GCMMFના ચેરમેનપદે શામળભાઈ પટેલ, વાઈસ ચેરમેનપદે વાલમજીભાઈ હુંબલ

 

આણંદઃ આણંદ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. દૂધ અને દૂધના ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી સહકારી ધોરણે સ્થપાયેલી ધી ગુજરાત મિલ્ક કો.ઓ. માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનપદે સાબરકાંઠા ડેરીના શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેનપદે કચ્છ ડેરીના વાલમભાઈ હુંબલની સર્વાનુમતે વરણી કરવામાં આવતાં તમામ અટકળોનો અંત આવ્યો છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું બાવન હજારનું ટર્નઓવર છે. દૂધ ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેના મુખ્ય સેતુ તરીકે કામ કરે છે. જેના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીને લઈને અનેક અટકળો વહેતી થઇ હતી જેમાં રામસિંહ પરમાર અને જેઠાભાઈ ભરવાડને રીપીટ કરાશે અથવા શંકરસિંહ ચૌધરીને ચેરમેન બનાવાશે તેવી ચર્ચાઓ થતી હતી. જોકે સરકાર જેના નામનો મેન્ડેટ મોકલે તે જ સર્વાનુમતે ચૂંટાય છે. સરકારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં નો રીપીટની થીયરી અપનાવી રામસિંહ પરમાર અને જેઠાભાઈ ભરવાડની જગ્યાએ સાબરકાંઠા ડેરીના શામળભાઈ પટેલને ચેરમેન તેમજ કચ્છ ડેરીના વાલમભાઈ હુંબલની વાઈસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ ડેરીના ડિરેક્ટરોએ નવા વરાયેલ ચેરમેન અને વાઈસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા.

ભાજપના બે નિરીક્ષકો આઈ. કે. જાડેજા અને શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા ડેપ્યુટી કલેક્ટરની ઉપસ્થિતિમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા ચૂંટાયેલા ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોને સારામાં સારો ભાવ મળે તે અભિગમ સાથે બોર્ડના અન્ય સાથીઓ સાથે મળીને કામ કરવામાં આવશે.

જ્યારે વાઇસ ચેરમેન વાલમભાઈ હુંબલે જણાવ્યું હતું કે મારા માટે આ ગૌરવની વાત છે કારણ કે તેમના દૂધ સંઘની રચના રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. અને આ દૂધ સંઘના ચેરમેન તરીકે મારી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઇસ ચેરમેનપદે વરણી થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી અઢી વર્ષ દરમિયાન પશુ પાલકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવામાં આવશે