ચાંદની


(પ્રકરણ – 2)
મોરેશિયસ!
નાનકડા ટાપુના દરિયાકિનારે મોસ્ટ એક્સપેન્સિવ હોટેલના મોસ્ટ લક્ઝુરિયસ સ્વીટમાં ઊતરેલી ફિલ્મ અભિનેત્રી ચાંદની નિરાંતના આરામ પછી મંગળની સાંજે બાલ્કનીમાં બેઠી નર્યા ભૂરા સમંદરને નિહાળતી ગતખંડની કડી સાંધી બેઠી.
સફળતા તો મેં જોઈ હતી… હિન્દી ફિલ્મોની કારકિર્દીના પ્રથમ દાયકામાં ધમાકેદાર સફળતા.
‘આ નામ, શોહરત કાયમી નહિ હોય દીકરી.’ પિતા અરુણકુમારની કાળવાણી થથરાવી જતી.
‘નહિ, મારું સુખ કદી નહિ વીખરાય!’ ચાંદની અક્કડ બનતી, ‘લગ્ન, બચ્ચાં મારું રૂપ બગાડી મૂકશે, મને એ નહિ પરવડે!’
પણ છેવટે તો ઉંમર ઉંમરનું કામ કરે જ છે. કોસ્મેટિક્સ તમને પાંચ-દસ વરસ નાનાં કરી દેખાડે, પણ ઓડિયન્સ તો જાણેને કે તમે દોઢ દાયકાથી પડદે ચમકી રહ્યાં છો! એમને વિકલ્પોય ક્યાં નથી!
પહેલાં પિતા અને પછી માની વિદાયએ ચાંદની એકલી પડી. ત્રણેક ફિલ્મો સુપરફ્લોપ થતાં દરેક આર્ટિસ્ટને જેેનો ભય હોય એ વળાંક જાણે આવી પહોંચ્યો – પીછેહઠનો!
ઊગતા સૂરજને પૂજનારી ઇન્ડસ્ટ્રીની અવગણના ચાંદનીને આકરી લાગતી. એકાકીપણું ડંખતું. બહેનો એમના સંસારમાં વ્યસ્ત. આ તબક્કે મને પપ્પા-મમ્મીની વિશેષ જરૂર છે, ત્યારે તેઓ પણ નથી! નશાનો આશરો લઈ ગમ તલબ કરવાનું મન લલચાતું છતાં એનાથી દારૂનો નશો થતો નહિ. મારું રૂપ ખોરવાય એ ન ચાલે!
‘વિજયા-સુંદરા’
છેવટે સીએએ ધ્યાન દોરતાં ચાંદનીએ બન્ન બહેનોને ઘરે તેડાવી હતી, ‘મને હવે માલૂમ પડે છે કે મારી આવક મા ટેક્સ બચાવવા તમારા- અને પછી તમારા પતિઓના નામ પર ચડાવતી. એ બધું હવે મારા નામ પર થઈ જવું જોઈએ.’
ચાંદનીને હતું બન્ને બહેનો તરત રાજી થઈ મને મારો હક ધરી દેશે, પણ-
‘તારી કમાણીનું તું જાણે બહેન, અમને કશી જાણ નથી. અમારી અમીરી અમારા પતિદેવોની દેણ છે.’
હેં! ચાંદની હચમચી ગઈ. પૈસો માણસને આટલો સ્વાર્થી, નીચ બનાવી શકતો હશે? ઘરમાં કમાનાર હું એકલી હતી, માએ મારી કમાણી બીજી બે દીકરીઓના નામે કરતાં ક્યાંક તો એની લખાણપટ્ટી થઈ હશે. બહેનોની સહી લેવાઈ હશે – વિજયા-સુંદરાથી એ બધું અજાણ્યું ઓછું હોય! નાની દીકરીઓ બદલાઈ જશે એવું માએ પણ ધાર્યું નહિ હોય! મારી અબજોની કમાણી પર બહેનોના પતિદેવોએ ભેગા મળી ચાર ફેક્ટરી નાખી; દુનિયા તો એમ જ જાણે કે બધું લોન પર થયું છે! હકીકતમાં એ મારો પૈસો છે એની બહેન-બનેવી તો જાણ ખરી જ ને. તોય જુઓ તો કેવાં ફરી બેઠાં છે! આ જ એમનો સ્નેહ? આ જ સંબંધ?
