IPL ૨૦૨૦માં મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વિકેટે જીત સાથે પાંચમીવાર ચેમ્પિયન

 

દુબઇઃ છેલ્લા બાવન દિવસથી દુબઇ, શારજાહ તેમજ અબુધાબીના મેદાનો પર છવાયેલી અને ક્રિકેટરસિયાનું ભરપૂર મનોરંજન કરનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૩મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હાર આપીને ઇતિહાસ રચી દીધો હતો. દુબઇના મેદાન પર દિલ્હીએ ૨૦ ઓવરમાં સાત વિકેટ ખોઇને ૧૫૬ રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. સુકાની રોહિત શર્મા (૬૮)ની અર્ધસદીનાં બળે પાંચમી વખત ટી-૨૦ સંગ્રામમાં મુંબઇએ મેદાન માર્યું હતું. પરિણામે પહેલીવાર ચેમ્પિયન બનવાનું દિલ્હીનું સ્વપ્ન રોળાયું હતું અને સુકાની શ્રેયસ ઐય્યર (૬૫)ની અણનમ અર્ધસદી એળે ગઇ હતી. 

આજની આ મેચ સાથે કોરોનાકાળમાં રમાયેલી IPL અંત આવ્યો હતો. સામાન્ય લક્ષ્યને આંબીને જીતના જુસ્સા સાથે મેદાન પર ઉતરેલા સુકાની રોહિત શર્માએ ૫૧ બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર ગગનચૂંબી છગ્ગા સાથે વિસ્ફોટક ૬૮ રન બનાવી કેપ્ટન ઇનિંગ રમીને ક્રિકેટરસિયાઓને ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. સામો છેડો સાચવવાના પ્રયાસમાં ડિ’કોકે ૨૦ રન કર્યા હતા. 

મહત્ત્વના મુકાબલામાં છેલ્લા દડા સુધી ક્રિઝ પર ટકી રહેલા ઇશાન કિશને માત્ર ૧૯ દડામાં ત્રણ ૩૩ રન ફટકારી દેતાં જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલાં ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર દિલ્હી કેપિટલ્સે શરૂઆતના ધબડકામાંથી ઉગરીને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧પ૬ રનનો પડકારરૂપ સ્કોર નોંધાવવામાં સફળતા મેળવી હતી. દિલ્હી તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર (અણનમ ૬પ) અને વિકેટકીપર-બેટસમેન ઋષભ પંત (પ૬)એ અર્ધસદી ફટકારી હતી. જયારે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ફરી એકવાર કિવિ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કાતિલ બોલિંગ કરીને ૩૦ રનમાં ૩ વિકેટ લીધી હતી. 

ફાઇનલની નિર્ણાયક ટક્કરમાં દિલ્હીની શરૂઆત નબળી રહી હતી. મેચના પહેલા જ દડે દિલ્હીની ટીમનો હુકમનો એક્કો માર્કસ સ્ટોઇનિસ બોલ્ટનો શિકાર બનીને વિકેટ પાછળ ડિ’કોકને કેચ આપીને આઉટ થયો હતો. શૂન્ય રને પહેલી વિકેટ ગુમાવ્યાની કળ હજુ દિલ્હીને વળી ન હતી, ત્યાં ફરી બોલ્ટ ત્રાટકયો હતો અને અજીંકેય રહાણેને બે રને આઉટ કર્યો હતો. આ પછી સિઝનની પહેલી મેચ રમી રહેલા સ્પિનર જયંત યાદવે શિખર ધવનને કલીન બોલ્ડ કરીને નિર્ણાયક વિકેટ લીધી હતી. ધવને ૧પ રન કર્યાં હતા. ૨૨ રનમાં ૩ વિકેટ પડી ગયા બાદ દિલ્હીના સુકાની શ્રેયસ અય્યર અને ઋષભ પંતે મુંબઇના બોલરોનો મકકમતાથી સામનો કરીને સ્ટ્રોકફુલ બેટિંગ કરી હતી. બંનેએ રન રફતાર જાળવી રાખીને ચોથી વિકેટમાં ૬૯ દડામાં ૯૬ રનની ઝડપી ભાગીદારી કરીને દિલ્હીને ફાઇનલમાં ધબડકામાંથી ઉગારી લીધું હતું. ઋષભ પંત શાનદાર અર્ધસદી કરીને નાઇલના દડામાં આઉટ થયો હતો. તેણે ૩૮ દડામાં ૪ ચોકકા-૨ છગ્ગાથી પ૬ રન કર્યાં હતા. આ પછી હેટમાયર પાંચ અને અક્ષર પટેલ ૯ રને પાછા ફર્યાં હતા. બીજી તરફ સુકાની અય્યરે એક છેડો સાચવી રાખીને દિલ્હીને અંતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧પ૬ રને પહોંચાડયું હતું. શ્રેયસ અય્યર પ૦ દડામાં ૬ ચોકકા અને ૨ છગ્ગાથી કેપ્ટન ઇનિંગ રમીને ૬પ રને નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી આખરી પાંચ ઓવરમાં ૩૭ રનનો જ ઉમેરો કરી શકી હતી અને આ દરમિયાન ૩ વિકેટ ગુમાવી હતી. મુંબઇ તરફથી બોલ્ટને ૩, નાઇલને ૨ અને યાદવને ૧ વિકેટ મળી હતી. બુમરાહે ચુસ્ત બોલિંગ કરીને ૪ ઓવરમાં ૨૮ રન આપ્યા હતા, પણ વિકેટ પ્રાપ્ત થઇ ન હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here