મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વસંમતિથી  મરાઠા અનામત બિલ પસાર – મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રજૂ કરેલા પ્રસ્તાવને એનસીપીએ તેમજ કોંગ્રેસે ટેકો આપ્યો. મરાઠા સમુદાયને શિક્ષણ અને રોજગારના ક્ષેત્રે 16 ટકા અનામત મળશે..

0
1615

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી ગયા બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બિલને વિધાનસભામાં પેશ કર્યું હતું. પછાત વર્ગ માટેના પંચે કરેલી ભલામણ અનુસાર, મરાઠા માટે 16 ટકા અનામતનું  બિલ વિધાનસભામાં પેશ કર્યું હતું.. મહારાષ્ટ્ર સરકાર આગામી 5 ડિસેમ્બરથી રાજ્યમાં મરાઠા અનામત લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. પાંચ દિવસમાં એ માટેની કાનૂની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ તેનો અમલમાં મૂકવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, અમને પછાત વર્ગ માટે રચવામાં આવેલા પંચ તરફથી ત્રણ ભલામણો કરવામાં આવી હતી. મરાઠા સમાજને સોશ્યલ એન્ડ ઈકોનોમિક બેકવર્ડ કેટેગરી અંતર્ગત, અલગ અનામત અપાશે. અમે પંચની ભલામણોનો સ્વીકાર કર્યો છે. આ ભલામણોના જેમ બને એમ જલ્દી અમલ માટે એક કેબિનેટ સબ કમિટીની રચના કરવામાં આવશે.

મરાઠા અનામતની માગણી માટે 2016થી મહારાષ્ટ્રમાં કુલ 58 રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આખરે મરાઠા સમુદાયની માગણીઓનો સ્વીકાર થયો હોવાથી મહારાષ્ટ્રના મરાઠા સમુદાયમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.