‘હું તમારી મોટી બહેન છું, કુટુંબના ભરણપોષણ માટે થઈને બાળપણથી-’
‘બસ, દીદી,’ પૂરું સાંભળ્યા વિના બન્ને જણી ઊભી થઈ ગયેલી, ‘એમ કહે કે અમારા પ્રતાપે તને સુપરસ્ટાર એક્ટ્રેસ બનવાનો મોકો મળ્યો! તારી મહાનતા ગાવામાં અમને રસ નથી…’
‘તમે સાચું કહેતા’તા પપ્પા… મારે ચેતવાનું હતું.’ બેડરૂમમાં લટકાવેલી મા-પિતાની તસવીર પર માથું ઢાળી એ ખૂબ રડી હતી. સદા અક્કડ રહેનારી, બેબીની મધર તરીકે ઇન્ડસ્ટ્રીમાં ધાક જમાવનારી મા ગરીબડી બની માફી માગતી જણાઈ, પણ એથી શું? સ્વજનોના છેહનો ખટકો તો રહી જ ગયો ને. બહેનો તરછોડી ગઈ, એથી વધુ કમાયેલું ધન લઈને ગઈ એનો વસવસો વધુ લાગ્યો ચાંદનીને. ગુજરબસરની ચિંતા થાય એવુંય નથી, છતાં 33ની ઉંમરે તદ્દન કપરાં ચઢાણ હતાં, આ સંજોગોમાં કોસ્મેટિક સર્જરી પરવડે પણ કેમ! ચાંદનીને ભય હતો કે એ વિના હું રૂપાળી નહિ રહું!
ઈશ્વર મને કુરૂપ બનાવી દેવા માગતો હશે? ચાંદની ધ્રૂજી જતી. જાતને અંધારામાં ડુબાડી દેતી… આ એનું અંગત વિશ્વ હતું. બહાર તો એ ઝાકઝમાળ જ દેખાતી. સ્ટાફને પણ એનું અંતરમન કળવા ન દેતી.
‘હેય બ્યુટિફુલ’
અને છેવટે એ વળાંક પણ આવી પહોંચ્યો…
ચાંદનીને બરાબર યાદ છે. દોઢ દાયકા અગાઉની એ રાત.
પોતાના ખાસ ફેશન ડિઝાઇનર જિતેન મુખરજીના ન્યુ કલેક્શનની લોન્ચિંગ સેરેમનીની ભવ્ય ઉજવણી ‘ઓબેરોય’માં હતી. પોતાનાથી દાયકો નાનો જિતેન બોલીવૂડ સેલિબ્રિટીઝનો માનીતો કોસ્ચ્યુમ ડિઝાઇનર હતો, એના કરિયર બિલ્ટઅપમાં ચાંદનીનો ફાળો મહત્તમ હતો.
એ રાત્રે પણ એની પાર્ટીમાં બોલીવૂડનું હુ ઝ હુ મોજૂદ હતું. નવી-નવી નટીઓ પ્રત્યે પોતાની ઈર્ષા ઝબકી ન જાય એની તકેદારી જાળવતી ચાંદની મુખ પર (બનાવટી) સ્મિત ફરકાવી ફરતી હતી, ત્યાં બ્યુટિફુલના સંબોધને ધ્યાન ખેંચ્યું. રેડ ગાઉનમાં ચાંદની સાચે જ શ્વાસ થંભાવી દે એવી ખૂબસૂરત લાગતી હતી. છતાં પળવાર તો એવું લાગ્યું જાણે બોલનારે મશ્કરીમાં તો મને નથી કહ્યું! વધતી વયને નાથવા પોતે કોસ્મેટિક સાયન્સનો સહારો લેતી હોવાની કાનાફૂસી થતી હોય છે, ભલે ગમે એટલું છાનું રાખો. કદાચ એટલે પણ કોઈ ‘બ્યુટિફૂલ‘નો કટાક્ષ વેરતું હોય!
ત્યારે નજર નિશાને વળી. ઓહ… આ તો ‘નાગિન’નો પ્રોડ્યુસ2- આત્મીય મહેતા!
