નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો -ારંભ હવે ટૂંક સમયમાં જ થનારો છે. વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ આ વખતે યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાનારી છે અને તે માટે તમામ આઠેય ટીમ ત્યાં પહોંચી ગઈ છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડે આ માટે તમામ તૈયારીઓ કરી લીધી છે તો વિવિધ ટીમો પણ સજ્જ થઈ ગઈ છે. એક તરફ સાત ટીમ આ સિઝનનો તાજ જીતવાનો પ્રયાસ કરશે તો એક ટીમ મુંબઈ ઇન્ડિયન્સ તેનો તાજ બચાવવાનો પ્રયાસ કરશે. ૨૦૧૯માં મુંબઈની ટીમ ચેમ્પિયન બની હતી.
આ સંજોગોમાં મુંબઈ ઇન્ડિયન્સ પાસે એવા બે ઝડપી બોલર છે જે પોતાની ઘાતક બોલિંગ દ્વારા હરીફ ટીમના ગઢમાં ભંગાણ પાડી શકે તેમ છે. આ બોલર છે જસપ્રિત બુમરાહ અને ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ. આ બંને બોલર આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ માટે બ્રહ્માસ્ત્ર પુરવાર થઈ શકે છે. IPL આ વખતે મુંબઈ ઇન્ડિયન્સની તમામ મેચ દરમિયાન આ બંને બોલર પર જ નજર રહેશે. કેપ્ટન રોહિત શર્મા માટે આ વિશેષ ટુર્નામેન્ટ કહી શકાય કેમ કે તેની પાસે વિશ્વના બે ઉમદા બોલર છે. જોકે તેમાં લસિત મલિંગાનો સમાવેશ થયો હોત તો તો મુંબઈની ટીમ આ ત્રિપૂટીની મદદથી પોતાનું ટાઇટલ આસાનીથી જાળવી રાખી શકે
તેમ હતી.
આઇસીસીના વન-ડે ક્રિકેટ ક્રમાંકમાં હાલમાં ટ્રેન્ટ બોલ્ટ મોખરે છે તો બીજા ક્રમે જસપ્રિત બુમરાહ છે. ટ્રેન્ટ બોલ્ટને પહેલી વાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ખરીદવામાં આવ્યો છે અગાઉ તે દિલ્હી કેપિટલ્સ માટે રમતો હતો. જ્યારે બુમરાહ શરૂઆતથી જ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે.