ફેસબુક પર તમારી પોસ્ટને મળતી કોમેન્ટ્સ પર તમને કેવું ફીલ થાય છે?

0
944

કોઈ લેખક ગમે તેટલો પ્રતિભાશાળી અને પ્રતિષ્ઠિત હોય તો પણ એને પોતાના સર્જનના પ્રતિભાવ જાણવામાં ઇન્ટરેસ્ટ હોય જ. પોતાના વિચારો અને પોતાની અભિવ્યક્તિ માટે મળેલા પોઝિટિવ પ્રતિભાવ એને પ્રસન્નતાનો અનુભવ અવશ્ય કરાવે છે. સામાન્ય લેખક નેગેટિવ પ્રતિભાવ સહન કરી શકતો નથી, પરંતુ જો લેખક ન્યુટ્રલ હોય તો એ નેગેટિવ પ્રતિભાવને પણ હૃદયપૂર્વક આવકારે છે અને એની કદર પણ કરે છે.

આજે સોશિયલ મિડિયાના યુગમાં કોઈ અખબાર કે મેગેઝિનમાં લખતા લેખકો જ લેખક ગણાતા નથી, પરંતુ ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર વગેરે જેવાં માધ્યમો દ્વારા પોતાની ઊર્મિઓ, પોતાના વિચારો અને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરનાર દરેક વ્યક્તિ પોતાને લેખક સમજે છે અને તેમાં ખાસ વાંધાજનક પણ કશું જ નથી. અલબત્ત, એક ફરક એવો ખરો કે અખબાર અને મેગેઝિનમાં કોઈ એડિટર હોય છે. એટલે લેખકે રજૂ કરેલા વિચારો સમાજ માટે કેટલા ઉપયોગી છે અને લેખકની અભિવ્યક્તિ કેવી કલાત્મક છે એ બન્નેનો વિવેક કરતો હોય છે, એ વિવેકને આધારે જ શું છાપવું અને શું ન છાપવું તેનો નિર્ણય પણ થતો હોય છે; જ્યારે સોશિયલ મિડિયાના લેખકને એ લાભ મળતો નથી. એ તો જે લખે તે અને જેવું લખે તેવું વાચકો સુધી પહોંચી જતું હોય છે.
સોશિયલ મિડિયામાં લખતા લેખકો ઘણી વખત તો પોતાના વિચારો રજૂ કરવાને બદલે અન્યત્ર સોર્સ દ્વારા મળેલા વિચારોને ફોરવર્ડ જ કરતા હોય છે. સોશિયલ મિડિયા હોય કે પ્રિન્ટ મિડિયા, એમાં ઘણા લેખકો તફડંચી કરનારા પણ હોય છે. બીજા કોઈનું લખાણ પોતાના નામે ચઢાવી મારીને પોતે વિદ્વાન હોવાનો ઢોંગ કરતા હોય છે. ‘સાહિત્યમાં ચોરી’ એ વિશે વર્ષોથી ચર્ચાઓ થતી રહી છે અને આજે પણ એવી ચોરીઓ થતી જ રહે છે. કેટલાક બહુ જ જાણીતા લેખકો અને ક્યારેક સાધુ-સંતો પણ કોઈકની સારી સાહિત્યિક રચનાની ઉઠાંતરી કરીને વાહવાહી મેળવવાની નફ્ફટ પ્રવૃત્તિ કરતા જોવા મળે છે, ત્યારે હૃદયમાં ખાસ્સી વેદના થાય છે.

પણ આજે અહીં મારે સાહિત્યમાં થતી ચોરી વિશે કે ઉઠાંતરી વિશે કોઈ જ વાત કરવી નથી. આજે તો મારે સોશિયલ મિડિયામાં અને એમાંય ખાસ કરીને ફેસબુક પર મુકાતી પોસ્ટ બાબતે મળતી વિવિધ પ્રકારની કોમેન્ટ વિશે કોમેન્ટ કરવી છે. આજની યંગ જનરેશન ફેસબુકથી અજાણી નથી એમ કહેવાને બદલે એમ કહેવું જોઈએ કે આજની નવી જનરેશન ફેસબુકમાં ગળાડૂબ છે. માત્ર પોતાના વિચારો જ નહિ, પરંતુ ઘણી બધી દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રી ફેસબુક ઉપર મૂકીને એની મોજ માણે છે. રાજકીય ઇલેક્શન વખતે પોતે ઇલેક્શન સમીક્ષક બની જતો હોય છે, નવું બજેટ બહાર પડે ત્યારે પોતે અર્થશાસ્ત્રી બનીને પોતાનાં મંતવ્યો રજૂ કરતો હોય છે અને કોઈ ફેસ્ટિવલ આવે ત્યારે એ શુભેચ્છાઓનું વિતરણ કરનાર શુભેચ્છક બની જતો હોય છે. પોતે કરેલા પ્રવાસના વિડિયો અને ફોટોગ્રાફ્સ અથવા કોઈની સાથે થયેલી મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ એ તરત જ ફેસબુક પર પોતાના ફ્રેન્ડ્સને શેર કરી નાખે છે અને તેની કોમેન્ટની પ્રતીક્ષા કરે છે.