ના, એની પ્રશસ્તિમાં બનાવટ ન હોય… હું જાણું છું ક્યારેક એ મારાથી એટલો પ્રભાવિત હતો કે એવી પત્નીને અણખટ થઈ હતી, અસલામતી વર્તાઈ હતી!
ગુજરાતી ફિલમોના સુવર્ણકાળમાં આત્મીયના પિતાએ સ્થાપેલી મહેતા ફિલ્મ કંપની થકી નસીબ આડેનું પાંદડું જાણે હટ્યું ને શ્રીકાંતભાઈ ખૂબ જાહોજલાલી રળ્યા. પછી જોકે ગુજરાતી ફિલ્મોની ચમકદમક ન રહી, હિન્દીમાં એકાદી ફિલ્મ બનાવી દાઝ્યા પણ ખરા, પણ પછી એમના એકના એક દીકરા આત્મીયે લીડ લીધી, કહો કે બેનરને પુનઃ જીવિત કર્યું. હિન્દીમાં મધ્યમ બજેટની મુવી બનાવી જે હિટ જતાં નવો પ્રોજેક્ટ હાથ પર લીધો ત્યારે હિતેચ્છુઓએ ટકોર્યો પણ હતો – માંડ તમારી ગાડી પાટે ચડી છે, એને ડુબાડવા જેવું ન કર. આજના જમાનામાં ઇચ્છાધારી નાગ-નાગણની ફિલ્મ ચાલતી હશે!
પરંતુ આત્મીયને સ્ક્રિપ્ટમાં વિશ્વાસ હતો, એ ધરાર ન માન્યો. બજેટ સમતોલ રાખવા ડિરેક્ટર-હીરો સાધારણ રાખ્યા, પરંતુ હિરોઇન તરીકે ચાંદનીને કાસ્ટ કરી એણે બાજી મારી લીધી! કેન્દ્રવર્તી ભૂમિકામાં ચાંદનીએ પ્રાણ રેડ્યા. બોક્સ ઓફિસના જ્વલંત કલેક્શને એને બિનવિવાદીપણે હેમામાલિની 5છીની બીજી લેડી સુપરસ્ટાર બનાવી દીધી.
‘યુ પ્રુવ્ડ લકી ફોર અસ’ ફિલ્મના ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેટ ફંક્શનમાં આત્મીયે ઓન ધ રેકોર્ડ કહ્યું હતું.
વયમાં પોતાનાથી આઠદસ વરસ મોટો આત્મીય અત્યંત સોહામણો હતો. શ્રીમંતાઈ એની રગરગમાં ટપકતી. ભારોભાર એટિટ્યુડવાળો આદમી જોકે ‘નાગિન’ પહેલાંનો પરણી ચૂકેલો. હાઉસવાઇફ માધુરી સાથે એનું લગ્નજીવન સ્ટેબલ મનાતું.
‘મારા પતિ તને બહુ વખાણતા હોય છે. ’
‘નાગિન’ પછી પણ ચાંદનીએ આત્મીયના બેનર હેઠળની બેએક ફિલ્મો કરી, જે ઠીક ઠીક સફળ રહી.
એ દરમિયાન માધુરી ઘણી વાર સેટ પર આવતી, એ ચાંદનીએ નોંધ્યું. ‘નાગિન’ વખતે આવું નહોતું, ત્યારે માધુરી કદી સેટ પર ફરકી નહોતી.
વેલ, પ્રોડ્યુસરની પત્ની તરીકે એ શૂટિંગ જોવા આવે, બેસે એનો ચાંદનીને વાંધો નહોતો, પણ પછી એ ગપ્પાં મારવાના બહાને કશુંક એવું બોલી જાય કે સમસમી જવાતું.
‘મારા પતિ તને બહુ વખાણતા હોય છે… બેડરૂમમાં અમારું સહશયન ચાલુ હોય ત્યારે પણ.’
