રે જણાવવાનું કે ૨૦૧૧ બાદ પહેલીવાર અમેરિકાનું કોઈ માનવ મિશન અંતરિક્ષમાં ગયું છે. નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ૩૦મી મેના રોજ આ મિશન રવાના કરાયું હતું. અંતરિક્ષયાત્રી ૩૧ મેથી જ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે. આ દરમિયાન અંતરિક્ષમાં વોક કરવા ઉપરાંત તેમણે અન્ય કેટલાક પ્રયોગ પણ કર્યાં છે.