નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની સહયોગી શિરોમણિ અકાલી દળે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. અકાલી દળે એની પાછળનું કારણ નાગરિકતા સંશોધન કાયદો જણાવ્યું છે. પાર્ટીના નેતા મનજિન્દર સિંહ સિરસાએ સોમવારે કહ્યું હતું કે અમે ટિકિટ કે સીટને લઈને નહિ, પણ નાગરિકતા સંશોધન કાયદાને લઈને આ નિર્ણય લીધો છે. ગઠબંધન પહેલાંની જેમ જ રહેશે, પરંતુ અમે દિલ્હીની ચૂંટણી નહિ લડીએ. મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું હતું કે શિરોમણિ અકાલી દળ તરીકે અમારું ભાજપની સાથે જૂનું ગઠબંધન છે, પરંતુ થોડા દિવસ પહેલાં અમારા નેતા સરદાર સુખબીર બાદલના સીએએ પર વલણને જોતાં અમે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે અકાલી દળનું સ્પષ્ટ માનવું છે કે અમે ધર્મના આધાર પર ભેદભાવ નહિ થવા દઈએ. અમે સીએએનું સમર્થન કરતા હતા, પરંતુ કોઈ ધર્મની વિરુદ્ધ ન થઈ શકીએ. વધુમાં તેમણે કહ્યું હતું કે અમારી છેલ્લા ત્રણ દિવસથી ભાજપની સાથે વાત ચાલી રહી હતી, પરંતુ અમે અમારા વલણથી પાછળ હટવા તૈયાર નથી. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં શિરોમણિ અકાલી દળથી હાલમાં એક ધારાસભ્ય મનજિન્દર સિંહ સિરસા છે.