ચાંદની ડઘાતી. બેશક, હિરોઇનના મોહમાં ભાન ભૂલી ઘરસંસાર ભાંગનારાઓની કમી નથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં. મારા જ અગાઉના લવ-લફરામાં પત્નીઓ ક્યાં હેરાન નથી થઈ! પણ આત્મીય સાથે મારે કોઈ લફરું નથી. હું એને ગમું છું, મારું આકર્ષણ એની આંખોમાં વાંચી શકું છું, પણ એથી કદી એણે આગળ વધવાની કોશિશ નથી કરી, લિમિટ ક્રોસ કરવી તો દૂરની વાત છે! તો પછી આમ કેમ?
‘સ્ત્રી બધું સહન કરી શકે, ચાંદની, પતિ પરસ્ત્રી સાથે સરખાવે એ સહી ન શકે.’
‘આઇ એમ સોરી, પણ તમે ધારો છો એવું અમારી વચ્ચે કંઈ જ નથી.’
‘આજે નથી એ કાલે નહિ થાય એની ગેરંટી ખરી?’
ત્યારે સમજાયું કે માધુરી મેડમ પાણી પહેલાં પાળ બાંધવાના ઇરાદે આવ્યાં છે. પતિની નીયત ડોલમડોલ થતી હોય ત્યારે જ પત્ની આવું કદમ ઉઠાવે.
‘નચિંત રહેજો, આ તબક્કે મને કારકિર્દી સિવાય કશામાં રસ નથી, તમારા પતિમાં તો નહિ જ.’
ચાંદનીનો રણકો માધુરીને રાહત આપતો, છતાં એણે કહેવાજોગ કહી દીધું, ‘મારો પતિ મારું સર્વસ્વ છે. અમીરીની ખોટ મને પિયરમાંય નથી, ચાંદની. મહત્ત્વનું છે કે હું આત્મીયને ચાહું છું. મારો સંસાર તિતરબિતર નહિ થવા દઉં.’ માધુરીના સ્વરમાં સખતાઈ ભળી, ‘હું તારા જેટલી રૂપાળી તો નથી, ચાંદની, પરંતુ તેં મારા સુખ પર નજર બગાડી તો એસિડ એટેકથી તારું રૂપ નંદાવી મારાથી વધુ બદસૂ2ત બનાવતાં ખંચકાઈશ નહિ હું.’
માધુરીના રણકામાં બોલેલું પાળી બતાવવાનો જુસ્સો હતો.
એસિડ એટેક. એના ગયા પછી પણ ચાંદની કંપી રહેલી.
‘શું કહી ગઈ એ?’ અરુણકુમાર રહ્યા નહોતા, પણ શુભલક્ષ્મી ત્યારે હજી હયાત. માને વળગી દીકરીએ ધ્રાસકો ઠાલવતાં જમાનાની ખાધેલ બાઈ પણ ઘીસ ખાઈ ગઈ – ત્યારે તો આવાથી આઘેરાં સારાં!
એ પછી ચાંદનીએ આત્મીય સાથે અંતર જાળવ્યું. એટલું જ નહિ, એની સાથે વધુ ફિલ્મો ન કરવાનો નિર્ણય પણ લીધો, ને પાળ્યોય ખરો! ચોથી ફિલ્મ માટે આત્મીય ઘણું મથ્યો હતો, પણ ડેટ્સનું બહાનું ધરી ચાંદની ટાળી ગયેલી.
ચાંદની વગરની બે ફિલ્મો સુપરફ્લોપ નીવડતાં આત્મીયની આબરૂ પર ઘસરકો લાગ્યો હતો, એને દેવું હોવાની પણ ખાનગી ચર્ચા હતી, જોકે એની અફલાતૂન લાઇફસ્ટાઇલ, એટિટ્યૂડમાં ક્યાંય કશો ફરક નહોતો. બલ્કે માધુરીની પ્રથમ ડિલિવરી એણે સ્વિટ્ઝર્લેન્ડમાં કરાવી હતી!
દીકરા આવિષ્કારનું પગલું શુકનવંતું હોય એમ આત્મીયની નવી ફિલ્મ હિટ નીવડી. ફરી એનો દબદબો છવાયો.
આ તરફ ચાંદનીનાં વળતાં પાણી શરૂ થઈ ચૂક્યાં હતાં. માની વિદાય પછી એ સાવ એકાકી થઈ, બહેનોના ફરેબના આઘાત વચ્ચે માધુરીના દેહાંતના ખબર એણે ખાસ ધ્યાન પર લીધાય નહોતા.