ફેસબુક પરની આપણી પોસ્ટ વિશે વિવિધ પ્રકારની જે કોમેન્ટ્સ આવે છે તે મારી દષ્ટિએ નીચે મુજબ હોય છેઃ
1. નાદાન કોમેન્ટઃ
આવી કોમેન્ટ કરનાર વ્યક્તિ પોસ્ટનો અર્થ કે મર્મ સમજી હોતી નથી, એણે તો માત્ર કોમેન્ટ કરવા ખાતર કરી હોય છે. એને તમે ટાઇમપાસ કોમેન્ટ પણ કરી શકો.
2. નસ-ખેંચ કોમેન્ટઃ
આપણી સારી અને સાચી અને પોઝિટિવ અને ક્રિયેટિવ પોસ્ટ હોય તો પણ કેટલાક લોકો આપણા દિમાગની નસો ખેંચાય એવી જડભરત કોમેન્ટ્સ કરતા હોય છે. આવી કોમેન્ટ કરનારા લોકો હકીકતમાં પોતાની વિકૃત અને છીછરી સંસ્કારિતા જ બતાવતા હોય છે.
3. ‘અહો રૂપમ, અહો ધ્વનિ!’ કોમેન્ટઃ
આવી કોમેન્ટનો આમ તો કોઈ જ અર્થ હોતો નથી. ‘હું તારી ખુશામત કરું અને તું મારી ખુશામત કર’ – એવા વાડકી-વ્યવહારના સ્વરૂપ જેવી આ મુગ્ધ ચેષ્ટા છે.
4. ચીટકુ કોમેન્ટઃ
કેટલાક મૂર્ખ લોકો આપણી પોસ્ટ વાંચીને આપણને ચારે બાજુથી જાણે કે ઘેરી લે છે, પૂરેપૂરા વળગી પડે છે. આપણે ગમે તેટલી દલીલો કરીએ તો પણ એ આપણને છોડતા નથી.
5. દોઢડાહી કોમેન્ટઃ
કેટલાક લોકોને આપણી પોસ્ટ મુકાય કે તરત જ પોતાનું (દોઢ)ડહાપણ પ્રગટ કરવાનો રઘવાટ અને થનગનાટ ઊમટી પડતો હોય છે. આવા લોકો રીતસર આપણી પોસ્ટનું પોસ્ટમોર્ટમ જ કરી નાખતા હોય છે! આપણે શું કહેવા માગીએ છીએ તે સમજવાને બદલે એની સામે તેમને શું કહેવું છે એનું જ ઢોલ વગાડવા બેસી જાય છે!
6. ટર્નિંગ કોમેન્ટઃ
આપણે પોસ્ટમાં જે વિષયની વાત કરી હોય તે વિષયમાં કેટલાક લોકોને કશો અભ્યાસ, અનુભવ કે રસ-રુચિ હોતાં નથી. એટલે તેઓ વિષયને આડા પાટે ચડાવી દઈને પછી પોતાનો કક્કો ખરો કરવાની મથામણ કરતા રહે છે.
7. પૂંછડા-પછાડ કોમેન્ટઃ
કેટલાક લોકો નવો કોઈ વિચાર સ્વીકારી શકતા જ નથી. પરંપરાનું પૂંછડું પકડી રાખીને નવા વિચારનો વિરોધ કરવામાં પોતાનું શૂરાતન તેઓ વેડફતા રહે છે. ધર્મ-અધ્યાત્મની વાત હોય ત્યારે તો આવું ખાસ જોવા મળે છે. પ્રાચીન શાસ્ત્રો અને વાસી પરંપરાઓ માટેનો એમનો પ્રેમ એટલો સજ્જડ હોય છે કે નવા પ્રયોગ માટે અને તાજા ચિંતન માટે તેઓ વિચારી પણ શકતા નથી. પાછળ જોઈને આગળ ચાલતા રહેવાનો એમનો નશો ક્યારેય ઊતરતો નથી હોતો.