– ફેશન ડિઝાઇનર જિતેનની પાર્ટીમાં આત્મીયને જોઈને યાદ આવી ગયું કે હજી છ મહિના અગાઉ ચાર વર્ષના દીકરાને મૂકી માધુરી સ્વર્ગે સિધાવી છે…
એક્સિડેન્ટલ ડ્રાઉનિંગ.
વરલીમાંના વૈભવી બંગલાના માસ્ટર બેડરૂમના વિશાળ બાથટબમાં નહાવાની ટેવ ધરાવતી માધુરી એ રાત્રે સૂતાં પહેલાંનું બાથ લેવા ટબમાં 5ગ મૂકે છે કે લપસી જવાયું. માથામાં ચોટ આવતાં એ બેહોશ બની પાણીમાં ડૂબી મૃત્યુ પામી!
પત્ની ખાસ્સી વારે બહાર ન આવતાં આત્મીયે બાથરૂમનો દરવાજો ખોલ્યો, ત્યારે જોકે ઘણું મોડું થઈ ચૂક્યું હતું! એ મારમાર કરતો પત્નીને નજીકના દવાખાને લઈ ગયો, જ્યાં માધુરીને મૃત ઘોષિત કરાઈ હતી.
દીકરાને તેડી પત્નીને અશ્રુભીની વિદાય આપતા આત્મીયની તસવીર પોતે અખબારમાં નિહાળી હોવાનું પણ યાદ આવી ગયું ચાંદનીને.
પોતે જોકે ખરખરે નહોતી જઈ શકી, આત્મીય પણ ઘણા વખતે પાર્ટીમાં જોવા મળ્યો એ સાંભરતાં ચાંદનીએ નિકટ આવતાં આત્મીયને ગંભીર ભાવે કહ્યું, ‘આઇ એમ સોરી, મોડું મોડું તમને આશ્વાસન દઉં છું.’
આત્મીય પઝલ્ડ. ચાંદનીએ કહેવું પડ્યું, ‘માધુરીના અકસ્માત્ મૃત્યુ બદલ.’
– મને ધમકી દેનારી બિચારીને મોત આંબી ગયું એ કેવી કરુણતા!
અત્યારે, બાથટબમાં ડૂબતી માધુરીનું કદી નહિ જોયેલું દશ્ય તાદશ્ય થતું હોય એમ હાંફી ગઈ ચાંદની. એકાએક સમંદરની લહેરો ભયાનક ગર્જન કરવા માંડી. ચાંદનીના દાંત તડતડી રહ્યા.

મુંબઈમાં-
‘ઇન્સ્પેક્ટર અક્ષત, જ્વાલાસિંહ તમને મળવા માગે છે.’ મંગળની બપોરે જેલખાતામાંથી સંદેશો મળતાં અક્ષતના કપાળે કરચલી ઊપસી.
જુવાનજોધ ઇન્સ્પેક્ટર અક્ષત શાહ દેખાવડો એટલો જ કાર્યશીલ હતો. બુદ્ધિચાતુર્ય કે શારીરિક ચાપલ્યમાં એનો જોટો નહોતો. એના નામથી ગુનેગારો ફફડતા, ને ભ્રષ્ટાચારીઓ પણ દૂર રહેવાનું પસંદ કરતા. માબાપના દેહાંત પછી સંસારમાં એકલા પડેલા અક્ષતને કોઈની સાડા બારી નહોતી.
બે વર્ષ અગાઉ કોન્ટ્રેક્ટ કિલર જ્વાલાસિંહને અક્ષતે જ ઝબ્બે કર્યો હતો. નવ હત્યા કરનારને કાયદાએ ફાંસીની સજા આપી છે, એના અમલને જોકે હજી વાર છે. એણે એકદમ મને સંભારવાનું શું કામ? છતાં ફાંસીના કેદીનો બુલાવો છે એટલે જવું તો જોઈએ જ…
કલાક પછી અક્ષત સેન્ટ્રલ જેલ જવા નીક્ળ્યો ત્યારે જાણ નહોતી કે આ સફર પોતાને મોરેસિયસ સુધી દોરી જવાની છે! (ક્રમશઃ)

લેખક સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here