8. સપ્લિમેન્ટરી કોમેન્ટઃ
કેટલાક લોકો આપણી કોમેન્ટ વાંચ્યા પછી તેને સમજીને-વિચારીને તેના સંદર્ભમાં પૂરક માહિતી આપતા હોય તેવી સરસ કોમેન્ટ કરતા હોય છે. એ કોમેન્ટ વાંચીને આપણને આપણી પોસ્ટ મૂકવા બદલ આનંદ અને સંતોષ થાય છે.
9. લટૂડાં કોમેન્ટઃ
ફેસબુક પર જ્યારે કોઈ લેડીઝની પોસ્ટ કે તસવીર મુકાયેલી હોય ત્યારે કેટલાક રસિક જનો લટૂડાંપટુડાં થઈને કોમેન્ટ્સ મૂકે છે. તેઓને ખબર હોય છે પણ ખરી કે લેડીઝના નામ પર કેટલાંક ફેક અકાઉન્ટ્સ પણ હોય છે, છતાં તેઓ વહેલાવહેલા કોમેન્ટ મૂકી દેવાનો પોતાનો રઘવાટ રોકી શકતા નથી!
10. હલ્લાબોલ કોમેન્ટઃ
ફેસબુક ઉપર કેટલીક વાર રાજકીય અથવા અન્ય કોઈ પણ વિષયની એવી પોસ્ટ મુકાતી હોય છે કે જેમાં મતભેદ હોઈ શકે છે. સપોઝ, કોઈને ભાજપ અથવા નરેન્દ્ર મોદી માટે શ્રદ્ધા-આદર હોય ત્યારે નરેન્દ્ર મોદીની ફેવરવાળી પોસ્ટ જોઈને તેઓ એની સરાહના કરશે, પરંતુ કોંગ્રેસની કે રાહુલ ગાંધીની ફેવરવાળી પોસ્ટ હશે તો એનો વિરોધ જ કરશે. એથી ઊલટું કોંગ્રેસના પૂજારીઓ ભાજપ કે નરેન્દ્ર મોદી વિશેની સાચી વાત રજૂ કરતી પોસ્ટનો પણ વિરોધ કરશે અને એની ઠેકડી ઉડાડશે.
પ્રયોગ કરવો હોય તો જ્ઞાતિ આધારિત અનામતનો ઉલ્લેખ કરીને તમે કોઈ પણ પોસ્ટ મૂકી જોજો. સમાજમાં જ્ઞાતિવાદ અને ઊંચ-નીચના ભેદભાવ બિલકુલ ન હોવા જોઈએ એવું દઢપણે બોલનારા કેટલાક લોકો પોતાને જ્ઞાતિ આધારિત મળતા અનામતના લાભ છોડવાની વાત આવે ત્યારે આક્રમક અને ઝનૂની થઈ ઊઠશે. જો તમે તમારી પોસ્ટમાં અનામતની ફેવર કરી હશે તો એ લોકો તમારી વાહવાહી કરશે અને તમે ન્યુટ્રલ ન્યાયપ્રેમી તથા સાચા સમાજનિષ્ઠ હો એ રીતે તમારી આરતી પણ ઉતારશે!
11. બિન્દાસ કોમેન્ટઃ
કેટલાક સુજ્ઞ લોકો આપણી પોસ્ટ વાંચીને પોતાને જે લાગે તે બિન્દાસ અને અત્યંત સ્પષ્ટ પ્રતિભાવ રજૂ કરતા હોય છે. એમને મનમાં ક્યાંય હિસાબ-કિતાબ જેવું કશું હોતું નથી. માત્ર નિખાલસ કોમેન્ટ્સ રજૂ કરવાનો તેમનો ઉદ્દેશ હોય છે. એમની કોમેન્ટ અનુભવથી સમૃદ્ધ, શબ્દોથી અલંકૃત અને ન્યુટ્રલ હોય છે.
12. દિમાગ કા દહીં કોમેન્ટઃ
અમુક વાચકોની કોમેન્ટ આપણી પોસ્ટ સાથે નહાવા-નિચોવાના નાતા વિનાની, તદ્દન અસ્પષ્ટ, રેઢિયાળ અને દિમાગનું દહીં કરનારી હોય છે. એવી કોમેન્ટ્સ વાંચ્યા પછી આપણને પોસ્ટ મૂકવા બદલ ક્યારેક અફસોસ પણ થાય છે.
તમને કદાચ મેં અહીં રજૂ કરી એ સિવાયના અન્ય કોઈ પ્રકારની કોમેન્ટનો અનુભવ થયો હોય તો મને જાણ કરશો તો આનંદ થશે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here